Abtak Media Google News

 ગાંધર્વ લગ્નને પણ પરોક્ષ મંજૂરી મળી!!

રજિસ્ટ્રેશન ઓફિસર બંનેની ઓળખને ચકાસવાની સ્થિતિમાં ઓનલાઈન નોંધણી કરી શકે

અબતક, કેરળ

પ્રાચીન કાળમાં ગાંધર્વ લગ્નની પ્રથા અસ્તિત્વમાં હતી. જેમાં ઈશ્વરને સાક્ષી માનીને લગ્ન કરી લેવામાં આવતા હતા. ઈશ્વર ભલે ત્યાં પ્રત્યક્ષ હાજર ન હોય પણ તેઓ પરોક્ષ રીતે હાજર છે તેવું માનીને લગ્ન કરવામાં આવતા હતા. કેરળ હાઇકોર્ટે એક ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, લગ્ન નોંધણી માટે વર-કન્યાની પ્રત્યક્ષ હાજરીની જરૂરિયાત રહેતી નથી. તેઓ વર્ચ્યુલી હાજર રહીને પણ લગ્ન નોંધણી કરાવી શકશે.

વર અને કન્યાની હાજરી વિના પણ લગ્ન નોંધણી કરાવી શકાય છે. કેરળ હાઇકોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સુનાવણી દરમિયાન આ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, બંને પક્ષોને ઓળખવો એક પડકાર હતો પરંતુ હવે એક વિકલ્પ તરીકે ફેસ રિકોગનાઇઝેશન અને બાયોમેટ્રિક જેવી તકનીકોનો ઉપયોગ કરી શકાય છે.

ન્યાયમૂર્તિ મુહમ્મદ મુસ્તક અને કૌસર એડપ્પાગથની ખંડપીઠે કેન્દ્રના વકીલને આ બાબતે પક્ષોને ઓળખવા માટે ફેસ રિકોગનાઇઝેશન અને અન્ય તકનીકોના ઉપયોગ અંગે કેન્દ્ર પાસેથી નીતિ નિર્દેશ માંગવા જણાવ્યું હતું.

ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચ જસ્ટિસ પી.બી. સુરેશ કુમારના અભિપ્રાય સાથે સહમતિ દર્શાવી અને કહ્યું કે, કન્યા અને વરની શારીરિક હાજરી વિના લગ્ન નોંધણી કરાવી શકાય છે તે કહેવામાં કોઈ સંકોચ નથી. જો કે, રજિસ્ટ્રેશન ઓફિસર બંનેની ઓળખ જાણવા માટે સ્થિતિમાં હોવા જોઈએ. આ ઓળખ ઓનલાઇન નક્કી કરવાની પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની જરૂર છે.

સિંગલ બેન્ચની સુનાવણીમાં સરકારની દલીલ હતી કે, લગ્નની નોંધણી માટે લગ્ન અધિકારી સમક્ષ વર -કન્યાની હાજરી જરૂરી છે. કોઈપણ પક્ષની વ્યક્તિ લગ્ન નોંધણી અધિકારીનો પ્રાદેશિક નિવાસી હોવો જોઈએ. આવી સ્થિતિમાં, વિદેશમાં રહેતા બે લોકોના લગ્ન નોંધણી કરાવી શકાતા નથી.

જો કે, આ પ્રક્રિયા હાલના સમયમાં જ્યારે બાયોમેટ્રિક સિસ્ટમ અને ફેસ રિકોગનાઇઝેશન સિસ્ટમ હજુ સુધી સંપૂર્ણ સફળ નીવડી નથી ત્યારે લગ્ન નોંધણી માટે આ સિસ્ટમ કેટલી કારગત રહેશે તે હજુ જોવાનું રહ્યું. તાજેતરમાં ગુજરાતમાં જ બાયોમેટ્રિક સિસ્ટમમાં છીંડા કરીને મોટો પુરવઠાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેના અનેક સસ્તા અનાજના દુકાનદારોના લાયસન્સ પણ સસ્પેનડ કરવામાં આવ્યા છે અને હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે ત્યારે લગ્ન કે જે જીવનભરનો સાથ હોય છે તેમાં આ પદ્ધતિ કારગત નીવડશે કે કેમ? તે એક મોટો સવાલ છે. જો કે, કેરળ હાઇકોર્ટે હજુ આ અંગે કેન્દ્ર પાસે દિશા નિર્દેશો મંગાવ્યા છે અને તે મળ્યા બાદ આ પદ્ધતિની અમલવારી કરવી કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

હવે સવાલ એવો પણ છે કે, પ્રત્યક્ષ હાજરી હોય ત્યારે વર-કન્યા પર લગ્ન માટે કોઈ દબાણ છે કે કેમ ? તેઓ બંને આ લગ્ન તેમની રજામંદીથી કરી રહ્યા છે કે કેમ? સહિતના બાબતોની ચકાસણી પણ કરી લેવામાં આવતી હોય છે. હવે જ્યારે વર-કન્યાની પ્રત્યક્ષ હાજરીની જરૂરિયાત રહેતી નથી ત્યારે હવે આ બાબતોની યોગ્ય ખરાઈ કરી શકાશે કે નહીં તે અંગે પણ સવાલ ઉભો થયો છે.

‘અવિશ્વસનીય’ ટેક્નિકલ સંસાધનો મારફત થનારી વર્ચ્યુલ નોંધણીની ‘વિશ્વસનીયતા’ કેટલી?

હાલ ચોક્કસ ટેક્નિકલ સંસાધનોમાં આપણે દરરોજ નવા શિખરો સર કરી રહ્યા છીએ. ડિજિટલ ક્ષેત્રે આપણે ખૂબ ઝડપથી જ આગળ વધી રહ્યા છીએ તેમ છતાં હજુ પણ ડિજિટલ સંસાધનો વિશ્વાસપાત્ર નથી તે બાબત પણ સ્પષ્ટ છે જેનું તાજું ઉદાહરણ બાયોમેટ્રિક સિસ્ટમથી આચરાયેલું રાજ્યવ્યાપી અનાજ કૌભાંડ છે. ત્યારે મોટો સવાલ છે કે, આ અવિશ્વસનીય ડિજિટલ પ્લેટફોર્મ થકી થતી લગ્ન નોંધણીની વિશ્વસનીયતા કેટલી? કન્યાને દબાણમાં લાવી લગ્ન કરી લેવા કારસ્તાન રચાયું હોય તેની ભનક પણ ડિજિટલ લગ્નમાં મળી શકે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.