Abtak Media Google News

ગત વર્ષે લેવાયેલા ફૂડ સેમ્પલોમાંથી ત્રીજા ભાગના સેમ્પલો ગુણવત્તાની કસોટીમાં ફેઇલ થયા!

આપણા દેશ ભારતમાં ગરીબ અને મધ્યમ વર્ગનાં નાગરિકોની સંખ્યા વધારે હોય સસ્તી ચીજ વસ્તુઓની માંગ જોવા મળે છે. જેથી સસ્તી ચીજ વસ્તુઓનાં નામે લોકો સાથે છેતરપીંડી કરીને અનેક વેપારીઓ નબળી ગુણવત્તાની ચીજ વસ્તુ ધાબડી દેતા હોય છે. આવી નબળી ગુણવત્તાની ચીજ વસ્તુઓમાં સૌથી વધુ છેતરપીંડી ખાધ સામગ્રીમાં થાય છે. દેશના કરોડો લોકો બજારમા વેંચાતી નબળી ગુણવત્તાની ખાધ સામગ્રી ખાવા માટે મજબૂર હોય છે. ભ્રષ્ટ વેપારીઓ તેનો લાભ ઉઠાવી રહ્યા છે. ગત વર્ષે દેશભરમાં લેવાયેલા ફૂડ સેમ્પલોમાંથી ત્રીજા ભાગના સેમ્પલો ગુણવત્તાની કસોટી પર નિષ્ફળ નિવડયા હતા. તેજ દર્શાવે છે કે દેશમાં હલકી ગુણવત્તાના ખાધપદાર્થોની બોલબાલા છે.

સરકારી આંકડાઓ અનુસાર ગત વર્ષે દેશભરમાં લેવામા આવતા ફૂડ સેમ્પલોમાંથી એક તૃતીયાંશ નમુનાઓ ભેળસેળ યુકત અથવા નબળી ગુણવત્તાવાળા પૂરવાર થયા હતા. આ નબળી ગુણવત્તાવાળા ફૂડ સેમ્પલોમાં ઉત્તર પ્રદેશ અને તમિલનાડુના મોટાભાગના સેમ્પલો ગુણવતા કસોટીમાં નિષ્ફળ નીવડયા હતા. ગત બે વર્ષ દરમ્યાન નિષ્ફળ નીવડેલા ફૂડ સેમ્પલોની સંખ્યા ૨૫ ટકા જેટલી રહેવા પામી હતી આ અંગેની વિગતો કેન્દ્રીય ખાધ અને ગ્રાહકોની બાબતોનાં મંત્રી રામવિલાસ પાસવાને ગઈકાલે લોકસભામાં એક પ્રશ્ર્નના લેખીત જવાબમાં જણાવી હતી. પાસવાને જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૮-૧૯ એમ બે નાણાંકીય વર્ષ દરમ્યાન આ પ્રકારના ગુન્હાઓ બદલ આશરે ૮૧૦૦ વેપારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ ગુનેહગાર વેપારીઓ પાસેથી વિવિધ રાજય સરકારોએ ૪૩.૬૫ કરોડ રૂા.નો દંડ વસુલ્યો હોવાનું પાસવાને જણાવીને ઉમેર્યું હતુ કે ભારતમાં ખાધ સામગ્રી સલામતી નિયમનકાર સંસ્થા એફએસએસએઆઈ દ્વારા નકકી કરવામાં આવેલા પરિણામો પર ફૂડ સેમ્પલોના પરિક્ષણો કરવામાં આવે છે.

ગત વર્ષ ૨૦૧૮-૧૯માં લેવાયેલા ૬૫૦૦૦ જેટલા ફૂડસેમ્પલો માંથી ૨૦,૦૦૦થી વધુ સેમ્પલો પરિક્ષણમાં નિષ્ફળ નીવડયા હતો જયારે વષૅ ૨૦૧૭-૧૮ દરમ્યાન લેવાયેલા ૯૯,૦૦૦ જેટલા ફૂડ સેમ્પલોમાંથી ૨૪,૦૦૦ કરતા વધુ સેમ્પલો પરિક્ષણમાં નિષ્ફળ નીવડયા હતા વર્ષ ૨૦૧૬-૧૭માં લેવાયેલા ૭૮,૦૦૦ ફૂડ સેમ્પલોમાંથી ૧૮,૦૦૦ જેટલા ફૂડ સેમ્પલો પરિક્ષણમાં નિષ્ફળ નીવડયા હતા.

ખાધ સામગ્રીમાં ભેળસેળ અટકાવવા માટે સરકારે ગ્રાહક સંરક્ષણ ખરડો પણ રજૂ કર્યો છે. જેમાં આ પ્રકારનાં ગુન્હાઓ માટે વેપારીઓને કડક દંડ અને કેદની સજાની જોગવાઈ કરવામાં આવી હોવાનું પાસવાને આ જવાબમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.