Abtak Media Google News

લોકસભાની તૈયારીઓનો આરંભ : પૂર્વ મંત્રીઓ, મહિલા અગ્રણીઓ અને યુવા મોરચાને અપાયું પ્રતિનિધિત્વ

આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. હાલ ભાજપ દ્વારા લોકસભાની બેઠક દીઠ ચાર ચાર પ્રભારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. આ પ્રભારીઓ બેઠકમાં પક્ષની સ્થિતિની સમીક્ષા કરીને જ્યાં જ્યાં ટીમ નબળી જણાઈ ત્યાં મજબૂત બનાવશે.

Advertisement

ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી તરીકે નરહરીભાઈ અમીન, પ્રદિપભાઈ ખીમાણી, અમીબેન પરીખ અને પુષ્પદાનભાઈ ગઢવીની નિમણુંક કરવામાં આવી છે. જયારે જૂનાગઢ જિલ્લામાં નીતિનભાઈ ભારદ્વાજ, ગોરધનભાઈ ઝડફીયા, વસુબેન ત્રિવેદી, મહેન્દ્રભાઈ પનોત અને ભરતસિંહ સરવૈયાની નિયુકિત થઈ છે. આ ઉપરાંત જામનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રૂપાબેન શીલુ (શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન), યોગેન્દ્ર ગોહિલ (યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ) અને રમણભાઈ વોરાની વરણી કરવામાં આવી છે.

ભાવનગરમાં મહેશભાઈ સથવારા, પ્રકાશભાઈ સોની, હાર્દિકસિંહ ડોડીયા અને જયોતિબેન વાછાણી (જૂનાગઢના પૂર્વ મેયર), અમરેલીમાં નીમુબેન બાંભણીયા, પૂર્વ પ્રમુખ હિરેનભાઈ વીરપરા, જયંતિભાઈ કવાડીયા, શંકરભાઈ વેગડ અને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણા. જયારે પોરબંદરમાં ડી.કે. સખીયા, ચીમનભાઈ સાપરીયા, રમેશભાઈ મુંગરા, રમીલાબેન કથીરીયા અને નેહલભાઈ શુકલની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મોહનભાઈ કુંડારીયા, સંજયભાઈ કોરડીયાની નિયુકિત કરવામાં આવી છે. આ તમામ પ્રભારીઓની ટીમ પોતપોતાની નિયુકત કરેલ જગ્યાએ જઈ ત્રણ દિવસનો પ્રવાસ કરશે અને ગત ચૂંટણીઓમાં જે નબળા વિસ્તારો પડેલ છે તે મજબૂત બનાવવાના પૂરતા પ્રયત્નો કરશે.

ભાજપની ૧૮-૧૯મીએ રાષ્ટ્રીય કારોબારી: ૨૪-૨૫મીએ પ્રદેશ કારોબારી

ભાજપ દ્વારા તા.૧૮ અને ૧૯ ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાનાર છે. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ ‚પાલા, અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી.ફળદુ ભાગ લેશે. આ રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં વધુમાં વધુ બેઠકો જીતવાની રણનીતિ ઘડી કાઢવામાં આવશે. કેન્દ્રીય નેતાઓ દ્વારા પ્રદેશને પુરતુ માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.

ઉપરાંત સુત્રોના જણાવ્યા મુજબ આગામી તા.૨૪ અને ૨૫ ઓગસ્ટના રોજ ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક મળશે. જેમાં રાષ્ટ્રીય બેઠકમાં થયેલી ચર્ચા તેમજ કેન્દ્રીય મંત્રીઓએ આપેલ માર્ગદર્શન મુજબ સ્ટ્રેટજી નકકી કરવામાં આવશે. પ્રદેશ કારોબારી યોજાયા બાદ એકાદ સપ્તાહમાં જિલ્લાની કારોબારી બેઠક પણ મળશે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.