Abtak Media Google News

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ નક્કી કરી શકતું નથી !

સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ઝોનના બુથ મેનેજમેન્ટ સેલના સંયોજકના નામ જાહેર કર્યા

અબતક-રાજકોટ

ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. રાજ્યમાં છેલ્લા અઢી દાયકાથી રાજ્યમાં સત્તાથી વંચિત કોંગ્રેસ ગુજરાતમાં નવા સુકાનીની વરણી કરવા માટે તારીખ પે તારીખ આપી રહી છે. તો બીજી તરફ સત્તાધારી પાર્ટી ભાજપે એક-એક મત અંકે કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે પ્રદેશ બૂધ મેનેજમેન્ટ સેલની રચના કરી દીધી છે. જેમાં પ્રદેશ સંયોજક ઉપરાંત ચારેય ઝોનના સંયોજકોના નામ જાહેર કર્યા છે. આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકાકક્ષાએ પણ બૂથ મેનેજમેન્ટ સેલના હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવશે.

પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક બાદ ભાજપ દ્વારા કેટલાંક ફેરફારો કરવામાં આવ્યા છે અને અનેક નવા સેલ ઉભા કરવામાં આવ્યા છે. પેજ કમિટીની રચના કરવામાં આવી છે. હવે એક-એક મત અંકે કરવા માટે ભાજપે વ્યૂહરચના આરંભી દીધી છે. જેમાં પ્રદેશ સંયોજક ઉપરાંત દક્ષિણ ઝોન, મધ્યઝોન, ઉત્તરઝોન અને દક્ષિણ ઝોનના સંયોજકો પણ નિમવામાં આવ્યા છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ ભાજપ બૂથ મેનેજમેન્ટ સેલની રચના કરવામાં આવી છે. જેમાં બૂથ મેનેજમેન્ટ સેલના પ્રદેશ સંયોજક તરીકે મુકેશભાઈ ધનજીભાઈ ગુજરાતીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાત ઝોનના સંયોજક તરીકે રાકેશભાઈ તુલશીભાઈ જસાણી, મધ્યઝોનના સંયોજક તરીકે અવનીબેન અશોકભાઈ દવે, ઉત્તર ઝોનના સંયોજક તરીકે જીનલ વિષ્ણુભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર ઝોનના સંયોજક તરીકે હાર્દિકભાઈ સવજીભાઈ સાગઠીયાની વરણી કરવામાં આવી છે.  બુથ મેનેજમેન્ટ સેલને વધુ મજબૂત બનાવવા માટે આગામી દિવસોમાં જિલ્લા, મહાનગરો અને તાલુકાકક્ષાએ પણ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.