Abtak Media Google News

મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચુંટણીમાં ભાજપને મળેલી શાનદાર જીતથી દેશભરમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે કેન્દ્રમાં સતત ત્રીજી વખત સત્તારૂઢ થાય તે માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચુંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાતમાંથી પણ ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ર6 કમળોનો હાર પહેરાવવા ભાજપના કાર્યકરો અત્યારથી જ સજજ થઇ ગયા છે. દરમિયાન આજે બપોર ‘કમલમ’ખાતે ભાજપના તમામ 156 ધારાસભ્યો 33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખો સાથે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામને પેજ કમિટી માટે બનાવવામાં આવેલા ખાસ સોફટવેર અંગે ટ્રેનીંગ આપવામાં આવશે.

ત્રણ રાજયોમાં ભાજપની શાનદાર જીત બાદ ગુજરાતમાં કાર્યકારો ઉત્સાહિત

ભાજપના 156 ધારાસભ્યો, 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખને પેજ સમિતીના નવા સોફટવેર અંગે અપાશે તાલીમ

ગુજરાત વિધાનસભાની ગત વર્ષ યોજાયેલ સામાન્ય ચુંટણીમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની પેજ સમિટીની વ્યુહ રચનાના કારણે ભાજપ ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકો માંથી રેકોર્ડ બ્રેક 156 બેઠકો પર વિજેતા બન્યું છે. વિધાનસભાની ચુંટણીના પરિણામ બાદ પ્રદેશ અઘ્યક્ષ દ્વારા વર્ષ 2024માં યોજનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સતત ત્રીજીવાર રાજયની લોકસભાની તમામ ર6 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સાથો સાથ કોંગ્રેસ ભવિષ્યમાં ગુજરાતમાં કયારેય ઉભી ન થાય તે માટે તમામ ર6 બેઠકો પાંચ લાખ કે તેથી વધુ મતોથી લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક સેટ કરવામાં આવ્યો છે.

ત્રણ રાજયોની વિધાનસભાની ચુંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ ભાજપ દ્વારા દેશભરમાં લોકસભાની ચુંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આજે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા બપોરે 4 કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ભાજપના તમામ 156 ધારાસભ્યો, 33 જિલ્લાના પ્રમુખ અને 8 મહાનગરોના પ્રમુખ ઉપરાંત આઇટી વિભાગની ટીમ સાથે એક અગત્યની બેઠક બોલાવવામાં આવી છે.

પેજ કમિટિ માટે ભાજપ દ્વારા એક ખાસ સોફટવેર બનાવવામાં આવ્યો છે. આ સોફટવેર કેવી રીતે કામ કરશે અને તેનો મહત્તમ ઉપયોગ કરી વધુ મતદારોને તેવી રીતે ભાજપ તરફ વાળી શકાય તે સહિતની બાબતોની ટ્રેનીંગ આપવા તથા માર્ગદર્શન આપવામાં આવશે. સી.આર. પાટીલની અઘ્યક્ષતામાં યોજનારી બેઠકમા: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને સંગઠન મહામંત્રી સત્નાકરજી ધારાસભ્યો અને સંગઠનના હોદેદારોને માર્ગદર્શન આપશે.

આગામી દિવસોમાં ભાજપ દ્વારા સંગઠાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. લોકસભાની ચુંટણીના આડે હવે ચાર માસના સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી ચુંટણીની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.