Abtak Media Google News

શું સમાજ પરિવર્તન સ્વીકારવા સક્ષમ?

વડી અદાલતના પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે બ્રિટીશકાળની ધારા ૩૭૭ની જોગવાઈઓને આંશિક રીતે રદ કરી સજાતીય સંબંધોને લીલીઝંડી આપી

દેશની વડી અદાલતે એલજીબીટીકયુ સમાજ માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. એલજીબીટીકયુ કોમ્યુનિટીને કલમ ૩૭૭ના દાયરામાંથી મુકિત આપવામાં આવી છે. વડી અદાલતે આઈપીસીની ધારા ૩૭૭ની જોગવાઈઓને આંશિક રીતે રદ કરી બે પુખ્ત વ્યકિત વચ્ચે સંમતિથી બંધાતા સજાતીય સંબંધોને કાયદેસર ગણાવ્યા છે. ૧૫૮ વર્ષ બાદ ભારતમાં સજાતીય સંબંધોને લીલીઝંડી મળી છે જોકે સમાજમાં કેટલું સ્વિકાર્ય રહેશે તે જોવાનું રહ્યું.

એલજીબીટીકયુ સમાજની લાંબા સમયથી પડતર માંગણી મુદ્દે વડી અદાલતના પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે ચુકાદો આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, જસ્ટીસ આર.એફ.નરીમાન, જસ્ટીસ એ.એમ.ખાનવિલકર, જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટીસ ઈન્દુ મન્હોત્રાએ ચુકાદા આપ્યા હતા. હોમોસેકસયુલ, હીટ્રોસેકસયુલ, લેસ્બીયન અને અન્ય સેકસયુલ માઈનોરીટી સમુદાયોમાં સંમતિથી બંધાતા શારીરિક સંબંધોને આઈપીસીની કલમ ૩૭૭ અંતર્ગત અપરાધ ગણાશે નહીં પરંતુ પ્રાણી સાથે થતા સમાગમ અને સગીર સાથે બંધાતા સજાતીય સંબંધો ધારા ૩૭૭ હેઠળ અપરાધ ગણાશે.

વડી અદાલતના આ ચુકાદાને માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહવામાં આવ્યો છે. સંયુકત રાષ્ટ્રએ એલજીબીટીકયુ સમુદાયના સંપૂર્ણ મુળભુત અધિકારોની દિશામાં આ પહેલુ કદમ ગણાવ્યું છે. બે પુખ્ત વચ્ચે સંમતિથી બંધાતા સજાતીય સંબંધને કાયદેસર ઠેરવ્યા છે પરંતુ સમાજ આવા સંબંધો માટે પરિવર્તન સ્વિકારવા તૈયાર છે કે નહીં ? તે અલગ વિષય છે.

૨૦૧૩માં સુપ્રીમે આપેલા ચુકાદાને ઉલ્ટાવી ચીફ જસ્ટીસે કહ્યું હતું કે સ્વ.અભિવ્યકિત પર પ્રતિબંધ મોત સમાન છે. ધારા ૨૭૭ ગેરવ્યાજબી અને પક્ષપાતી છે. એલજીબીટીકયુ સમુદાય ભારતના નાગરિકને મળતા તમામ અધિકારીઓ ધરાવે છે. સામાજીક નૈતિકતા, બંધારણીય નૈતિકતા પર હાવી થઈ મુળભુત અધિકારો છીનવી શકે નહીં.

મુખ્ય ન્યાયાધીશે વધુમાં કહ્યું હતું કે, હું જે છું તે છું. હું જેવો છું તેઓ મને અધિકાર. કોઈ પોતાની આગવી ઓળખથી છટકી શકતું નથી. દરેક વાદળોમાં મેઘધનુષ શોધો, દરેકને વ્યકિતગત સ્વાયતતા છે. આપણે અણગમાને ત્યાગીને નાગરિકને સશકત બનાવવા જોઈએ. આજનો ચુકાદો આ સમુદાય માટે આત્મસન્માન, સમાનતા લઈને આવ્યો છે. વડી અદાલતના આ ચુકાદા બાદ હવે એલજીબીટીકયુ વચ્ચેના લગ્ન અને પેરેન્ટીંગ અધિકારો મુદ્દે કાયદેસરની જંગ લડાશે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.