Abtak Media Google News

શતમ્ જીવમ્ શરદ:

આગામી લોકસભા ચુંટણીમાં વર્ષ ૨૦૧૪ની ચુંટણીની જેમ સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ભારતીય જનતા પક્ષે ટી-૨૦ની ફોર્મ્યુલા પર કામ કરવાનું નકકી કર્યું છે. મોદી સરકારની યોજનાઓની ઉપલબ્ધી ઘેર-ઘેર પહોંચાડવા માટે ‘હર બુથ, દસ યુથ’ એટલે કે દરેક બુથમાં ૧૦ યુવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. ભાજપ સાથે જોડાયેલ દરેક કાર્યકર પોતાના વિસ્તારના ઓછામાં ઓછા ૨૦ મકાનોની મુલાકાત લઈ ચાય પે ચર્ચા કરી સરકારની ઉપલબ્ધીઓ સમજાવશે.

ભારતીય જનતા પક્ષ સ્થાનિક સ્તરે કોંગ્રેસ સહિતના વિપક્ષો કરતા વધુ બહોળુ અને પરીણામલક્ષી નેટવર્ક ઉભું કરશે. ગત ચુંટણીમાં ભાજપે મતદારો સાથે જોડાવવા માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કર્યો હતો. મોદી થ્રી-ડી પ્રોજેકશનના મારફતે દરેક ખૂણે છવાઈ ગયા હતા. મોદીનું ચાય પે ચર્ચા અભિયાન લોકોની જીભે ચડી ગયું હતું. હવે આગામી ચુંટણીમાં ભાજપનો પ્રચાર-પ્રસાર વધુ આક્રમક રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર તથા ભાજપ શાસિત રાજયોની સરકારોની કલ્યાણકારી યોજનાઓ તથા તેની ઉપલબ્ધીઓ માટે દરેક બુથમાં કાર્યકરોની ટીમ બનાવાશે. દરેક બુથ પર વધુ ૨૦ યુવાનોને ઉમરાશે.

ઘર-ઘર દસ્તક અભિયાન ચલાવી ડોર ટુ ડોર પ્રચાર કરાવવામાં આવશે. માત્ર શહેરો જ નહીં ગામડાઓમાં પણ ભારતીય જનતા પક્ષનો પ્રચાર-પ્રસાર ટી-૨૦ની તર્જ ઉપર રહેશે.

ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો લોકસભાની ચુંટણીઓની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપે ચુંટણી જીતવા માટે ટી-૨૦ની ફોર્મ્યુલા તૈયાર કરી છે. પક્ષના દરેક કાર્યકરને જીત માટે તૈયાર કરવામાં આવશે. કોંગ્રેસ દરેક બુથ પર ૧૦ બુથ આસીસ્ટન્ટની નિમણુક કરવાની તૈયારીમાં છે ત્યારે ભાજપ તેનાથી બે ગણા એટલે કે ૨૦ કાર્યકરોને તૈયાર કરશે.

નીતિશનો ભાજપમાં વિશ્વાસ

૨૦૧૯ લોકસભા ચુંટણીમાં ભારતીય જનતા પક્ષને સાથ દેવાની તૈયારી નિતીશકુમારે દર્શાવી છે. ભાજપ સાથે લોકસભાની બેઠક ફાળવણી મુદ્દે સમાધાન થઈ ચુકયું હોવાનું નિતીશકુમારે કહ્યું છે. આ સમાધાન કરવા ભાજપ પ્રમુખ અમિત શાહ અને જેડીયુના અગ્રણીઓ વચ્ચે અત્યાર સુધીમાં બે વખત મહત્વની ચર્ચા થઈ ચુકી છે.

અંતે બંને પક્ષો લોકસભાની બેઠકમાં કોના ઉમેદવાર કયાં રહેશે ? તે મુદ્દે એકબીજાનો વિશ્વાસ સાધી ચુકયા છે બીજી તરફ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની જીત પાછળ હુકમનો એકકો ગણાતા પ્રશાંત કિશોર જેડીયુમાં જોડાઈ ચુકયા છે. પરીણામે બિહારમાં નિતીશકુમાર અને ભાજપ વચ્ચેનો કરાર સારા પરીણામો લાવશે તેવું નિષ્ણાંતોનું માનવું છું.

લોકસભા ચૂંટણી પહેલા કાર્યકર્તાઓના સીધા સંપર્કમાં રહેશે મોદી

૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભારતીય જનતા પક્ષનું સૌથી શકિતશાળી હથિયાર કાર્યકરો જ રહેશે માટે વડાપ્રધાન મોદી ચુંટણીની તૈયારીના ભાગરૂપે પક્ષના કાર્યકરો સાથે સીધો સંવાદ સાધશે. ૫૪૩ મત વિસ્તારોમાં કાર્યકરોને સીધો સંવાદ માટે તૈયાર કરવામાં આવશે.વર્ષ ૨૦૧૪માં વિજય મેળવ્યા બાદ અત્યાર સુધીમાં મોદી પક્ષના વિવિધ કાર્યકરો થકી ૩૦૦ મતક્ષેત્રની મુલાકાત દરમિયાન કાર્યકરો સાથે સીધો સંવાદ કરી ચુકયા છે. આ અભિયાન ૨૦૧૯ની ચુંટણી ચાલુ રહેશે.

યુપીમાં વિપક્ષો માટે એક સાંધેને તેર તૂટે જેવો ઘાટ: માયાવતીએ એકલા લડવાની ચીમકી આપી

લોકસભા ચુંટણીમાં બસપાની સુપ્રીમો માયાવતીએ એકલા લડવાની ચિમકી આપતા વિપક્ષો માટે એક સાંધેને તેર તુટે જેવી સ્થિતિ ઉભી થઈ છે જો સન્માનજનક બેઠકો ઉપર ઉમેદવારીની ફોર્મ્યુલા કારગત નહીં નિવડે તો એકલા લડવાની તૈયારી માયાવતીએ દર્શાવી છે. ભીમ આર્મીના વડા ચંદ્રશેખર રાવની બુઆવાળી ટીપ્પણીના સંદર્ભમાં તેમણે કહ્યું છે કે, હું કોઈની સાથે ફોઈ-ભત્રીજાનો સંબંધ રાખવા તૈયાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.