Abtak Media Google News

ભારત સરકારનો બાળકો માટેનો સર્વોચ્ચ “બાલાશ્રી” એવોર્ડથી સન્માનિત

અનેક ખોડ ખાંપણ સાથે જન્મેલો ઉત્તમ પ્રતિભાના જોરે આજે અનેક શો કરી ચૂક્યો છે

ફ્રેન્ડશીપ ડે 6 ઓગષ્ટને રવિવારે રાજકોટવાસીઓને અજાયબીઓથી ભરપૂર પ્રતિભાશાળી યુવા ગાયક ઉત્તમ મારૂના ગીતો સાંભળવાનો નિ:શુલ્ક લ્હાવો મળશે. કલા અને સંગીતના રસિકો માટે સતત કાર્યરત ટી-પોસ્ટના દર્શન દસાણીની સમાજલક્ષી ઉમદા પહેલથી કાલાવડ રોડ દેશી કાફે ખાતે ઉત્તમ મારૂના ગીત-સંગીતનો નિ:શુલ્ક કાર્યક્રમ તા.6 ઓગષ્ટ રવિવારે રાત્રે 9-30 વાગે ચાહકો માણી શકશે.

ઉત્તમ મારૂને હવે પૂરી દુનિયા જાણે છે. આમ છતા એમના વિશે જણાવીએ કે, બે દાયકા પૂર્વે રાજકોટના એક નર્સિંગ હોમમાં એક પ્રસુતાએ દીકરાને જન્મ આપ્યો. જન્મ વખતે તેને હોઠ, નાક, તાળવું કે આંખો કંઇ જ ન હતા. ભગવાને સુખ આપીને તુરંત જ છીનવી લીધું. લગભગ બધાનું માનવું હતું કે આ બાળક જીવનભર પરિવાર માટે બોજો બની રહેશે. એક ડોક્ટરે તો એમ પણ કહ્યું કે, આ બાળકને ઇન્જેકશન આપીને શાંત કરી દઇએ, કારણ કે જો જીવશે તો તમે પણ દુ:ખી થશો અને બાળક પણ દુ:ખી થશે. બાળકના દાદાએ પરિવારના બધા સભ્યોને ભેગા કરીને કહ્યું. ‘જુઓ, આવડી મોટી દુનિયામાં આવો છોકરો ભગવાને બીજા કોઈને ત્યાં મોકલવાને બદલે આપણે ત્યાં જ કેમ મોકલ્યો? ભગવાનને આપણા પર કેટલો મોટો વિશ્ર્વાસ હશે કે હું આ છોકરાને જે ઘરે મોકલું છું ત્યાં બધા એને સાચવશે.

આ છોકરા પર એક પછી એક 8 થી વધુ ઓપરેશન થયાં. બાળકના દાદાએ એને પગભર કરવા માટે શાળામાં દાખલ કરવાનો વિચાર કર્યો. શરૂઆતમાં તો કોઇ શાળા એને સ્વીકારવા તૈયાર ન થઇ. પછી એક શાળામાં એને એડમિશન મળ્યું અને આ છોકરો ભણવામાં બીજા બાળકો કરતાં પણ ધીમે-ધીમે આગળ નીકળી ગયો. શાળામાં પ્રથમ નંબર લાવતો થયો. આ છોકરાને જે સ્કૂલમાં બેસાડવામાં આવેલો એ સ્કૂલ કોઇ કારણોસર બંધ થઇ. એટલે હવે આ છોકરા માટે એને સમજી શકે એવી નવી શાળાની શોધ શરૂ થઇ. એક દિવસ – રાજકોટના બાલભવનમાં સિંહાર સ્કૂલના સંચાલક દિલીપ સાહેબની આ બાળક સાથે મુલાકાત થઇ. આ છોકરો ત્યારે બીજા ધોરણમાં ભણતો હતો પણ એની સાથેની વાતચીતથી સિંહાર સાહેબ ખૂબ

પ્રભાવિત થયા. એમણે આ છોકરાને 100થી વધુ સવાલો પૂછ્યા અને હજુ તો સવાલ પૂરો થાય એ પહેલાં એ જવાબ આપી દેતો.

બાળકને સિંહાર સ્કૂલમાં દાખલ કરવા માટેની દરખાસ્ત મૂકી અને દાદાજીએ એ દરખાસ્ત સહર્ષ સ્વીકારી લીધી. ત્યારપછી તો દાદાજીએ બાળકને ઓર્ગન, તબલાં, બ્રેઇલ લિપિ, કમ્પ્યૂટર શીખવાડ્યા અને છોકરો બધાંમાં પાવરધો થયો. જુદા-જુદા વર્ગોમાં દાદાજી બાળકની સાથે જાય. સવારથી સાંજ સુધીનો મોટાભાગનો સમય આ બાળકની પાછળ જ વ્યતિત કરવામાં આવે. દાદાને ઇચ્છા કે પૌત્ર સારો ગાયક બને. એટલે એક દિવસ દાદા એમના પૌત્રને લઇને રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં ચાલતા અનવરભાઇના ગાયનના વર્ગોમાં લઇ ગયા. શરૂઆતમાં બાળકની સ્થિતિ જોઇને કદાચ એના કલાગુરૂને પણ એમ થયું હશે કે આ છોકરો કેવી રીતે ગાઇ શકશે પણ છોકરાના દાદાની ધગશ જોઇને એમણે બાળકને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યો અને બાળકને સારો ‘ગાયક બનાવવા

માટે કમર કસી. તાળવું ન હોવા છતાં ખૂબ સારા ગાયન દ્વારા આ છોકરાએ એના કલાગુરૂને પ્રભાવિત કર્યા અને કલાગુરૂએ આ છોકરાની ગાયકીનો એક પ્રોગ્રામ રાજકોટના હેમુ ગઢવી હોલમાં કર્યો. ઊભા રહેવાની પણ જગ્યા ન મળે એવીજનમેદની વચ્ચે એકથી એક ચઢિયાતાં ગીતો ગાઇને એણે બધાનાં દિલ જીતી લીધાં. જેને શાંત કરી દેવાની ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી હતી એ બાળકે પોતાની ગાયકી દ્વારા  અનેક લોકોના તનાવને શાંત કરી દીધો. બધાના મોઢામાંથી એક સરખા ઉદગાર હતા ‘અદભુત….. અદભુત……. અદભુત’. રાજકોટના રહેવાસી આ છોકરાનું નામ છે ઉત્તમ મારુ, અને એને તૈયાર કરનાર એના દાદાજીનું નામ છે કુંવ2જીભાઇ મારુ. 20 વર્ષનો ઉત્તમ હવે સેલિબ્રિટી બની ગયો છે. આ છોકરાને 150થી વધુ ગીતો યાદ છે અનેક શ્ર્લોકો અને પ્રશ્ર્નોના જવાબો એને મોઢે છે. દુનિયા અને ભારતના સામાન્ય જ્ઞાનની અદભુત સમજ ધરાવે છે.

શ્રીમદ ભગવદગીતાના તમામ અઠાર અધ્યાયના કુલ 700 શ્ર્લોક એણે કંઠસ્થ કરીને મધુર અવાજે ગાયા છે અને તેનું સ્ટુડિયોમાં રેકોર્ડિંગ પણ થયું છે. ગાયન, તબલા અને હાર્મોનિયમમાં વિશારદ છે. 11 ઉપનિષદ, નારદનું ભક્તિસૂત્ર, પતંજલિનું યોગસૂત્ર અને પાણિનીનાં અષ્ટાધ્યાયનાં 4 હજાર સૂત્રો એને

કંઠસ્થ છે. ઉત્તમ મારુને ભારત સરકારે બાળકો માટેના સર્વોચ્ચ એવોર્ડ ‘બાલશ્રી’થી સન્માનિત કર્યો છે. સંસ્કૃત વિષય સાથે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા આ પ્રજ્ઞાચક્ષુ યુવાનના સંઘર્ષ અને ઉછેરને સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય કર્યો હતો. અભ્યાસમાં થોડા ઓછા ટકા આવે અને પોતાના સંતાનો પર તૂટી પડતાં મા-બાપોએ સંતાનનો ઉછેર કેમ કરવો એ સમજવા અને જાણવા માટે

કુંવરજીભાઇ મારૂને ખાસ મળવાની જરૂર છે. ઉત્તમની સાથે તમારા સંતાનની સરખામણી કરજો તો ખ્યાલ આવશે કે ભગવાને તમારા ત્યાં મોકલેલું બાળક કેટલું સારું છે, જો ઉત્તમ સામાન્યમાંથી સર્વોત્તમ બની શકતો હોય તો તમારૂં સંતાન કેમ પાછળ રહી જાય છે? આવા અનોખા અદભૂત ઉત્તમ મારૂનો વનમેન-શો તા.6 ઓગષ્ટ રવિવારે ફ્રેન્ડશીપ ડેની રાત્રે 9 વાગે દેશી કાફે, કાલાવડ રોડ રાજકોટ ખાતે યોજાશે. જેનું સંચાલન જાણીતા કલાકાર મિલન ત્રિવેદી કરવાના છે. કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું ઉમદા પ્લેટફોર્મ બનેલા ટી-પોસ્ટ ખાતે વધુ એક અનેરા કાર્યક્રમને નિ:શુલ્ક માણવા દર્શન દસાણીએ સંગીત પ્રેમીઓને આમંત્રણ પાઠવ્યું છે.

ઉત્તમ-સર્વોત્તમ: આટલું વાંચશો તો તમે ઉત્તમ માટે આફ્રિન પોકારી જશો….

  • જન્મ વખતે જેને હોઠ, નાક, તાળવું કે આંખો ન હતા એવા ઉત્તમની દાદાએ એવી માવજત કરી કે આજે ગાયન, તબલા, હાર્મોનિયમમાં વિષારદ છે
  • ભગવદ ગીતાના 18 અધ્યાયના 700 શ્ર્લોક કંઠસ્થ જેનું રેકોર્ડિંગ થયું છે
  • 11 ઉપનિષદ, અષ્ટાધ્યાયના 4 હજાર સો કંઠસ્થ
  • જેનું જીવવું જ પડકારજનક હતું તેણે સર્જેલી સાફલ્યગાથાને સમાજશાસ્ત્ર-મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં સામેલ કરાઇ
  • ઉત્તમે મુંબઇ સહિતના શહેરોમાં કરેલા ‘વન મેન શો’ની વિશ્ર્વસ્તરે નોંધ લેવાઇ છે. 150થી વધુ ગીતો તેને મોઢે યાદ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.