Abtak Media Google News

દિલ્હીની માફક ગુજરાત સરકાર પણ વ્યવસાય વેરો નાબૂદ કરે:શિવલાલ બારસિયાની માંગણી

ભાજપ સરકારે ગુજરાતના લોકો પર વધુ એક ટેક્સ વધારાનો બોજો નાખ્યો છે.500 અને  1250 રૂપિયાના વ્યવસાય વેરાની જગ્યાએ રાજ્યવાસીઓએ  2500  વેરો ભરવો પડે છે તેમ આપના શિવલાલભાઈ બારસિયાએ જણાવ્યું હતું.દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરી છે.વધેલા વ્યવસાય વેરા ના કારણે વેપારીઓમાં  રોષ જોવા મળી રહ્યો.

આમ આદમી પાર્ટીના  વેપારી વિંગના પ્રદેશ પ્રમુખ શિવલાલભાઈ બારસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, આખો દેશ મોંઘવારીનો માર  સહન કરી રહ્યો છે અને  આ મોંઘવારીમાં જનતાને રાહત આપવાની જગ્યાએ ભ્રષ્ટ ભાજપ  જનતા પર  વારંવાર ટેક્સનો બોજો નાખી રહી છે.  રાજ્ય સરકારે ફરી એકવાર વ્યવસાય વેરા માં ધરખમ વધારો કરીને  પોતાની  જન વિરોધી માનસિકતા  દેખાડી દીધી છે.

રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરા પાત્ર વેપારીઓ માટે એપ્રિલ 2022થી  વેરા દરના સ્લેબમાં ફેરફાર કરાયા છે. અત્યાર સુધી નગરપાલિકા અઢી લાખથી વધુ ટર્નઓવર અને 6થી 9 હજાર ના પગાર ધરાવતી  વેપારી પેઢી પાસેથી  વાર્ષિક 500 રૂપિયા વ્યવસાયવેરો,  જ્યાં પાંચથી દસ લાખ ટર્નઓવર અને  9 થી 12 હજાર ના પગારદાર કર્મચારી ધરાવતી વેપારી પેઢી પાસેથી 1250 વેરો વસૂલતી હતી. હવે આ બંને સ્લેબના  બદલે  ગત એપ્રિલ થી રૂપિયા 2500નો વ્યવસાય વેરો અમલમાં મુકાયો છે. આથી દર મુજબ  વેપારીઓને નોટિસ મોકલવામાં આવતા  અને ગત વર્ષ કરતા પાંચ ગણો વધારો જોઈ વેપારીઓ ચોંકી ગયા છે.

નગરપાલિકાઓની વ્યવસાય વેરા શાખા માં ગુજરાત સરકારના નોટિફિકેશનથી રૂપિયા 500 અને 1250ના વ્યવસાય વેરા સ્લેબ નાબૂદ કરી તમામ કરધારકોને 2500 રૂપિયા કરાયાની નોંધ લગાવી દેવાઈ છે. મતલબ હવેથી કરપાત્ર વ્યવસાયકારો એ નગરપાલિકામાં 30 સપ્ટેમ્બર સુધી વ્યવસાય વેરો ભરવાનો રહેશે ત્યાર પછી તેમના પર વ્યાજ ચઢતું જશે.  જેને લઇને નગરપાલિકાઓ દ્વારા જુલાઈ માસમાં  તમામ કરપાત્ર વેપારીઓને વ્યવસાય વેરો ભરવા અંગે નોટિસ મોકલાવી છે.

બાર હજારથી વધુ પગાર  આપતી પેઢી પાસેથી વ્યક્તિગત રૂપે 200 રૂપિયા નો વેરો કરાયો છે.જ્યારે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી  રાજકોટમાં વેપારીઓ સાથે ચર્ચા કરવા આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં કોઇ વ્યવસાય વેરો નથી લેવાતો.  તો ગુજરાતમાં પણ   વેપારીઓ  એવી જ માંગ  કરી રહ્યા છે કે  દિલ્હીની જેમ ગુજરાતમાં પણ વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે.  પણ એનાથી ઊંધું કામ  ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર કરી રહી છે. આમ આદમી પાર્ટીની એ જ માંગ છે કે વધેલા વ્યવસાય વેરાને સરકાર પાછો ખેંચે અને  વેપારી અને  પગારદાર કર્મચારીઓને રાહત આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.