Abtak Media Google News

મહાપાલિકાના હોદેદારોની પસંદગીમાં ભાજપે આપ્યો સમરસતાનો સંદેશ

પ્રથમ અઢી વર્ષ માટે નાની જ્ઞાતિમાંથી પદાધિકારીઓની પસંદગી કરાઇ: સપ્તાહ પહેલા લેવાયેલા નિર્ણયને મોવડીઓએ સમર્થન કરતા પદાધિકારીની પસંદગી થઇ આસાન

મહાપાલિકાના પદાધિકારીઓની પસંદગી આસાન કરવા શહેરમાં વસવાટ કરતા ત્રણ મુખ્ય જ્ઞાતિ રાજપૂત, આહીર અને પટેલ સમાજને પ્રથમ અઢીવર્ષ માટે બ્રેક આપી ભાજપને સમર્થન કરતી અન્ય જ્ઞાતિઓને તક આપવા નિર્ણય કરાયો હતો આ નિર્ણયને સાંસદ મંત્રીઓએ આવ કર્યો હતો.

ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ માટે પાંચ કોર્પોરેટરોની પસંદગીનો નિર્ણય આસાન બને અને ખાસ કરીને નાની જ્ઞાતિઓને ન્યાય મળે તેવા હેતુથી ભાજપએ મુખ્ય ત્રણ જ્ઞાતિઓના કોર્પોરેટરોને પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે તક ન આપવાનો પક્ષના મુખ્ય નેતાઓએ બંધ બારણે એક સપ્તાહ પહેલા જ નિર્ણય લેવાયો હતો.

મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષ વધુ એક વખત સત્તામાં આવ્યો છે. 1995થી સત્તા ભોગવતા ભાજપ સામે કોંગ્રેસ તેના તરફી જનાધાર ઉભો કરવામાં વધુ એક વખત નિષ્ફળ ગઇ છે. આ ચુંટણીમાં ભાજપના 50 સામે કોંગ્રેસના માત્ર 11 જ કોર્પોરેટરો ચુંટાયા હતા. જયારે 3 સભ્યો બહુજન સમાજ પાર્ટીના ચુંટાયા છે. 2015થી ચુંટણીમાં ભાજપના 38 અને કોગ્રેસના 24 સભ્યો ચુંટાયા હતા. પરંતુ આ વખતે ભાજપની સભ્ય સંખ્યામાં 25 ટકાથી વધુનો વધારો થયો હતો જયારે વિપક્ષ કોંગ્રેસની સભ્ય સંખ્યામાં 60 ટકા જેટલો ઘટાડો થયો હતો.

50 કોર્પોરેટરો ચુંટાઇ આવ્યા બાદ ભાજપની નેતાગીરી માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અને અન્ય 11 સભ્યો, શાસકપક્ષના નેતા અને દંડકની પસંદગીનો પડકાર હતો. કેમ કે આટલી મોટી સંખ્યામાં કદી કોઇ પક્ષના કોર્પોરેટરો જીત્યા નથી. આ પસંદગી માટેનો રસ્તો આસાન બને અને મુખ્ય નેતાઓ વચ્ચે જ્ઞાતિની લાગણી ખેંચતાણનો અફલાતુન રસ્તો ભાજપએ શોધી કાઢયો હતો. જે ભાજપના મોટાભાગના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકોમાં આવકારને પાત્ર પણ બન્યો હતો.

સાંસદ પૂનમબેન માડમ આહીર જ્ઞાતિમાંથી આવે છે તો શહેરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ પાટીદાર છે જયારે ધારાસભ્ય અને રાજયમંત્રી રાજપુત સમાજમાંથી આવે છે. ભાજપમાંથી આહીર સમાજના ત્રણ, પાટીદાર સમાજના આઠ અને રાજપુત સમાજના પણ આઠ કોર્પોરેટર ચુંટાયા છે.

આથી આ ત્રણેય નેતાઓ માટે પણ કયા કોર્પોરેટરની ભલામણ કરવી તે પ્રશ્ર્ન ઉભો થાત વળી વર્ષોથી એટલે કે જનસંઘના વખતથી શહેરમાં જે જ્ઞાતિઓનું સમર્થન સતત વિવિધ ચુંટણીઓમાં મવતું રહ્યું છે તે જૈન, ખવાસ, ભોઇ, સતવારા, ભાનુશાળી, સિંધી જ્ઞાતિને પણ રોટેશનમાં પ્રતિનિધિત્વ મળે તે જરૂરી છે.

કેમ કે જૈન, બ્રાહ્મસમાજને ફાળે અગાઉ ધારાસભ્યની ટિકીટ આવતી હતી જે કપાઇ ગઇ છે. આથી હવે કોર્પોરેશન સિવાય પણ આ જ્ઞાતિનો સમાવેશ મુશ્કેલ બન્યો છે. આથી શહેરમાં મોટાભાગે વસતી ઉપરોકત જ્ઞાતિઓમાં બેલેન્સ કરી પદાધિકારીઓની વરણી થાય તેવો વિચાર જવાબદાર નેતાને આવ્યો હતો. એકદંરે એક સપ્તાહ પહેલા જ એવો નિર્ણય લેવામાં આવ્યો કે આહીર, પાટીદાર (પટેલ)અને રાજપુત સમાજને પ્રથમ અઢી વર્ષની ટર્મમાં મુખ્ય પાંચ હોદા માટે તક આપવાને બદલે શહેરની તક આપવાને બદલે શહેરની ઉપરોકત મુખ્ય જ્ઞાતિઓના કોર્પોપેરટરોમાંથી પસંદગી કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ નિર્ણયને લીધે પદાધિકારીઓની પસંદગીનું કોકડું પણ ઉકેલાયું અને સમરસતાનો એક સારો મેસેજ પણ કાર્યકર્તાઓ અને શહેરની પ્રજામાં ભાજપએ આપ્યો છે. આ નિર્ણયને શહેરના ધારાસભ્ય તરીકે આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજા, સાંસદ પૂનમબેન માડમે ત્વરિત સમર્થન આપી દેતા આ નિર્ણયની અમલવારી કરવામાં શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિમલભાઇ કગથરા અને તેમની ટીમ સફળ રહી હતી. જો કે પદાધિકારીઓની પસંદગી સંદર્ભેના આ નિર્ણય અંગે પ્રદેશ ભાજપનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

અત્રેએ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની ચુંટણી લગત તા.13 ફેબ્રુ.ના રોજ ધનવંતરી મેદાનમાં યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ પાટીલે તેમના પ્રવચનમાં બોલ્યા હતા કે મંત્રી હકુભા જાડેજાએ એરપોર્ટ ઉપર જ મારૂ સ્વાગત કર્યુ ત્યારે કહેલ કે 50 કે તેથી વધુ બેઠકો ભાજપ જીતશે. વળી રાજયમંત્રી હકુભા જાડેજા અને શહેર પ્રમુખ ડો.વિમલ કગથરાએ સભામાં પણ આવી ખાત્રી આપી હતી જે મતદારોએ સાચી પાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.