જેતપુરમાં મકાન ઓચિંતું ધરાશાયી, 3 લોકો કાટમાળ નીચે દટાયા

જેતપુર:

વરસાદી વાતાવરણમાં અવાર-નવાર પડતર મકાનો ધરાશયી થવાની ઘટના સામે આવતી રહે છે. જેમાં લોકોના મોત પણ નીપજતા હોય છે તેમજ અનેક ઘાયલ પણ થતા હોય છે. ત્યારે જેતપુરમાં પણ આવો જ બનાવ સામે આવ્યો છે. ધોરાજી રોડ પંચમીયા હોસ્પિટલ પાસે આવેલ નૂતન નગર વિસ્તારમાં આવેલ એક માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હતા.

બાજુમાં રહેતા રહીશોએ નગરપાલિકાની ટીમને જાણકરતા રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે જેતપુર સરકરી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

નુતંન નગરમાં રહેતા બાવાજી પરિવાર ભરતભાઇ દુરેજીયા ઉ.વ.(48)તેમજ તેમના પત્ની ગીતાબેન દુધરેજીયા ઉ.વ.(45)તેમજ તેમની દીકરી કિંજલ પીયૂષભાઈ ગુજરાતી કાટમાળમાં દબાતા ઇજાગ્રસ્ત થયા હતાં. મકાનમાં ધરાશયી થતા ચારે તરફ ભાગદોડ મચી ગઇ હતી. આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. અત્યંત ગીચ વિસ્તારમાં આ ઘટના સર્જાતા આગળની તપાસ જેતપુર સીટી પોલીસે હાથ ધરી છે.