Abtak Media Google News

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકાયો: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા, તમિલનાડુના રાજયપાલ આર.એમ. રવિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના રહ્યા ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરતા બે રાજયોની સંસ્કૃતિના અદભુત સંગમ સમા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યકમને આજે સવાર કેન્દ્રીય સંરક્ષણ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પ્રથમ જયોતિલીંગ એવા સોમનાથ મહાદેવના સાનિઘ્યમાં સોમનાથ મંદિર સમીપે આવેલા સમુદ્ર દર્શન પથ પાસેના મેદાન ખાતે આજથી 30મી એપ્રિલ સુધી ચાલનારા સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું કેન્દ્રીય સંરક્ષણમાંથી રાજનથસિંહ દ્વારા વિધિવત ઉદધાટન કરવામાં આવ્યું હતું. આ તકે તમિલનાડુના રાજયપાલ આર.એન. રવિ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ  પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, મંત્રી ઋષિકેશ પટેલ, મુળુભાઇ બેરા, હર્ષભાઇ સંઘવી, અને સાંસદ રાજેશભાઇ ચુડાસમા ઉ5સ્થિત રહ્યા હતા.

આજથી 30 એપ્રિલ દરમિયાન યોજાનારો સૌરાષ્ટ્ર તમિલ સંગમ સતરંગી બની રહેશે. એમાં ચિત્રકલા, પરફોમિંગ, આર્ટસ સંગીત, નાટક, સામિત્ય, સેન્ડ આર્ટ:, પરંપરિત  લોકગાયક, હસ્તકળા વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિ અને સંસ્કાર ઉજાગર થશે. શિલ્પ, ભાષા, હેરિટેજ, શોપિંગ ફેસ્ટીવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન, રમત ગમત ગોષ્ઠિ, ગુજરાતી તમિલ ભાષા પર ફન વર્કશોપ અને વાનગી સ્પર્ધા જેવા અલભ્ય આકર્ષણો સૌના મન મોહી લેશે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ ગકે અનેક નવી દિશાઓ ઉઘડશે. બન્ને પ્રદેશો વચ્ચેની બરસો વર્ષો જુની યાદો આળસ મરડીને ઉભી થશે. આવતા સેંકડો વર્ષો સુધી બન્ને વચ્ચેના અતૂટ સંબંધોના નવા પ્રકરણો દેશ અને દુનિયા જોવાની છે. તમિલનાડુના સૌરાષ્ટ્રીયનો માટે સૌરાષ્ટ્ર બને પિયર તો સૌરાષ્ટ્રવાસીઓ માટે તમિલનાડુ બનશે એમનું બીજું ઘર સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંગે મદુબાઇના સૌરાષ્ટ્રીયન જયચંદ્રનજીએ પોતાનો પ્રતિભાવ વ્યકત કરતા કહ્યું છે કે, હજાર વર્ષ પછી કોઇએ સૌરાષ્ટ્ર તમિલ સંબંધો વિશે વિચાર્યુ છે. વિશ્ર્વભરને આશ્ર્ચર્યચકિત કરી દેનારી આ એક દુર્લભ ઘટના એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં સહભાગી બનવા સૌ થનગની રહ્યા હોય એ સ્વાભાવિક વાત છે.

સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચે સદીઓ જૂનો પુરાણો નાતો છે.  સૌથી મોટી ગણવામાં આવતી હિજરતમાની એક એટલે આપણા સૌરાષ્ટ્રવાસીઓનું તામિલનાડુમાં હિજરત થવું. ભારત વર્ષના તમિલનાડુ રાજ્યમાં 25 લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની જૂની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ તેમજ પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારની પરંપરા અને વારસાને અકબંધ રાખી નિવાસ કરી રહ્યો છે. 1024ની સાલમાં મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઈ માર્ગે સોમનાથ પ્રભાસ પાટણ, વેરાવળથી અને આજુબાજુના વિસ્તારમાંથી સામુહિક સ્વરૂપે વસતા સૌરાષ્ટ્રવાસીઓ દરિયાઈ માર્ગે હિજરત કરી ખંભાત, સુરત અને ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યમાં આશરો લઈ રહ્યા હતા. વિજયનગરના પતન બાદ રેશમ વણાટ કામ અને અન્ય હસ્તકલાઓમાં કૌશલ્ય ધરાવતા આ સમુદાયને મદુરાઈના રાજવંશ મહારાજાએ રાજ્યાશ્રય આપ્યો હતો. 1500ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો છે.

વર્ષોથી તમિલનાડુમાં વસેલા આ સૌરાષ્ટ્રવાસીઓ આજે પણ સૌરાષ્ટ્રના રિતીરિવાજ, લગ્ન વિધિ પરંપરા, યજ્ઞ, ભજન સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસાને જાળવીને પણ ત્યાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે.  1200 વર્ષ પછી આજે આ સમુદાયએ તમિલનાડુમાં સૌરાષ્ટ્રવાસી તમિલ તરીકે પોતાની ભૂમિ, ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય, વણાટ કલા સર્વેનો વારસો જાળવી તમિલનાડુમાં દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તેણે પોતાની તમામ પ્રકારની સૌરાષ્ટ્રવાસી તરીકેની પ્રણાલિકાઓ અખંડ રીતે જાળવી રાખી છે.

પોતાની વૈદિક સંસ્કૃતિને બચાવવા દરિયાઈ માર્ગે હિજરત કરીને તમિલનાડુ ગયેલા આ સૌરાષ્ટ્રવાસીઓ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી ફરી સૌરાષ્ટ્રમાં ભગવાન સોમનાથની નિશ્રામાં એકઠા થવાના છે.

સૌરાષ્ટ્રીયન તમિલ લોકો મુખ્યત્વે ચેન્નાઈ, મદુરાઈ, ડીંડીગુલ, પરમાકુડી, સાલેમ, કુમ્બકોણમ, તન્જાવુર, તિરૂનેલવેલી અને ત્રિચી શહેરની આજુ-બાજુમાં સ્થાયી થયા હતા. આ સમુદાયના લોકો રેશમ કાપડની વણાટની કળામાં ખુબ જ પારંગત હતા, આજે પણ તેમની આ કલાની નોંધ સમગ્ર દેશમાં લેવાય છે.

આ સમુદાયને ફરીથી વર્તમાન ગુજરાત સાથે જોડવાના પ્રયત્નો 2005થી કરવામાં આવી રહ્યા હતા અને 2010ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મદુરાઈ ખાતે વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આયોજન કરેલું હતું. પણ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આવો અભૂતપૂર્વ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના અને તેમની જન સમુદાયને પોતાના મૂળ સાથે જોડવાની પરિકલ્પના આ કાર્યક્રમથી મૂર્તિમંત થવા જઈ રહી છે.

આ કાર્યક્રમ 17 એપ્રિલથી પ્રારંભ થનાર છે. જેના થકી પુન: આપણી સંસ્કૃતિમાં નવી ચેતના ઉમેરાશે. આ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતો જે આપણા સૌરાષ્ટ્ર અને ત્યાં પણ રમાય છે તેવી વિવિધ રમતો રમવાનુ આયોજન કરવામાં આવ્યું છે.  આ સાથે જ  બિઝનેસ, ટેક્સટાઇલ જેવા વિવિધ સેમીનારો પણ યોજવામાં આવશે. ઉપરાંત જુદા-જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. તમિલનાડુના મહેમાનો દ્રારકા અને નાગેશ્વર અને શિવરાજપુર બીચની પણ મુલાકાત લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.