Abtak Media Google News

નોકરી અપાવી દેવાની લાલચે વેબસાઈટ પરથી થઈ છેતરપીંડી

બેરોજગાર યુવાઓની છેતરપિંડી કરવા માટે દિલ્હીના ઠગોએ પાથરેલી ઓનલાઈન જાળમાં ભુજના યુવકને રૂપિયા ૩૨ હજાર ગુમાવવાનો વારો આવ્યો છે.છેતરાયેલાં યુવકે આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત, આઈટી એક્ટ સહિતની કલમો તળે સીમા વર્મા, પ્રિન્સ સર અને એક અજાણ્યા મોબાઈલ નંબરધારક સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

દિલ્હીના ઠગોએ શિક્ષિત બેરોજદાર યુવકો માટે શરૂ કરેલી શાઈનડોટકોમ(રોજગારહબ્સડોટકોમ) નામની વેબસાઈટ પર ભુજના પ્રમુખસ્વામીનગરના ઓધવ એવન્યૂમાં રહેતાં યશ ભુપેન્દ્ર ઠક્કરે તેનો બાયોડેટા અપલોડ કર્યો હતો.

બાયોડેટામાં દર્શાવેલાં મોબાઈલ પર ગત ૨૯ મેનાં રોજ તેને સીમા વર્મા નામની યુવતીનો ફોન આવ્યો હતો. પોતે અગ્રણી ફાર્માસ્યુટીકલ કંપની સિપ્લામાંથી બોલતી હોવાનું અને અરજદાર નોકરીના સેકન્ડ રાઉન્ડ માટે પસંદ થયા હોવાનું જણાવી સીમાએ યશને ક્વોલિટી એસ્યોરન્સ તરીકે મોટા પગારની નોકરીની લાલચ આપી ઈન્ટરવ્યૂ માટે મુંબઈ બોલાવ્યો હતો. જો કે, ઈન્ટરવ્યૂ પૂર્વે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાના નામે વેબસાઈટના બેન્ક એકાઉન્ટમાં ૨૩૬૦ રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. બાદમાં સિક્યોરીટી પેટે ૮૫૦૦ , ડોક્યુમેન્ટેશન અને વેરીફીકેશનના નામે ૫૩૧૦ રૂપિયા , સેલેરી બેન્ક એકાઉન્ટ ખોલાવવા ૧૦ હજાર રૂપિયા મગાયા હતા જે તેણે એક બાદ એક ઓનલાઈન ભરપાઈ કરી આપ્યા હતા. નવા નવા બહાને યશ પાસે ઓનલાઈન નાણાં ભરપાઈ કરાવતાં ચીટરોએ વધુ એકવાર તેની પાસે પ્લેસમેન્ટ ફોર્મના નામે ૧૨ હજાર રૂપિયા માંગ્યા હતા. જો કે, યશે ૧૨ હજાર રૂપિયાની સગવડ ના હોવાનું જણાવતાં ચીટરોએ અડધી રકમ ભરાવડાવી હતી. યશે અડધાં નાણાં ભરતાં તેની બુક કરાવાયેલી રેલવે ટિકિટ કેન્સલ કરી દેવાઈ હતી.બાદમાં યશને શંકા જતાં તેણે નાણાં પરત માંગતા ચીટરોએ બે મહિના પછી નાણાં મળશે તેમ કહી ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.

આ અંગે યશે અગાઉ એલસીબીના સાયબર સેલમાં અરજી આપી હતી. જેની તપાસમાં શાઈનડોટકોમ વેબસાઈટ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે ફરિયાદ નોંધીને આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.