Abtak Media Google News

જૂનાગઢમાં રીંગણા સસ્તા થતા ગૃહિણીઓ રાજીના રેડ થઈ જવા પામી છે. અહીંની માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે રીંગણા 140 ના ભાવે એક મણ વેચાતા ગૃહિણીઓ સસ્તા થયેલ રીંગણાથી ઓળો – રોટલો અને ચાપડી – ઊંધિયું બનાવવામાં મસ્ત બની છે.જુનાગઢ જિલ્લામાં આમ જોઈએ તો, આ વખતે અંદાજિત 3055 હેક્ટરમાં શાકભાજીનુ વાવેતર થવા પામ્યું છે. જેના કારણે શાકભાજીના ભાવો મધ્યમાં રહી શકે તેવું વેપારીઓનું માનવું છે.

શાકભાજીના વધતા ભાવે સસ્તા થયેલા રીંગણાએ ગૃહીણીઓને કરી રાજી

પરંતુ હાલમાં જ પરિક્રમા જુનાગઢ ખાતે યોજાઈ હતી અને લાખો પરિક્રમાર્થી ઓનાં ભોજન માટે હજારો ટન શાકભાજી અન્નક્ષેત્રો અને અહીં આવતા ભાવિકો દ્વારા ખરીદવામાં આવ્યા હતા. જેના કારણે છેલ્લા આઠેક દિવસથી શાકભાજીના ભાવ થોડા ઊંચા ગયા હતા. તે દરમિયાન જ કમોસમી વરસાદ થતાં ખેતરોમાં કીચડ થઈ જતા ખેડૂતો શાકભાજી ઉતારવા ખેતરોમાં જઈ શકતા ન હતા. જેના કારણે જૂનાગઢમાં શાકભાજીના ભાવો ખૂબ જ ઊંચા પહોંચ્યા હતા અને ગૃહિણીઓનું બજેટ છેલ્લા દસ દિવસથી અસ્તવ્યસ્ત થતાં લીલોતરી શાકભાજીને બદલે ગૃહિણીઓ કઠોળ તરફ વળી હતી.

દરમિયાન છેલ્લા બે દિવસથી જુનાગઢ યાર્ડમાં શાકભાજી વિપુલ પ્રમાણમાં આવતા લીંબુ, મરચા, ટમેટા, કોથમીર, લીલી ડુંગળી, કોબીજ, સહિતના શાકભાજીમાં સામાન્ય ફેરફાર જોવા મળી રહ્યા છે. તેમાંય રીંગણાની વિપુલ પ્રમાણમાં આવક થતા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રૂ. 140 ના 20 કિલોના ભાવે રીંગણા વેચાતા જુનાગઢની ગૃહિણીઓ ખુશી ખુશી ઓળો  – રોટલા તથા ચાપડી – ઊંધિયા બનાવવામાં મસ્ત બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.