Abtak Media Google News

ટિકિટ ચોરી કરનારને આકરી પેનલ્ટી ફટકારાતા ક્ધડક્ટરો હડતાલ પર ઉતરી ગયા: પાંચ કલાક સિટી બસ સેવા બંધ રહ્યાં બાદ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુસાફરોને તકલીફ ન પડે તે માટે ક્ધડક્ટર વિના જ સિટી બસ દોડાવાનું શરૂ કરી દીધું

મુસાફરો પાસેથી ટિકિટના પૈસા વસૂલી ટિકીટ ન આપનાર કટકીબાજ ક્ધડક્ટરોને આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં આજે સવારે સિટી બસના 150થી વધુ ક્ધડક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતાં. જેના કારણે પાંચ કલાક સુધી સીટી બસ સેવા ખોરવાઇ જવા પામી હતી. જો કે તંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરનાર હડતાલીયા ક્ધડક્ટરો સામે ઝુકવાને બદલે કોર્પોરેશન મર્દાનગીભર્યો નિર્ણય લેતાં ટીકીટ વિના જ સીટી બસને દોડાવવાનું શરૂ કરી દીધું હતું.

છેલ્લાં ચારેયક દિવસ ટીકીટ ફેર કલેક્શનની કામગીરી માટે નવી એજન્સીને નિયુક્ત કરવામાં આવી છે. અગાઉ જૂની એજન્સીમાં કામ કરતા અને ટીકીટ ચોરીમાં પકડાયેલા કેટલાંક ક્ધડક્ટરોએ નોકરીમાં આવું હોય તેવોએ અન્ય સ્ટાફને ઉશ્કેરી રહ્યાં છે.

તાજેતરમાં ક્ધડક્ટરને ટીકીટ ચોરીના કેસમાં 10,000 રૂપિયાની તોંતીગ પેનલ્ટી ફટકારવામાં આવી છે. નવા ટીકીટ મશિન અને આકરી પેનલ્ટીના વિરોધમાં આજે સવારે સીટી બસના ક્ધડક્ટરો હડતાલ પર ઉતરી ગયાં હતાં. તમામે ત્રિકોણબાગ ખાતે સૂત્રોચ્ચાર પોકાર્યા હતાં સાથોસાથ પોતાની સામે લગાવવામાં આવેલા દંડ પાછો ખેંચી લેવાની પણ માંગણી કરવામાં આવી હતી. સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી એમ પાંચ કલાક સુધી સીટી બસના 90 રૂટ બંધ થઇ ગયા હતાં.

ક્ધડક્ટરોની ગેરવ્યાજબી માંગણી સામે ઝુંકવાને બદલે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુસાફરોના હિતમાં મર્દાનગીભર્યો નિર્ણય લીધો હતો. હડતાલ પર ઉતરેલા ક્ધડક્ટરો હાજર ન થાય ત્યાં સુધી માત્ર ડ્રાઇવરના સહારે સીટી બસ દોડાવવાનો આદેશ આપ્યો હતો. મુસાફરોને મફ્તમાં મુસાફરીની સુવિધા આપવામાં આવી હતી. જેનો ચાર્જ એજન્સી પાસેથી વસૂલવામાં આવશે તેવી પણ તાકિદ કરવામાં આવી હતી. પાંચ કલાક માટે સીટી બસ સેવા બંધ રહ્યાં બાદ ટીકીટ વિના બસ દોડાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

ક્ધડક્ટરોના પ્રશ્ર્ને એજન્સી સાથે પરામર્શ: મ્યુનિ. કમિશનર

મહાનગરપાલિકાની સિટી બસ સેવામાં આજે સવારે ક્ધડક્ટરોના પ્રશ્ને થોડો સમય માટે વિક્ષેપ સર્જાયો હતો પરંતુ ત્યારબાદ તુર્ત જ વરિષ્ઠ અધિકારીઓએ ટિકીટ ફેર (ટિકીટ ભાડું) કલેક્શન એજન્સી સાથે આવશ્યક સંકલન અને પરામર્શ કરી તમામ સિટી બસ પૂન: દોડતી કરી દીધી હતી.

તમામ ડ્રાઈવરો બસ ચલાવવા માટે તૈયાર જ હતાં પરંતુ કેટલાક ક્ધડક્ટરોએ તેમની સામે લેવાયેલા શિક્ષાત્મક પગલાં અનુસંધાને અન્ય ક્ધડક્ટરોને બસ સેવા ખોરવવા પ્રેર્યા હતાં પરંતુ મહાપાલિકાએ તાત્કાલિક અસરથી ક્ધડક્ટર વગર જ તમામ સિટી બસ તેના રૂટ પર દોડાવવાનું ચાલુ કરી લોકોને મુશ્કેલી ના પડે તેની કાળજી લીધી હતી.

એજન્સી સાથે ચર્ચા વિચારણા કરી ક્ધડક્ટરોને બોલાવવામાં આવી રહયા છે. વિશેષમાં જે બસમાં જ્યાં સુધી ક્ધડક્ટર ઉપલબ્ધ નહી હોય ત્યાં સુધી તે બસ ક્ધડક્ટર વગર જ રૂટ પર દોડાવવામાં આવી રહી છે, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.