Abtak Media Google News

ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરેન્ટી સ્કીમને મંજૂરી મળતા જ મુશ્કેલીમાં મુકાયેલા નાના-મધ્યમ ઉદ્યોગોને રાહત રહેશે

દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે સરકારે ૨૦ લાખ કરોડનું તોતીંગ આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. જેના અનુસંધાને નાના અને મધ્યમ ઉદ્યોગોને રૂા.૩ લાખ કરોડની લોન ૯.૨૫ ટકાના દરે આપવાની જાહેરાત થઈ હતી. આ જાહેરાતને કેબીનેટની લીલી ઝંડી મળી ચુકી છે. ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમ (ઈસીએલજીએસ)ના માધ્યમથી નાના અને મધ્યમ ઉદ્યોગોને લોન મળશે.

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ રૂા.૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેના હેઠળ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની દ્વારા ૧૦૦ ટકા ગેરંટી કવરેજ નાના અને મધ્યમ ઉદ્યોગોને અપાશે. મુદ્રા લોન માટે પણ આ મંજૂરી મળી ચૂકી છે. સરકારના નિર્ણયના પગલે દેશમાં પથરાયેલા ૪૫ લાખ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ફાયદો થશે. સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને આપવાની થતી લોનમાં ગેરંટી ફી પણ વસુલશે નહીં. આ સ્કીમ હેઠળ બેંક કે ફાયનાન્સીયલ ઈન્સ્ટિટયુટ પાસેથી લોનમાં ૯.૨૫ ટકાનું વ્યાજ લાગશે. જ્યારે નોન ફાયનાન્સીયલ બેન્કિંગ સેકટર પાસેથી લોન લેનારને ૧૪ ટકાનું વ્યાજ ચૂકવવું પડશે.

આ ઉપરાંત સરકાર બેંક, ફાયનાન્સીયલ ઈન્સ્ટિટયુટ અને નોન ફાયનાન્સીયલ કંપનીને પણ પ્રોત્સાહિત કરશે. નાના અને મધ્યમ ઉદ્યોગોને સંકટમાંથી બહાર કાઢવા માટે સરકારે વધુને વધુ રાહતરૂપ પગલા લીધા છે. ગેરંટીડ ઈમરજન્સી ક્રેડીટ લાઈન ફેસેલીટી અંતર્ગત લોન લેનાર નાના કે મધ્યમ ઉદ્યોગો કોઈપણ જાતનું નુકશાન કરશે તો ૧૦૦ ટકા ગેરંટી સરકારની રહેશે. અલબત આ લોન મેળવવા માટે લઘુ અને મધ્યમ ઉદ્યોગકારને ફેબ્રુઆરી મહિનાની દ્રષ્ટિએ આઉટ સ્ટેન્ડિંગ ક્રેડીટ ૨૫ કરોડ સુધીની હોવી જોઈએ. આ ઉપરાંત ૧૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કંપની પણ સરકારની યોજનાનો લાભ લઈ શકશે.

કેશ ક્રેડિટ અને ઓવર ડ્રાફટની સુવિધા મળશે

નાણા પ્રધાન નિર્મલા સીતારમન આવતીકાલે જાહેર ક્ષેત્રની બેંકોના સીઈઓ સાથે મીટીંગ કરવાના છે. જેમાં ક્રેડીટ ફલો જાળવવા અને સીસી તેમજ ઓવર ડ્રાફટની સુવિધાનો વ્યાપ વધારવાની ચર્ચા થશે તેવું જણાય છે. અગાઉ આ મીટીંગ ૧૧ મે ના રોજ યોજાવાની હતી પરંતુ સરકારે જાહેર કરેલા ૨૦ લાખ કરોડના પેકેજ બાદ મીટીંગ મોકુફ રહી હતી. હવે આવતીકાલે મળનારી બેઠકમાં ગત માર્ચ મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઘટાડેલા ૭૫ બેઝીક પોઈન્ટની બેન્કિંગ સેકટર પરની અસરો તેમજ ૩ મહિના હપ્તામાં ધીરાણ લેનારને અપાયેલી રાહતોની ચર્ચા થશે. ગત મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર શશીકાંત દાસ અને ખાનગી તથા પ્રાઈવેટ સેકટરની બેંકો વચ્ચે બેઠક થઈ હતી. બેન્કીંગ અને નોન ફાઇનાન્સીયલ બેન્કીંગ સેક્ટરમાં કેશ ક્રેડીટ અને ઓવરડ્રાફટ થકી ક્રેડીટ સુવિધા મળી રહે તે માટેના પગલા નાણાં મંત્રાલય લઇ રહ્યું છે.

આરબીઆઇ ઐતિહાસિક ૧૦૦ બેઝિક પોઇન્ટ રેટ કટ કરે તેવી સંભાવના

અર્થતંત્રને બેઠુ કરવા સરકારે ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કર્યા બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ૧૦૦ બેઝીક પોઈન્ટ રેટ કટ કરવાનો ઐતિહાસિક નિર્ણય લે તેવી ધારણા છે. બજારમાં નાણાની તરલતાનો પ્રશ્ર્ન ઉભો ન થાય તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આગોતરી તૈયારી કરવાનું શરૂ કર્યું છે. માર્ચ મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધારણા કરતા વધુ ૭૫ બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારે હવે ૭૫ થી ૧૦૦ પોઈન્ટ બેઝીક પોઈન્ટ ઘટે તેવું આર્થિક નિષ્ણાંતો માની રહ્યાં છે. લોકડાઉન ખુલ્યા બાદ ધીમી ગતિએ માંગની ટકાવારીમાં વધારો થશે પરંતુ ત્યાં સુધી બજારમાં રોકડનો ફલો જળવાઈ રહે તેવી પણ ધારણા છે. જેથી અર્થતંત્રમાં સંતુલન જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેઝીક પોઈન્ટ રેટ કટ કરવાનો નિર્ણય લીધો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે.

નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને અપાયેલી ‘રાહત’ની અસર નહીંવત!

કેન્દ્ર સરકારે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીને લીકવીડીટ સપોટના નામે રૂા.૩૦,૦૦૦ કરોડની ગેરંટી આપવાનો નિર્ણય લીધો હતો. જો કે, ત્રણ મહિના સુધી જો નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની મુસીબતમાંથી પારીત થશે તો ઉઘરાણી નહીં થાય તે પ્રકારની રાહત મળી છે. મહામારીના સમયમાં એનબીએફસીને આ પ્રકારની રાહતની નહીં પરંતુ નાણા ભંડોળની જરૂર છે. સરકાર દ્વારા આપવામાં આવેલુ રૂા.૩૦,૦૦૦ કરોડનું ફંડ એનબીએફસીના નુકશાનમાં ત્રણ મહિનાના ગાળે વહેંચવામાં આવશે. જો કોઈ સ્પેશિયલ પર્પોઝ વ્હીકલ ડિફોલ્ટ થશે તો તેને સરકારની ગેરંટી યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. સ્પેશિયલ પર્પોઝ વ્હીકલના માધ્યમથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સીકયુરીટી વહેંચી નાણા ઉભા કરશે. એનબીએફસીના તાજેતરના મિલકત પોર્ટફોલીયોમાં મહામારીની અસર વધુ પડે નહીં તે માટે નાણા ભંડોળની વધુ જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.