Abtak Media Google News

મહિલાની તિક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી ઢીમઢાળી દઈ સોનાના ધરેણાની લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના  કલાકોમાં ઉકેલ્યો

ભેસાણના ચુડા ગામે રૂ. 50 હજારના સોનાના દાગીનાની લુંટ અને વૃદ્ધાની હત્યા કરી લાશને ભૂગર્ભ ટાંકામાં ફેંકી દીધાની ઘટનાનો ભેદ જુનાગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે, અને વૃદ્ધાની પાડોશમાં જ રહેતા અને મરઘી કાપવાનો વ્યવસાય કરતા એક આરોપીને લૂંટમાં ગયેલા સોનાના દાગીના સહિત ઝડપી પાડ્યો છે.

Advertisement

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધા જીવતીબેનના મકાનમા કોઈ અજાણ્યા શખ્સે રાત્રિના સમયે અપ્રવેશ કરી, વૃદ્ધા એ પહેરેલ રૂ. 50 હજારની કિંમતના આશરે દોઢ તોલા સોનાના બુટયાની લુંટ કરી, વૃદ્ધાને ગળાના ભાગે તેમજ માથાના ભાગે કોઈ તિક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા કરી, મોત નિપજાવી અને તેની લાશને ફળિયામા આવેલ ભુર્ગભ ટાંકામા નાખી દીધી હોવાની મરણ જનાર જીવતીબેનના પુત્ર હરસુખભાઈ બાબુભાઈ વાછાણી એ ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

બુધવારે ભેસાણના ચુડા ગામે બનેલા આ લૂંટ અને હત્યા કેસની જાણ થતાં જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, જૂનાગઢ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ચુડા ગામે પહોંચ્યા હતા, તથા ટાંકા માંથી લાશને બહાર કાઢીને ભેસાણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ત્યાંથી પીએમ અર્થે જામનગર મોકલવામાં આવી હતી. આ સાથે  પોલીસે આ ઘટના અંગે જીણવટ ભરી તપાસ કરી, આ લૂંટ અને મર્ડરનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે જુનાગઢના એસ.પી હર્ષદ મહેતા ના જણાવ્યા અનુસાર, આ ચકચારી ઘટનાને પગલે પોલીસ દ્વારા એફએસએલ સહિતની ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા પ્રયાસો હાથ ધરાયા હતા અને સીસીટીવી કેમેરાની તપાસ અને સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરાઈ હતી .

તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ભેસાણ ચોકડી ખાતે કેસરી કલરનો શર્ટ અને મહેંદી કલરનું પેન્ટ પહેરી ઉભેલ ઈસમ આ હત્યામાં સંડોવાયેલો છે ત્યારે એલસીબીએ બાતમી વાળી જગ્યાએ પહોંચી જઈ શંકાસ્પદ ઈસમને હસ્તગત કરી, પૂછપરછ કરતા આ ઈસમ ભાંગી પડ્યો હતો અને તેમણે બુટીયાની લૂંટ અને વૃદ્ધાની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આથી જુનાગઢ એલસીબી ટીમે આરોપી દિલાવર સલીમભાઈ બેલીમ (ઉંમર વર્ષ 31, રહેવાસી ચુડા ગામ) નામના શખ્સ પાસેથી લૂંટમાં ગયેલ સોનાના બુટીયા કબજે લઈ આ શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.