ભુજ: ગઢશીશામાં ગેમ રમવા બાબતે કૌટુંબિક ભાઈઓ બાખડયા: યુવાન પર ખૂની હુમલો

બે દિવસ પહેલાંની માથાકૂટનો ખાર રાખી બે ભાઈઓએ પોતાના કુટુંબી પર જ છરી અને લાકડી વડે તૂટી પડ્યા: બંનેની ધરપકડ

ભુજના ગઢશીશા ગામમાં ગેમ રમવા બાબતે થયેલી માથાકૂટમાં કૌટુંબિક ભાઈઓ બાખડયા હતા. જેમાં બે સગા ભાઈઓએ યુવાન પર છરી અને લાકડી વડે તૂટી પડ્યા હતા. જેથી પોલીસે ખૂની હુમલાની નોંધ કરી વધુ તપાસ ગઢશીશા પીએસઆઇ વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ કરી રહ્યા છે. જેમાં પોલીસે બંને આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઈ કાલે ગઢશીશા ગામે રહેતા સંજય છગનભાઇ આથુ નામના ૨૦ વર્ષના યુવાન પર તેમના જ કૌટુંબિક ભાઈઓ નિકુંજ દિલીપ આથુ અને સંદીપ દિલીપ આથુએ છરી અને લાકડી વડે જીવલેણ હુમલો કરતા સંજયને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ ગઢશીશા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ બે દિવસ પહેલા સંજયને નિકુંજ અને સંદીપ સાથે ગેમ રમવા બાબતે માથાકૂટ થઈ હતી. જેનો ખાર રાખી નિકુંજ અને સંદીપે ગઈ કાલે છરી અને લાકડી જેવા હથિયાર વડે ખૂની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા સંજયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બનાવની નોંધ કરી બંને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા.