Abtak Media Google News
ઉમેદવારોની પસંદગીમાં ઉંમર અને અભ્યાસને ઘ્યાનમાં લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના

અબતક, રાજકોટ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રાજયની 182 બેઠકો પર ભાજપના પ્રતિક એવા કમળ પરથી ચૂંટણી લડવા માટે ચાર હજારથી પણ વધુ દાવેદારોને દાવેદારી કરી છે. દરમિયાન આગામી ર થી 4 નવેમ્બર દરમિયાન જિલ્લા અને મહાનગરોમાં નિરિક્ષકો પાસેથી પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ લેવામાં આવશે.

ત્યારબાદ ઉમેદવારોના નામોની પેનલ બનાવવા માટે આગામી 6 અને 7 નવેમ્બરના રોજ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામો નકકી કરવા ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ બેઠક વાઇઝ ત્રણ-ત્રણ નામોની પેનલ કેન્દ્રીય ચૂઁટણી સમિતિ સમક્ષ રજુ કરી દેવામાં આવશે. ઉમેદવારોના નામ દિલ્હીથી જાહેર કરાશે. આગામી 6 થી 7 નવેમ્બરના રોજ મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્વ તમામ જિલ્લા અને મહાનગરમાં સંકલન સમિતિની બેઠક મળશે જેમાં નીરીક્ષકો સમક્ષ આવેલા નામોને અગ્રતાક્રમ આપવામાં આવશે અને તમામ નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજુ કરી દેવામાં આવશે.

ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ  સી. આર. પાટીલ જણાવ્યું હતું કે,  ભારતીય જનતા પાર્ટીની અલગ અલગ વિધાનસભાની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ છે.વર્ષ 2017ની ચૂંટણી કરતાં 1100 જેટલા વધુ કાર્યકર્તાઓએ ટિકીટની માંગણી કરવામાં આવી છે અને એટલા માટે જ અમને વિશ્વાસ છે કે, ગુજરાત વિધાસનભાની ચૂંટણીમાં ભાજપાની પ્રચંડ જીત થશે. ભારતીય જનતા પક્ષમાં એક પ્રથા રહી છે કે, ઉમેદવારોને ટીકીટ ન મળે તો પણ પક્ષ દ્વારા જે ઉમેદવારને ટીકીટ ફાળવવામાં આવે તેને જીતાડવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડી દે છે. ભારતીય જનતા પક્ષમાં પેજ સમિતિની જે સિસ્ટમ ઉભી કરવામાં આવી છે તેમાં 80 લાખથી વધુ સભ્યોની નોંધણી કરવામાં આવી છે.

ચૂંટણીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે અને હવે આગામી તા. 02, 03 અને 04 નવેમ્બર 2022ના રોજ નિરીક્ષકો પાસે આવેલ રજૂઆતો અન્વયે અભિપ્રાય લઇ તા. 06 અને 07 નવેમ્બરના રોજ પ્રદેશ ભાજપાની ચૂંટણી સમિતિમાં ચર્ચા કરી રીપોર્ટ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે.કોઇ ઉમેદવારનો અભ્યાસ કે તેની ઉંમર અને પ્રદેશ ભાજપા તરફ તેઓનું વલણ જોઇ ઉમેદવારોને પસંદગી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.