Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં સિઝનનો 76.25 વરસાદ

રાજ્યમાં છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. નેઋત્યના ચોમાસાના સત્તાવાર આગમનને હજુ એક મહિનો પણ નથી વિત્યો ત્યાં રાજ્યમાં મોસમનો 55.30 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. 17 તાલુકાઓ એવા છે કે જ્યાં આજ સુધીમાં સિઝનનો 40 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. માત્ર એક જ તાલુકો એવો છે કે જ્યાં પાંચ ઇંચ કે તેથી ઓછો વરસાદ વરસ્યો હોય અધિક માસમાં પણ મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે.

Advertisement

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 176 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. દરમિયાન સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. 17 તાલુકાઓ એવા છે કે ચોમાસાના આગમનના પ્રથમ એક મહિનામાં જ 40 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તાલુકોનો સમાવેશ થાય છે. જો કે, જામ કંડોરણામાં પણ 40 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે. આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના મેંદરડા અને વિસાવદર, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, તાલાલા અને વેરાવળ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના બારડોલી, નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ, વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી, ઉંમરગામ, વલસાડ અને વાપીમાં 40 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે.

રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો સરેરાશ 55.30 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ રિજીયનમાં 112.37 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.82 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 43.53 ટકા, સૌરાષ્ટ્રમાં 76.25 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 44.61 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.

જ્યારે ત્રીજા ક્રમે રાજકોટ જિલ્લો છે કે જ્યાં અત્યાર સુધીમાં 84.11 ટકા વરસાદ વરસી ગયો છે. સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 52.05 ટકા જ પડ્યો છે. એક સાથે પાંચ સિસ્ટમો સક્રિય થવાના કારણે હજુ ચાર દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.