Abtak Media Google News

આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્ર્નિલ રાજગુરુએ ે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ આજે આગામી વિધાનસભાની ચૂંટણીના પોતાના 10 ઉમેદવારોની જાહેરાત કરીને પહેલ કરી છે. ભાજપ અને કોંગ્રેસ હજુ એક બીજાની રાહ જુએ છે ત્યારે આમ આદમી પાર્ટીએ આજે વિધાનસભામાં શોભે અને પ્રજાના પ્રશ્નો ઉઠાવી શકે તેવા વ્યક્તિને ટિકિટ આપી પ્રજાને સારો સંદેશો આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ જે ઉમેદવારોને ટિકિટ આપી છે તે જ્ઞાતિ-જાતિના વાડાથી દૂર છે અને ખરા અર્થમાં વિકાસ કરી શકે તેવા ઉમેદવારો છે. તેમણે  આગામી ચુંટણીમાં આપનો ઝળહળતો વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

જ્ઞાતિ, જાતિના વાડા દૂર કરીને નિષ્ઠાવાન અને પ્રજાના પ્રશ્નો ઉઠાવી શકે એવા જ ઉમેદવારોની પસંદગી થઈ છે: દિલ્હી અને પંજાબ પછી હવે ગુજરાતમાં પણ આપની સરકાર રચાશે તેવો વિશ્વાસ છે

આમ આદમી પાર્ટીએ આજે જે 10 ઉમેદવારોના નામ  જાહેર કર્યા છે તે તમામ ઉમેદવારો પોતપોતાના વિસ્તારના સામાજિક અગ્રણીઓ છે અને અત્યાર સુધી નિસ્વાર્થભાવે પ્રજાના પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. વિધાનસભા ગૃહ એ લોકશાહીનું એક મંદિર છે અને આ મંદિરમાં શોભે એવા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે. તેમ જણાવતા ઇન્દ્ર્નિલ રાજગુરુએ કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ જ્ઞાતિવાદ, પૈસાપાત્ર અને મસલ પાવરવાળાને ટિકિટ આપી રહ્યા છે એ પ્રજા પણ જાણે છે. પરંતુ આમ આદમી પાર્ટીએ સાચા અર્થમાં નિષ્ઠાવાન લોકોને ટિકિટ આપીને એક શ્રેષ્ઠ ઉદાહરણ બેસાડયું છે.

તેમણે એમ પણ કહ્યું કે, જેમને ટિકિટ આપી છે તેમાથી કોઈ વેપારી છે, કોઈ દલિત આગેવાન છે તો કોઈ હોસ્પિટલનું સંચાલન કરે છે. બાકીના પણ કોઈને કોઈ સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આજે આવા જ પ્રતિનિધિઓની પ્રજાને જરૂર છે. તેમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે, ભાજપ અને કોંગેસ કેવા ઉમેદવારો મૂકે છે અથવા મૂકી શકે છે તે પ્રજા બરાબર જાણે છે. પોરબંદર કે ગોંડલમાં મસલ પાવરનો ઉપયોગ કરવામાં આવે છે તો બીજી બેઠકો ઉપર જ્ઞાતિ જોવામાં આવે છે. આ બંને પક્ષે તો લોકોમાં ભાગલા પાડવાનું કામ જ કર્યું છે અને પ્રજા બંનેને ઓળખી ગઈ છે.

ઇન્દ્ર્નિલ રાજગુરુએ કહ્યું  હતું કે, પહેલા દિલ્હીમાં આમ આદમીએ પાર્ટીએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં જે સ્વચ્છ વહીવટ આપ્યો તેનાથી પ્રભાવિત થઈને પંજાબની પ્રજાએ પણ આપની સરકાર ચૂંટી છે. હવે ગુજરાતનો વારો છે અને અમને આશા છે કે, આ વખતે ગુજરાતમાં આમ આદમીની પાર્ટીની સરકાર રચાશે. ભાજપ અને કોંગ્રેસે ગુજરાતની રાજકારણ કલુષિત કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટી સરકાર બનાવીને માહોલને ચોખ્ખો કરશે અને લોકો અનુભવી શકે તેવો વિકાસ કરશે.

તમે ચૂંટણી લડશો કે કેમ તેવું પૂછતા ઇન્દ્ર્નિલ રાજગુરુએ કહ્યું હતું કે, ચૂંટણી લડવાની મારી વ્યક્તિગત ઈચ્છા નથી પણ પાર્ટીમાં વ્યક્તિગત ગમા-અણગમા જોવાતા નથી અને જો પાર્ટી આદેશ આપશે તો લડીશ. તેમણે આજે જેમના નામ જાહેર થયા છે તેમણે અભિનંદન પણ આપ્યા છે અને જીત માટે શુભેચ્છા પણ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.