બુમરાહનો વર્લ્ડ રેકોર્ડ : સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં અણનમ 35 રન !!! 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંઘમમાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પકડ મજબૂત બનાવી લીધી છે. ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનો શ્રેય રિષભ પંત, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહને જાય છે. પંત અને જાડેજાએ સદી ફટકારી હતી. જ્યારે બુમરાહે પોતાની આક્રમક બેટિંગથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 35 રન ફટકાર્યા હતા. બુમરાહે આ સાથે જ એક ઓવરમાં સૌથી વધારે રનનો બ્રાયન લારાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. લારાએ ટ્વિટ કરીને બુમરાહને અભિનંદન પાઠવ્યા હતા.

પાંચમી ટેસ્ટમાં એક સમયે ભારતીય ટીમે 98 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંત અને ઓલરાઉન્ડર સર જાડેજાએ 222 રનની ભાગીદારી કરીને બાજી સંભાળી હતી. આ પછી ખરી કમાલ કેપ્ટન બુમરાહે કરી હતી. જે 10 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. બ્રોડની એક ઓવરમાં બુમરાહે 35 રન ફટકાર્યા હતા. બ્રોડની આ ઓવરમાં બુમરાહે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. એક રન દોડીને લીધો હતો. બ્રોડે આ ઓવરમાં 6 એકસ્ટ્રા રન આપ્યા હતા. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 416 રન બનાવ્યા છે. જવાબમાં બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવી 84 રન બનાવી લીધા છે.

આ પહેલા ટેસ્ટ મેચમાં એક ઓવરમાં સૌથી વધારે રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. લારાએ 2003માં એક ઓવરમાં 2 સિક્સર અને 4 ફોરની મદદદથી 28 રન બનાવ્યા હતા. તે સમયે ટેસ્ટ મેચમાં એક ઓવરમાં સૌથી વધારે રનનો રેકોર્ડ હતો. લારાએ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના રોબિન પીટરસનનની ઓવરમાં બનાવ્યો હતો. 10 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાના જોર્જ બેલીએ જેમ્સ એન્ડરસનની ઓવરમાં 28 રન ફટકારી લારાના રેકોર્ડની બરાબરી કરી હતી.