Abtak Media Google News

લોનધારકોને રાહત આપવા રિઝર્વ બેંકે લોનના વ્યાજદર અને લોન ઇએમઆઇ બાઉન્સ થવા મામલે નવી ગાઇડલાઇન જાહેર કરી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન ધારકોને મોટી રાહત આપતા લોનના વ્યાજદર અને લોન ઇએમઆઇ બાઉન્સ થવાના મામલે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આરબીઆઇની નવી ગાઇડલાઇન અનુસાર બેંકો અને નાણાંકીય સંસ્થાઓએ કસ્ટમરોને ફિક્સ્ડ રેટવાળી લોન ઉપલબ્ધ કરાવવી પડશે તેમજ વ્યાજદરમાં વૃદ્ધિથી લોનના માસિક ઇએમઆઇ પર થતી અસરની પણ જાણકારી આપવી પડશે. તેમજ લોનના માસિક હપ્તાની ચૂકવણીમાં ચૂક થવાના કિસ્સામાં પણ બેંકો દ્વારા વસૂલવામાં આવતા દંડ અંગે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

રિઝર્વ બેંકે અન્ય બેંકો, એનબીએફસીએસ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિત તમામ ધિરાણકર્તા સંસ્થાઓને સૂચના આપી છે કે તેઓ ગ્રાહકોને તેમની લોન પરના વ્યાજદરમાં ફેરફાર સમયે ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટવાળી લોન પરમાં ક્ધવર્ટ વિકલ્પ આપે. જો લોનના વ્યાજદર વધે તો ગ્રાહકની લોનની મુદત લંબાવવી કે ઇએમઆઈ રકમ વધારવી તે નિર્ણય પણ ગ્રાહકોની સહમતિથી લેવામાં આવે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકોને આ અંગેની સંપૂર્ણ માહિતી સમયસર આપવી તેની જવાબદારી બેંકો અને નાણાકીય સંસ્થાઓની છે. શુક્રવારે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે તેનો આદેશ તમામ વર્તમાન અને નવા લોન ખાતાઓ પર લાગુ થશે.

નવા નિયમોનો લાભ કોને મળશે?

રિઝર્વ બેંકે જણાવ્યુ છે કે, લોન ઇએમઆઇ સંબંધિત નવા નિયમોનો ફાયદો નવા કસ્ટમરો તેમજ હાલના ગ્રાહકોને 31 ડિસેમ્બર 2023 સુધીમાં ઉપલબ્ધ કરાવવાનો રહેશે. એવું મનાય છે કે, રિઝર્વ બેંકની આ ઘોષણા મોંઘી લોન ઈએમઆઈથી પરેશાન લોકોને રાહત આપશે.

નવા નિયમ ક્યારે લાગુ થશે?

રિઝર્વ બેંકે લોન એકાઉન્ટ પર પેનલ્ટી ફી અંગે વિગતવાર સૂચના જારી કરી છે. જેમાં આરબીઆઇએ જણાવ્યું છે કે, બેંકો અને અન્ય ધિરાણકર્તાઓને 1 જાન્યુઆરી, 2024થી પેનલ્ટી ઇન્ટરેસ્ટ રેટ એટલે કે નાણાંકીય દંડ પર વ્યાજ વસૂલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

લોન ઇએમઆઈમાં ફેરફારની જાણકારી આપવી પડશે

લોનને મંજૂરી આપતી વખતે બેંકો-હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ ધિરાણ લેનારાને જાણ કરવી પડશે કે બેન્ચમાર્ક વ્યાજદરમાં ફેરફાર પછી માસિક હપ્તા એટલે કે ઇએમઆઈના સમયગાળા અથવા ઇએમઆઈની રકમમાં ફેરફાર થઈ શકે છે. રિઝર્વ બેંકે જણાવ્યુ છે કે, લોન ઇએમઆઇની મુદ્દત અને રકમમાં થનાર ફેરફારની સમયસર જાણકારી લોન ધારકોને આપવાની જવાબદારી બેંકો અને ધિરાણકર્તા સંસ્થાઓની રહેશે.

લોન પ્રીપેમેન્ટનો વિકલ્પ આપવો પડશે

બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ લોનધારકોને લોન ઇએમઆઇની રકમ વધારવાનો અથવા લોન ઇએમઆઇનો સમયગાળો વધારવાનો અથવા બંને વિકલ્પ પૂરો પાડવાનો રહેશે. તેમજ કસ્ટમરને લોનના સમયગાળા દરમિયાન સંપૂર્ણ અથવા આંશિક પ્રીપેમેન્ટનો વિકલ્પ આપવો પડશે. લોનની પ્રી-પેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ હાલના નિર્દેશોને આધીન રહેશે.

દલોન ક્ધવર્ટ ચાર્જ જાહેર કરવા પડશે

ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટમાંથી ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટમાં કે તેનાથી વિપરીત લોન ક્ધવર્ટ કરવા પર લાગુ થનાર ચાર્જ ઉપરાંત અન્ય સર્વિસ ચાર્જ કે એડમિનિસ્ટ્રેશન ચાર્જનો ખુલાસો પારદર્શિતા દરમિયાન લોનની મંજૂરી બાદ જારી કરાયેલા લેટરમાં ખુલાસો કરવા પડશે. તેમજ જ્યારે પણ આ સર્વિચ ચાર્જની સમીક્ષા કરવામાં આવશે, ત્યારે તેની વિગતો જાહેર કરવી પડશે. બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ ખાતરી કરવી પડશે કે ફ્લોટિંગ રેટ લોનની મુદ્દત વધાર્યા બાદ તેના કારણે નેગેટિવ ઋણમુક્તિ ન થાય.

લોન ઇએમઆઈ સ્ટેટમેન્ટ આપવા પડશે

આ નાણાકીય સંસ્થાઓએ દરેક ક્વાર્ટરના અંતે તેમના કસ્ટમરોને યોગ્ય માધ્યમો દ્વારા સ્ટેટમેન્ટ આપવાના રહેશે. જેમાં અત્યાર સુધી વસૂલ કરાયેલી મુદ્દલ રકમ – વ્યાજની માહિકી આપવાની રહેશે. તેમજ લોન ઇએમઆઇની રકમ, બાકી ઇએમઆઇ અને લોનના વાર્ષિક વ્યાજદરની સાથે સમગ્ર લોનના સમયગાળા માટે એન્યુઅલ પર્સેન્ટેજ રેટ ટકાવારી દર (એપીઆર)ની વિગતો આપવાની રહેશે. આ નાણાકીય સંસ્થાઓએ ધ્યાન રાખવું પડશે કે ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ સરળ શબ્દોમાં હોવું જોઈએ જેને લોનધારકો સરળતાથી સમજી શકે.

પેનલ્ટી પર વ્યાજ વસૂલી શકાશે નહીં

રિઝર્વ બેંકે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, લોન કરારની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ લોન લેનાર પાસેથી પેનલ્ટી ચાર્જ વસૂલવામાં આવી શકે છે. જો કે આ પેનલ્ટી પર વ્યાજ વસૂલી શકાશે નહીં. બેંક એડવાન્સ પર વસૂલવામાં આવતા વ્યાજ દરોમાં પેનલ્ટી પરનું વ્યાજ ઉમેરવામાં આવે છે. પેનલ્ટી પર વ્યાજ બેંક લોન પર વસૂલવામાં આવતા વ્યાજદરમાં ઉમેરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.