Abtak Media Google News

જુવાનસિંહ ચૌહાણની ઘર વાપસી

સુપ્રસિદ્ધ અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી છોડીને આજે તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. છેલ્લી બે ટર્મથી સતત અમુલમાં ડાયરેક્ટર તરીકે ચુંટાઈને આવતા શ્રી જુવાનસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે  પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને જોડાયા હતા.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના શાસનમાં રાજ્ય અને દેશને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડે તેવી સહકારી સંસ્થા ‘અમુલ’ની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે જગવિખ્યાત તો છે જ સાથોસાથ મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારી તેમજ સહકારી માળખાનું ઉપયોગ દર્શાવતુ ઉત્તમ મોડલ છે. ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યારશાહી, અહંકારી વલણ અને સહકારીક્ષેત્ર વિરોધી વહિવટને કારણે ગુજરાતીઓ આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.

રાજકીય દખલગીરીને કારણે ગુજરાતમાં સહકાર ક્ષેત્રનું માળખું દિવસે દિવસે તુટી રહ્યું છે. રાજ્યમાં અવારનવાર બ્રીજ તુટે, પેપર ફુટે, ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલે, ખેડૂતોની કોઈ સુનવાઈ નહી, યુવાનોને રોજગારી નહી, ફિક્સ પગાર, આઉટ સોર્સીંગ અને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી યુવાનોનું શોષણ, ગ્રામ્ય રસ્તાઓની બિસ્માર હાલત, શહેરોમાં ભ્રષ્ટાચારના કારણે પાણીના નિકાલ અને રોડ પર પડતા ખાડાઓની સમસ્યાઓ વિગેરે મુશ્કેલીઓ છે ત્યારે ગુજરાતીઓની અસ્મિતા માટે સેવાનો યજ્ઞ કોંગ્રેસ પક્ષે શરૂ કરેલ છે અને તેમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે.

આ પ્રસંગે જુવાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમુલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ થઈ રહ્યો છે અને પરિણામે સભાસદોના હિતને પણ નુકસાન થઈ રહ્યું છે. વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ખૂબ જ પ્રતિષ્ઠિત સહકારી સંસ્થામાં રાજકીય હસ્તક્ષેપ ન થાય તે માટે વિનંતી કરી હતી પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી ત્યારે જનહિતમાં અને અમુલ ડેરીના સભાસદોના હિતમાં મને યોગ્ય લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છોડવી જોઈએ અને ગુજરાતમાં એક લોકસેવાની નવી પહેલ સાથે કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં સામેલ થવાનો મેં મારા ટેકેદારો સાથે નિર્ણય કર્યો છે. અમુલ ડેરીના ડીરેક્ટર તરીકે સભાસદોના હિત માટે હું સતત લડતો રહીશ એમ પણ જુવાનસિંહે જણાવ્યું હતું.

અમુલ ડેરીના ડીરેક્ટર જુવાનસિંહ કોંગ્રેસ પક્ષમાં જોડાયા ત્યારે કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનો તથા કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, પૂર્વ ધારાસભ્ય  નટવરસિંહ ડાભી અને  કાળુસિંહ ડાભી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી, પ્રદેશ પ્રવક્તા હિરેનભાઈ બેંકર, ખેડા જીલ્લા કોંગ્રેસના પ્રભારી ભીખાભાઈ રબારી, ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી, ખેડા જીલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુધાબેન ચૌહાણ, ખેડા જીલ્લા પંચાયતના સભ્ય દિલીપભાઈ સોઢાપરમાર, કોંગ્રેસના આગેવાન બળદેવભાઈ લુણી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.