Abtak Media Google News

દાવા વગરની થાપણો માટે આરબીઆઈનું 100 દિવસનું મહા અભિયાન

1 જૂનથી બેન્કો કામે લાગી જશે : અભિયાન હેઠળ જિલ્લામાં ટોચના 100 દાવા વગરના થાપણદારોને શોધાશે

દેશમાં અબજો રૂપિયાની થાપણો દાવા વગરની પડી છે. જેને લઈને તાજેતરમાં નાણામંત્રીએ પણ જરૂરી આદેશો આપ્યા હતા. પરિણામે હવે બેન્કો થાપણદારોના વારસદારોને શોધી શોધીને તેને પૈસા આપશે.

આરબીઆઇ હવે બેંકોમાં દાવા વગરના પડેલા અબજો રૂપિયાના માલિકોને શોધવા માટે 100 દિવસનું અભિયાન શરૂ કરશે. આ અભિયાનને 100 ડેઈઝ-100 પેજ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દરેક બેંક 100 દિવસની અંદર દેશના દરેક જિલ્લામાં ટોચના 100 દાવા વગરના થાપણદારોને શોધીને તેની રકમની ચૂકવણી કરશે.

આરબીઆઇના આદેશ પર તમામ બેંકો આગામી 1 જૂનથી આ અભિયાનની શરૂઆત કરશે. નિયમ મુજબ કોઈપણ બચત અથવા ચાલુ ખાતું કે જે 10 વર્ષ સુધી ઓપરેટ ન થતું હોય અથવા ટર્મ ડિપોઝીટ ખાતું જેમાં 10 વર્ષ સુધી કોઈ દાવો ન હોય તો આવા ખાતાઓમાં પડેલી રકમને દાવા વગરની અથવા દાવો ન કરેલી રકમ તરીકે માનવામાં આવે છે. બેંકો પણ આ ગ્રાહકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. જો કોઈ દાવેદાર ન મળે તો રકમ એક વિશેષ ખાતામાં જતી રહે છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે એક મીટિંગ દરમિયાન આ દાવા વગરની રકમ અંગે નિયમનકારોને કહ્યું હતું કે જ્યાં પણ દાવો ન કરેલી રકમ બેંકિંગ શેર, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ અથવા વીમાના રૂપમાં જ્યા પણ રકમ પડી છે તેને નિપટાવવા માટે વિશેષ અભિયાન સંચાલન કરવામાં આવે. આર્થિક બાબતોના સચિવ અજય સેઠનું કહેવું છે કે આવા મામલાઓમાં જ્યાં નામાંકિત વ્યક્તિની માહિતી જાણી શકાતી નથી ત્યાં નિર્ધારિત પ્રક્રિયા હેઠળ પગલાં લેવામાં આવશે.

જાહેર ક્ષેત્રની બેંકોમાં 35 હજાર કરોડ જેટલી થાપણો દાવા વગરની

જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ રૂપિયા 35 હજાર કરોડની રકમ એવી છે જેના પર કોઈએ દાવો કર્યો નથી. સરકારી બેંકોએ આ નાણાં રિઝર્વ બેંકને ટ્રાન્સફર કર્યા છે. આ નાણમાં એસબીઆઈ પાસે 8,086 કરોડ રૂપિયાની રકમ દાવા વગરની છે. આ મામલે પંજાબ નેશનલ બેન્કમાં રૂપિયા 5,340 કરોડ, કેનેરા બેન્કમાં રૂપિયા 4,558 કરોડ અને બેન્ક ઓફ બરોડામાં રૂપિયા 3,904 કરોડની રકમ છે.

વીમા કંપનીઓ પાસે રૂ. 22,043 કરોડ દાવા વગરની

આરબીઆઇના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં સૌથી વધુ દાવા વગરની રકમ જમા છે. આ ઉપરાંત 31 માર્ચ 2021 સુધીમાં જીવન વીમા કંપનીઓ પાસે રૂપિયા 22,043 કરોડ અને બિન-જીવન વીમા કંપનીઓ પાસે રૂપિયા 1,241.81 કરોડની રકમ દાવા વગરની છે. એલઆઇસી પાસે રૂપિયા 21,538.93 કરોડની રકમ દાવા વગરની જમા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.