Abtak Media Google News

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તથા પૂર્વ કેબીનેટ મંત્ર રમણલાલ વોરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે, ગુજરાતની અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની વસ્તીના ધોરણે થતી બજેટની જોગવાઈઓના વિરૂધ્ધમાં આગામી દિવસોમાં કોંગ્રેસ આંદોલન કરવા જઈ રહી છે, તેવા સમાચારો પ્રાપ્ત થયો છે, જેને અમો વખોડી કાઢીએ છીએ અને કોંગ્રેસની સાચી સ્થિતિનું નિરૂપણ કરવા માંગીએ છીએ.

Advertisement

બંધારણ પ્રમાણે એસ.સી.ના ૭ ટકા પ્રમાણે અને આદિજાતિના ૧૫ ટકા પ્રમાણે વસ્તીના ધોરણે બજેટ ફાળવવું જોઇએ. ૬ઠ્ઠી પંચવર્ષીય યોજના ૧૯૮૦ થી ૧૯૮૫ દરમ્યાન ખાસ અનુસૂચિત જાતિઓ માટેની અંગભૂત યોજનામાં ૩.૭૦ ટકા જોગવાઇ, સાતમી પંચવર્ષીય યોજના ૧૯૮૫ થી ૧૯૯૦ દરમ્યાન ૨.૮૬ ટકા જોગવાઇ અને ૧૯૯૨ થી ૧૯૯૭ માં ૨.૯૭ ટકા જોગવાઇ કરવામાં આવી હતી. ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન પંદર વર્ષમાં માત્ર એક જ વખત ૭ ટકાને બદલે ૩.૭૦ ટકા વધારેમાં વધારે બજેટની જોગવાઇ કરવામાં આવેલ હતી.

માત્ર જોગવાઇ કરેલ હતી. કેટલા નાણા વ૫રાયા તેનો કયારેય હિસાબ આપ્યો નથી. કોંગ્રેસે કયારેય અનુસૂચિત જાતિ કે જનજાતિના બંધારણીય હક્કો અને તે પ્રમાણે તેમના માટેની બજેટની જોગવાઈ કયારેય કરી ન હતી. ૨.૮૬ થી ૨.૯૭ ટકા જોગવાઈ કરવાવાળી કોંગ્રેસ આજે વસ્તીના ધોરણે બજેટની માંગણી કરી રહી છે, ત્યારે કોઈપણ રાજય સરકારે વસ્તીના ધોરણે બજેટની જોગવાઇ કરવી જોઇએ, તે નિર્વિવાદ વાત છે અને માત્ર જોગવાઇ કર્યેથી નહીં ચાલે તે પ્રમાણે યોજનાનું અમલીકરણ કરી પૂરતા નાણા પણ વાપરવા જોઇએ. કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જોઇ લે ગુજરાતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને બક્ષીપંચના લોકો આ વાત ખુબ સારી રીતે જાણે છે.  (ખામ) થીયરીને નામે સત્તા મેળવી આ જ વર્ગોને અન્યાય કરવાવાળી કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જોઇ લે. વિપક્ષ તરીકે સારા સુચનો કરી લોકોનું ભલું થાય તે દિશામાં હાલની રાજનીતિ કોંગ્રેસના આગેવાનોએ કરવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.