Abtak Media Google News

શૂન્યમાંથી સર્જન સ્વરૂપ હાલ આશ્રમ બનાવવાની કામગીરી પ્રગતિમાં

લોધીકા તાલુકાના ખીરસરાથી નજીક એવા દેવગામ સ્થિત સત સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ઉર્ફે ગાંડાની મોજ નામના આશ્રમમાં સ્વભાવે સરળ અને માત્ર ગાંડાઓની સેવાની મસ્તીમાં મસ્ત રહેતા મુળ જસદણના વિષ્ણુભાઈ ભરાડ 11 વર્ષથી અવરીત માનસિક અસ્થિર લોકોની સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. અહીં  16 જેટલા માનસીક અસ્થિર લોકોને નવડાવવા, વાળ-દાઢી કાપી સ્વચ્છ બનાવવા સાથે સારૂ અને સ્વાસ્થયપ્રદ ભોજન આપવામાં આવે છે. જો કોઇને શારીરિક બિમારી જણાય તો હોસ્પિટલમાં દાખલ કરાવી સારવાર પણ આપવામાં આવે છે.

પ્રારંભે એકલવીર એવા  વિષ્ણુભાઇ સાથે સમયાંતરે કાંતીભાઇ ભુત, રમેશભાઇ ફુલવાળા, વિભાભાઇ ફ્રુટવાળા જેવા ઘણા સેવાભાવી લોકો જોડાતા ગયા આમ એક ટીમ બની. આ અંગે વિષ્ણુભાઇ સૌપ્રથમ એકટીવા લઈને અને ત્યારબાદ રીક્ષા લઈને વિવિધ સ્થળે પાણી પીવડાવવા, જમવાનું આપવું, નવડાવી સ્વચ્છ કપડા પહેરાવવા વગેરે જેવા કાર્યો કરતા હતા. તે માટે અનેક સ્થળોએ જવું પડતું હતું આથી તેઓએ એક જ સ્થળો આવા લોકોને એકઠા કરી તેઓની સેવા સુશ્રૃષા થઇ શકે તે માટે આશ્રમ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. દેવગામ સ્થિત ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જમીન ફાળવી અપાતા તે સાકાર થયું છે.

અહીં ડાયનીંગ હોલ, રસોડું, કોઠાર, લાઇટ પંખા સાથે એટચ બાથરૂમ સહિતની સુવિધાઓથી સભર આશ્રમ તૈયાર થઇ રહયો છે. આ તમામ સુવિધાઓ ઉભી કરવામાં અને રોજીંદા નિભાવ ખર્ચમાં કૌશલ્યાબેન પટેલ, ઘનશ્યામભાઈ ઠક્કર (ગાયત્રી ઉપાસક), જલારામ ચીકીનાં પ્રકાશભાઇ જેવા કેટલાક સેવાભાવી શ્રેષ્ઠીઓનો તેઓને સહયોગ સાંપડયો છે. હાલમાં જ ટ્રસ્ટ્રીઓ દ્વારા આશ્રમ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અનેક વૃક્ષોનું રોપણ કરી તેના જતન અને સંવંર્ધન માટે સૌ સંકલ્પબધ્ધ બન્યા હતા. આમ સમાજમાં વિષ્ણુભાઇ ભરાડ જેવા સદકાર્ય કરતા લોકોના સેવાયજ્ઞો થકી જ સમાજમાં નવરચનાનું કાર્ય અવરીત ચાલતું રહે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.