Abtak Media Google News

મહત્વનો પ્રશ્ર્ન: ચીન-પાકિસ્તાન સામે યુઘ્ધની ઘડી આગામી પાંચ વર્ષમાં આવી શકે છે, તે પહેલા મતિ ભ્રષ્ટતા સામેનું યુઘ્ધ જીતવું અનિવાર્ય

ર૦૦૪ વર્ષ પહેલા એટલે કે બી.સી. ૩૦૦ પહેલા ભારતમાં જન્મીને અમર બનેલા મહાન ચાણકય કૌટિલ્યે તેમણે લખેલા ‘કૌટિલિયમ અર્થશાસ્ત્ર’ નામના અદભુત ગ્રંથમાં ભારપૂર્વક દર્શાવ્યું હતું કે, ભ્રષ્ટાચારીઓની મિલ્કતો જપ્ત કરવાનો સિઘ્ધાંત કોઇપણ રાજકર્તાએ અપનાવવો જ જોઇએ. તેમણે આ ગ્રન્થમાં ભ્રષ્ટાચારીઓ દેશને તથા પ્રજાને નાગરીકોને કેવી રીતે લૂંટે છે તેનો નખશીખ ચિતાર આપ્યો છે.

તેમની ભ્રષ્ટાચારી રીતરસમો વર્ણવી છે અને રાજતંત્રે આવા ભ્રષ્ટાચારીઓને કેવી રીતે પકડવા તથા તેમને કેવી સજા કરવી જોઇએ તેની પૂરી વિગત આપી છે. આમાં માત્ર  ચાણકયની જ વાતો નથી, પણ મગધ સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યના સમયમાં ભારતને એકતાનાં તાંતણે બાંધનાર મહાન ભારતીય રાજનીતિનું અને સંભવત: શ્રીકૃષ્ણ પછીના મહામુત્સદી રાજપુ‚ષનું ચરિત્ર ચિત્રણ છે તેમણે  મહાન સમ્રાટના મહાઅતાત્મય તરીકે સુરાજયમાં હોવા જોઇતા કાયદા-નિયમો ઘડીને તેના પ્રામાણિક તેમજ પવિત્ર અમલ વડે સુખ અને સમૃઘ્ધ ભારતનો પાયો નાખી આપ્યો હતો.

ચાણકયે લખ્યું છે કે સરકારી અધિકારીઓ ૩ર રીતે પ્રજાને લૂંટે છે. દાખલા તરીકે, ટેકસ ખાતાના અધિકારીઓ નિજીસ્વાર્થને ખાતર કર ઓછો વસુલ કરીને, કોઇને વધુ  કર આકારીને અને બાદમાં ઓછો કરી આપી બદલામાં પોતાનું ખિસ્સું ભરીન, ચઢેલો કર વસુલ નહિ કરવાના બદલામાં લાંચ રૂશ્વત લેવી, વહીવટી કામોમાં વિલંબ નહિ કરવાના સાટામાં નાણાં પડાવવા, દુરાચારમાં આંખ મિંચામણા કરવા, આંખ આડા કાન કરવા, રાજની તિજોરીને નુકશાન પહોંચે એની પરવા કર્યા વિના વચેટિયા લોકોનો ઉપયોગ કરીને ગોલમાલ સમી લેતીદેતી કરવી, ન્યાયાધીશો દ્વારા મોટી સજાના ગુનેગારને ઓછી સજા કરાવી દેવાનો તગડો લાભ લેવો, કોટવાલ – પોલીસ બેગુનાહ લોકોને પકડે અને છોડે, ગુનેગારને ભાગી જવા દે, ચોરો- ગુનેગારોને સાથ  આપી નાણા પડાવવા, પરીક્ષાની ઉત્તરવહિનીઓ સાથે અભદ્ર ચેડાં કરીને જબરો બદલો લેવો, ટયુશન દ્વારા ભ્રષ્ટ આદાન પ્રદાન આચરવાં, નાગરીકોની રક્ષા કરવાને બદલે તેમને ખોટી રીતે ફસાવીને ચોરો ગુનાખોરો સામે ભયાવહ સ્થિતિમાં મૂકિને નાણા પડાવવા, અને આવી કેટલીયે બદમાશીઓ અજમાવીને મતિ ભ્રષ્ટતા આચરાય છે જાસુસી ક્ષેત્રે પણદેશહિતના ભોગે ભ્રષ્ટાચાર આચરયા છે જે રીતરસમોને ખુલ્લી કરી છે.

પોતાનાં અતિ લોકપ્રિય ગ્રન્થમાં આવા ભ્રષ્ટાચારીઓને કડક દંડ આપવાની નીતિ પણ ચાણકયે બતાવી છે. જે સરકારી અધિકારી સામાન્ય ભ્રષ્ટાચાર કરે તેની પાસેથી ભ્રષ્ટાચારની રકમ કરતાં બમણો દંડ વસુલ કરવો. જે મોટો ભ્રષ્ટાચારી હોય તેનો આઠ ગણો દંડ કરવો, પણ જે ભ્રષ્ટાચારી  લોકોને બેફામ લૂંટી રાજયતંત્રને ફોલી ખાતો હોય તેની સંપૂર્ણ મિલકત જપ્ત કરી તેને આજીવન કેદમાં ધકેલી દેવો. પોલીસ કોટવાલોને પણ આવો જ દંડ કરવો તથા તેને કોટવાલમાંથી હટાવી દેવો. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર કરતાં ન્યાયધીશોને પણ આવા જ ભ્રષ્ટ અધિકારીઓ જેવો દંડ કરવો તથા નિર્દોષ લોકોને સજા કરતા ન્યાયધીશને કે ગુનેગારને છોડી મુકનાર ન્યાયાધીશને પણ જેલની સજા કરવામાં આવે તેમ ચાણકય કહે છે.

ચાણકયે આજના નેતાઓ- મહાનુભાવોની જેમ માત્ર ભ્રષ્ટાચાર પકડવાની મીઠી મીઠી વાતો નહોતી કરી, પરંતુ ભ્રષ્ટાચારીઓને પકડવા તેણે ખાસ ગુપ્તચર તંત્ર ગોઠવ્યું હતું. તેના ગુપ્તચરો સાધુ, ચારણ, બહેરા, મૂંગા, ભિખારી જાદુગર, વેપારી ભોજનાલય ચલાવનારા, વૈદ્ય જોષી જેવા જાતજાતના વેશપલટો કરી સરકારી અધિકારીઓ, ન્યાયાધીશો કોટવાલો જેવા ઉ૫ર જાસુસી કરતા હતા. ખાસ કરીને જેઓ તેમના પગાર કરતાં વધુ જહોલલાલીથી રહેતા હતા તેમના પર નજર રાખતા હતા તથા તેમને રંગે હાથ પકડી કે તેમની સંપતિની માહીતી મેળવી રાજયતંત્રને પૂરી પાડતા હતા. તેના પર આધારિત આવા અધિકારીઓને પકડીને તેમને કડક સજા ફરમાવાતી હતી. તેની સંપતિ જપ્ત કરાતી હતી કે પછી આજીવન કારાવાસમાં ધકેલાતા હતા.

પ્રજાની સુખાકારી રાષ્ટ્રની સમૃઘ્ધિ એ ચાણકયનો જીવનમંત્ર હતો. તેના રાજયમાં ભ્ર્રષ્ટાચારને જડમૂળથી ઉખેડી નાખવાની તેણે સિઘ્ધિ મેળવી બતાવી હતી. અખંડ સમૃઘ્ધ ભારતનું પ્રથમ સ્વપ્ન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એણે સાકાર કરી બતાવ્યું હતું. ભારતની સુપ્રસિઘ્ધ કોર્ટના ચીફ જસ્ટીકે છેક ર૦૦૯માં એક તબકકે એવી ટીકા કરી હતી કે, સરકારના ભ્રષ્ટ અધિકારી સામે ગુનો પુરવાર થાય તો તેની સંપત્તિ જપ્ત કરી લેવાનો સુધારો કાયદામાં કરી લેવો જોઇએ. વડાપ્રધાને પખવાડીયા પહેલા સીબીઆઇને કહેલું કે, મોટી માછલીઓને મોટા ભ્રષ્ટાચારીઓને પકડો તે કેમ છુટી જાય છે કે પકડાતા જ નથી? ભારતના એ વખતના કાયદા પ્રધાને પણ એક સેન્ફરન્સમાં કહ્યું હતું ક, આવો મોટા ભ્રષ્ટાચારીઓને રક્ષતી બંધારણની જોગવાઇને હટાવવાનો સુધારો કરવામાં આવશે.

પરંતુ તેમની જ સત્તા હેઠળના ન્યાયતંત્રમાં આચરાતા ભ્રષ્ટાચાર અંગે તે ખુદ કેમ નિષ્ક્રિય છે, એવો સવાલ ઊઠયો જ હતો. ન્યાયતંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર વ્યાપી ગયો હોવાનું અને વડાપ્રધાનના મંત્રીઓમાં ૩૦દ ટકા  ભ્રષ્ટાચારી હોવાની ટકોર  થઇ હતી.આજના ભારતની જો કોઇ બહુ મોટી  પીડા હોય તો તે એ છે કે આવો બીજો ચાણકય ભારતમાં તે પછી ર૪૦૦ પેદા થયો નથી પ્રજાને ભ્રષ્ટાચારના ભોરિંગ બચાવવા તથા બજારના સમા કંટકોથી પ્રજાના નાણાનું રક્ષણ કરવા ન તો આપણી પાસે સંગીત કાયદા છે, ન તો કદાવર શાસકો છે, કે ન તો દેશ પ્રત્યેની નિષ્ઠા છે !

શું નવી સંસદ આવો બીજો ચાણકય પેદા કરી શકશે, એવો સવાલ ઊઠયા વિના રહેતો નથી. ભ્રષ્ટાચાર સામેના યુઘ્ધમાં હમણા સુધી પરાજિત રહેલા આ રાષ્ટ્રને જીતાડી દેવાનું સામર્થ્ય નવી  સંસદ આપી શકશે ખરી ?આ પ્રશ્ન એટલા માટે ઊઠે છે કે, આગામી પાંચ વર્ષમાં સંભવત તે પહેલા જ ચીન-પાકિસ્તાનની સામે કે કાશ્મીરની સરહદે ભારતના શત્રુઓ દ્વારા યુઘ્ધની ઘડી આવી શકે છે, અને તે પહેલા મતિભ્રષ્ટતા સામેનું યુઘ્ધ જીતી લેવાનું આપણા દેશનું આપણા દેશ માટે અનિવાર્ય છે ચાણકય વિના !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.