Abtak Media Google News

જીવનનું સત્ય સમજાવી જનાર આ બે લાઇનને  સમજવા,જીવવા અને સ્વિકારવામાં જ જીવન પુરું થઇ જાય છે.

જીવનનું સત્ય સમજાવી જનાર આ બે લાઇનને  સમજવા,જીવવા અને સ્વિકારવામાં જ જીવન પુરું થઇ જાય છે.

Advertisement

જન્મને પોતાના હાથમાં રાખીને ઈશ્વરે એમનાં હોવાની સાબિતિ આપી છે અને મૃત્યુ માટેના સમયની ઘડીને પોતાની આંગળીના ટેરવે રાખી છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને આપણે જીવન કહીએ છે અને તત્વચિંતકો પ્રત્યેક મનુષ્ય પોતાના ફેફસામાં શ્વાસ ભરે અને ઉચ્છશ્વાસ કાઢે એ ક્રિયાને જ જીવન કહે છે. વાસ્તવમાં જીવન એ પરિસ્થિતિ પ્રમાણે સતત બદલાતી એક સફરનું નામ છે.

જન્મ બાબતે સ્થળ,કૂળ,જાતિ,સમય કશું જ આપણાં હાથમાં નથી. લોકો કહે છે કે બાળક ભાગ્ય લઇને જ આવે છે એના કર્મ લખાઇ ચુક્યા હોયછે. આ વાતમાં કેટલું તથ્ય છે એ શંકા કે શ્રદ્ધાનો વિષય છે પરંતું મળેલા અવતારને સાર્થક કરવાના પ્રયાસો તો આપણે જ કરવા પડે એમાં કોઇ બે મત નથી. ઇશ્વર પ્રત્યેક મનુષ્યને જીવનમાં એક કરતા વધુ વખત તક આપે છે જો તમે વિદ્યાર્થી છો તો તમને કરિયર બનાવવા માટે ૧૭થી ૨૦ વર્ષનો સમય આપે છે. જો બિઝનેસ મેન કે નોકરીયાત છો તો તમને ૩૦થી ૩૫ વર્ષનો સમય આપે છે. આ સમયગાળામાં જ તમારી સફળતા, નિષ્ફળતાની વ્યખ્યા બંધાય છે. તેમજ તમારૂ માન, સન્માન, મોભો બધુ જ આ સમયગાળા પર આધારીત હોય છે. તેમ છતા આપણે કેટલાક લોકોને સતત જિંદગીથી ફરિયાદ કરતા જોઇએ છે .  એક એવો પણ સમય હતો કે જેમાં જીવનથી કોઇને આજના જેવી અને જેટલી ફરિયાદો ન હતી.  લોકો ખુશ હતા અને એ ખુશીઓનું આવરદા પણ ઘણું લાંબુ હોતું પરંતુ સમય જેમ જતો ગયો,ટેક્નોલોજી વિકસી,ભણતર વધ્યું(અને ગણતર ઘટ્યું) ,(કહેવાતી)સમજણ વધી…. એમ પ્રશ્નો વધ્યા,જીવનથી ફરિયાદો વધી,સંબંધોથી નારાજગી વધી.  સવાલ એ થાય કે, આપણી અપેક્ષા વધી? ભણતર વધતા અનુકુલન સાધવાની ક્ષમતા ઘટી? કે જાતને સાબિત કરી આપવાની જિદ્દ આપણા સુખથી મોટી થઇ?  સમય બદલાયો છે એક સમયનાં શોખ આજના સમયની જરૂરિયાત બની છે. ટેક્નોલોજી વિસ્તરતાં વિશ્વ નાનું થયુંછે. દુનિયા એક નાનકડાં ફોનમાં આવીને બેસી ગઇ અને એટલે  પરિવાર આ દુનિયામાં શોધવો મુશ્કેલ થયો.

એક સમય હતો કે પરિવાર તરફથી આર્થિકથી લઇને શારિરિક યાતનાઓ સ્ત્રી હસતે મોઢે સહી જતી અને આજે થોડી અમથી ગરમી પણ અકળાવે છે. આ ભણતરનો પ્રભાવ કે સમજણનો અભાવ? આ આપણી તાસીર છે કે સમજુ સમાજની વરવી તસ્વીર? એક સમયે કાળીમજુરી કરનાર પુરુષ થાક્યો પાક્યો ઘરમાં આવે અને બાળકોની કિલકારીથી ગુંજતું ઘર એનો તમામ થાક ભુલાવી દેતું અને એ બાપ હોંશે હોંશે એના બાળકનો ઘોડો થઇ જતો. આજના સમય માં બાળકની કિલકારી ’ઘોંઘાટ’ લાગે છે એ ઇચ્છાઓનો ઓવરડોઝ કે નિષ્ફળ મેનેજમેન્ટ?  ભરતડકે ચૂલો ફૂંકીને રોટલા ઘડતી સ્ત્રી કે ખેતમજૂરી કરતો પુરુષ જ્યારે રાત પડ્યે ખુલ્લા આકાશ નીચે ઢોલિયો ઢાળીને સુતા ત્યારે એ જાણે સમગ્ર  વિશ્વના અધિપતિ હોય એવા સુખી અને સંતુષ્ટ હોતા.

મનુષ્ય અવતાર વિશે ધર્મ, શાસ્ત્ર, અને લોકો દ્વારા અલગ અલગ વાતો અને માન્યતા છે પરંતુ એક વાત તો તદ્દન સાચી છે કે મનુષ્ય અવતાર એકજ વાર મળે છે યા કહો કે  આપણને એક સમયે એ એક જ અવતાર યાદ રહે છે. આવો કિંમતી અને ઈશ્વરના આશીર્વાદ સમો અવતાર સતત ફરિયાદોમાં કે રડી રડીને કાઢવાથી શું મળવાનું? જીવન એટલે માત્ર આપણી હયાતી નહિ, જીવન એટલે એ હયાતીમાં આપેલું કે મેળવેલું હાસ્ય. જીવન એટલે આપેલી કે મેળવેલી ખુશી. જીવન એ એવી પળોનો સમૂહ છે જેમાં આપણે ઉત્તમ સમય જીવ્યા હોઈએ, કોઈને જીવાડયા હોય, કોઈને મદદરૂપ થયા હોઈએ અને એ રીતે ઈશ્વરના વરદાનને સાર્થક કર્યુ કર્યું હોય. આપણે  જ્યારે દિવ્યાંગ વ્યક્તિને જોઈએ ત્યારે ક્યારેય આપણને એના કરતાં વિશેષ આપ્યું છે એનો આભાર માન્યો છે ખરો? આપણાથી નીચું જીવનધોરણ જીવીને પણ ખુશ રહેતા લોકોની ખુશીનું કારણ વિચાર્યું છે ખરું? અન્ય કરતાં ઉંચા જીવનધોરણ પછી પણ જિંદગીથી અનેક ફરિયાદો છે તો એનું મૂળ તપાસ્યું છે ખરું? વ્યસન,ફેશન,દેખાદેખી, આધુનિકતા, અનુકરણ અને ચહેરા પર મહોરું પહેરીને ફરવાની આદત. જિંદગીથી થાક, કંટાળો કે એના તરફ ફરિયાદ માટે મહદઅંશે આવા કારણો જવાબદાર છે.

અણગમતી સ્થિતિના સર્જન માટે જવાબદાર કોણ? માણસ પોતે? એની સાથે જોડાયેલા પાત્રો,પરિસ્થિતિ?ભાગ્ય?  ભણતર કે કુનેહનો અભાવ?  પ્રશ્નો છે તો ઉકેલ પણ છે. સમસ્યા છે તો સમાધાન પણ છે. જરૂરછે  ધીરજ રાખવાની. જીવનમાં ઉદ્દભવતા નાનાથી લઇને મોટા પ્રશ્નોનું જો શાંત ચિત્તે વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય કે પરિસ્થિતિ એટલી ગંભીર નથી જેટલી આપણે માનીએ છીએ. કુનેહનો અભાવ,  જિદ્દ અને નાદાની જેવા કારણો સુખી અને સ્વર્ગ સમાન જિંદગીને નર્ક બનાવવા માટે જવાબદાર હોય છે.

આપણાં જન્મતા સાથે માત્ર પરિવારમાં હરખના આંસુ હોય અને આપણાં મૃત્યુ સમયે આપણાં સંપર્કમાં આવેલા તમામની આંખમાં દુ:ખના આંસુ હોય ત્યારે જીવ્યું કહેવાય. આપણે કદી એકજ જોક પર વારંવાર હસીએ છીએ ખરા? જો  એકજ જોક પર વારંવાર  હસી ન શકાય તો એકજ દુ:ખ પર આજીવન કેમ રડી શકાય?

એકલી મિઠાશ કે એકલી ખારાશ મોંઢાનો સ્વાદ બગાડી નાખે છે એમ જ જિંદગી મિશ્રસ્વાદથી ભરપૂર વાનગી છે અને એ ખાવા સિવાય પાછો કોઇ ઓપ્શન નથી ત્યારે જિંદગીના સુખ-દુ:ખ ના પ્રત્યેક કોળિયાને ઈશ્વરનો પ્રસાદ માનીને ખાઇએ તો જીવનનું ભોજન તૃપ્તિ ના ઓડકાર સાથે પુરું થાય…

અંતે એવું એક સુંદર ગીત….

યે જીવન હૈ, ઇસ જીવનકા..યહી હૈ રંગરૂપ,

થોડે ગમ હૈ, થોડી ખુશિયાં..યહી હૈ છાંવ-ધૂપ.

મિરર ઇફેક્ટ :

આધુનિકતા, હોશિયારી, વ્યવહારુપણું  એ બધા જ ગુણોનો  પ્લાસ્ટિકના ફૂલોનો બૂકે ભલે જિંદગીને  ખુબસુરત બતાવી શકે પણ એ આર્ટિફિશ્યલ હોવાની. એ કદાપિ જિંદગીને મહેકાવી ન શકે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.