Abtak Media Google News

માતાનું ચાલિસમું નક્કી કરવા બાબતે ઝગડો થતા લોખડના પાઇપ મારી ભાઈને પતાવી દીધો

ભેસાણમાં નજીવી બાબતે ભાઈએ જ ભાઈને લોખંડના પાઇપ ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. નવા વાઘણીયા ગામે માતાના અવસાન બાદ તેમનું ચાલીસમું કેવી રીતે કરવું તે માટે પરિવાર ભેગો થયેલ જેમાં બે ભાઈઓ વચ્ચે માથાકૂટ થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. પરિવારના મોટા ભાઈ અને તેના ત્રણ પુત્રોએ નાના ભાઈને લાકડી અને લોખંડના પાઈપ વડે આડેધડ માર મારતા મોત નિપજતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

બનાવની વિગતો મુજબ ભેંસાણના નવા વાઘણીયા ગામે રહેતા કાળુભાઈ બચુભાઈ સિપાઈ (ઉ.47) ની માતા આલમબેનનું એક માસ પહેલા તા.24 જુલાઈના રોજ અવસાન થયું હતું, અવસાન બાદ તા.28 ઓગસ્ટના રોજ તેમનું ચાલીસમું કરવાનું નક્કી થયેલ, જે બાબતે ગઈકાલે રાતે પરિવારના સૌ ભાઈઓ અને સભ્યો ગામના મદ્રેશામાં ભેગા થયા હતા.જે ચર્ચામાં પરિવારના મોટા ભાઈ જમાલભાઈ બચુભાઈ સિપાઈએ કહ્યું કે, તમો બધા પૈસા ભેગા કરી આપી દો એટલે હું ચાલીસમું કરી નાખીશ, પરંતુ આ બાબતનો કાળુભાઈએ વિરોધ કર્યો હતો, અને જણાવ્યું કે, તમો એકલા કહો તેમ ન ચાલે . બધા ભાઈઓ નક્કી કરે તેમ થશે. ત્યારે માથાકૂટ થતા બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી કરી હતી બાદ જમાલ ત્યાંથી જતો રહ્યો હતો.

પરંતુ થોડીવાર પછી જમાલના હાથમાં લાકડી, તેના ત્રણ પુત્રો ઈબ્રાહીમ, રીઝવાન, અને અમિન હાથમાં લોખંડના પાઈપ અને લાકડી લઈને ઘસી આવી કાળુભાઈ ઉપર હુમલો કર્યો હતો, અને માથામાં તેમજ શરીરે આડેધડ જીવલેણ ઘા ઝીકીને નાસી ગયા હતા. હુમલામાં માથામાં ગંભીર ઈજા થવાથી કાળુભાઈને પ્રથમ ભેંસાણ અને ત્યાંથી જૂનાગઢ લાવવામાં આવતા તેમનું મોત થયું હતું.આમ આ બનાવ હત્યામાં પલટાયો હતો, જે અંગે આજે મરનાર કાળુભાઈના પુત્ર ઇમરાન સિપાઈ ઉ.24 એ ભેંસાણ પોલીસમાં જમાલ અને તેના ત્રણ પુત્રો ઈબ્રાહીમ, રીઝવાન અને અમીન સામે હત્યા મામલે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે. એમ.ગઢવીએ આગળની તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.