Abtak Media Google News

દુકાનેથી ઘરે પહોચે તે પહેલાં બાઇક પર આવેલા બે શખ્સો લૂંટ ચલાવી ફરાર: લૂંટારાના સીસીટીવી ફુટેજ મળ્યા: લૂંટમાં જાણભેદુ હોવાની આશંકા

જેતપુરના અમરનગર રોડ પર આવેલા સતનમ પાર્ક રહેતા અને બોખીલા દરવાજા પાસે કરિયાણાની દુકાન ધાવતા વૃધ્ધ ગઇકાલે સાંજે રૂા.૨.૩૦ લાખની રોકડ સાથે દુકાનેથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વૃધ્ધને પછાડી રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી બંને શખ્સો ભાગી જતા પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરનગર રોડ પર સતનામ પાર્કમાં રહેતા મનસુખલાલ પોપટલાલ પટેલ નામના ૬૨ વર્ષના વૃધ્ધ પોતાની બોખલા દરવાજા ખાતે આવેલી ગુજરાત કરિયાણા ભંડાર નામની દુકાનેથી એક્ટિવા લઇ ઘરે જઇ રહ્યા હતા ત્યારે જનતાનગર મેઇન રોડ પર બાંગલા ચોકડી પાસે પહોચ્યા ત્યારે ડબલ સવારી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રૂા.૨.૩૦ લાખની રોકડ સાથેનો થેલો ઝુટવી બંને શખ્સો ભાગી ગયા હતા. મનસુખલાલ પટેલે લૂંટ થયા અંગેની બુમાબુમ કરી હતી તે દરમિયાન તેમનો પુત્ર જય પાછળ આવતો હતો તેને લૂંટ ચલાવી બાઇક પર ભાગેલા બંને લૂંટારાનો પીછો કર્યો હતો પરંતુ બંને શખ્સો અંધારામાં અદ્રશ્ય બની ગયા હતા. લૂંટ ચલાવી ભાગેલા બંને શખ્સો આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના અને બાઇક પાછળ બેઠેલા શખ્સે સફેદ શર્ટ પહેર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જેતપુર પી.આઇ. પટેલ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.