Abtak Media Google News

ભવિષ્યમાં કલાઈમેન્ટ ચેન્જ, તંદુરસ્ત લોકશાહી અને ઈનોવેશન ભારત માટે વિકાસના એન્જિન બનશે

૨૦૨૫ સુધીમાં ૧૮ ટકાનો વિકાસ હાંસલ કરવો હોય તો યુવા અને મહિલા શકિતનો ઉપયોગ અનિવાર્ય છે. યુવા અને મહિલા શકિતથી સામાજીક, રાજકીય, સાંસ્કૃતિક અને પર્યાવરણ ઉપર સાનુકુળ અસર પડી શકે છે. પારંપરીક રસ્તા છોડી યુવાધન અને મહિલાઓને આગળ વધારવાની ભલામણ નિષ્ણાંતો કરી રહ્યા છે.

ગત મે મહિનામાં મેકીન્સી ગ્લોબલ ઈન્સ્ટીટયુટે જાહેર કરેલા રીપોર્ટ અનુસાર એશિયા પેસિફિકમાં મહિલાઓને પ્રાધાન્ય આપવાથી જીડીપીમાં ૭૭૦ બિલીયન ડોલરનો વધારો થઈ શકે જે ૨૦૨૫ના અંદાજ અનુસાર ૧૮ ટકાનો ગ્રોથ ગણી શકાય. યુવાધનને વધુને વધુ સ્વરોજગારી આપવાથી પણ દેશનો ૧૮ ટકાના દરે વિકાસ સાધી શકાય.

વિશ્વ બેંકના કલાઈમેન્ટ ચેન્જ ઉપરના રીપોર્ટ અનુસાર વિકાસ સાધવા માટે વાતાવરણમાં થઈ રહેલા પ્રતિકુળ ફેરફારને પણ ધ્યાનમાં લેવા પડશે. સાઉથ એશિયામાં એકાએક વાતાવરણમાં ગરમી અને વરસાદના સમયમાં થતા ફેરફારના કારણે આર્થિક અસરો પણ જોવા મળે છે. સૌથી વધુ અસર ખેતી ઉપર થાય છે. ભારત જેવા ખેતી આધારીત દેશમાં કલાઈમેન્ટ ચેન્જથી કૃષિ આધારિત રોજગારી ઉપર માઠી અસર પહોંચી શકે છે માટે હવે વિકાસ કરવા માટે કલાઈમેન્ટ ચેન્જના દુષણને ડામવું પણ જરૂરી છે.

તાજેતરમાં થયેલા એક રીપોર્ટ અનુસાર તંદુરસ્ત લોકતંત્રથી પણ આર્થિક વિકાસને સકારાત્મક અસર થાય છે. વર્ષ ૧૯૬૦ થી વર્ષ ૨૦૧૦ સુધીમાં લોકતંત્ર ધરાવતા દેશો અને લોકતંત્ર ન હોય તેવા દેશો વચ્ચેના આર્થિક અભ્યાસના આંકડા સામે આવ્યા છે. જેના અનુસાર જે દેશમાં લોકતંત્ર હોય તે દેશની જીડીપી ૨૦ ટકા ઝડપથી વધી છે. આજ રીતે ભવિષ્યમાં જોઈએ તો ભારત જેવા લોકતંત્રને જીડીપીમાં ઘણો ફાયદો થઈ શકે છે.

હાલ નિષ્ણાંતોના મત અનુસાર ભારતમાં વિકાસનો ગ્રોથ આગળ ધપાવવા અર્થતંત્રમાં મહિલા શકિતનો વધુને વધુ ઉપયોગ કરવો આવશ્યક છે. માત્ર ઘરમાં જ નહીં પરંતુ નાના અને મધ્યમ ઉધોગોમાં પણ મહિલા શકિતનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો વર્ક ફોર્સમાં અનેકગણો વધારો થઈ શકે જેનો સીધો લાભ દેશની જીડીપીને થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.