Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને કારણે આજ ૧૫મી ઓગસ્ટ-૨૦૨૦ના રોજ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજ્ય સરકારની સુચનાનુસાર કરવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં માન.મેયર બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટરઓ મનીષભાઈ રાડીયા, અશ્વિનભાઈ ભોરણીયા, પરેશભાઈ પીપળીયા, જયમીનભાઇ ઠાકર, નીતિનભાઈ રામાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્યએ નગરજનો જોગ સંદેશો આપતા જણાવ્યું હતું કે ભારતના ૭૪માં સ્વતંત્રતા પર્વની સૌ રાજકોટવાસીઓને  શુભકામનાઓ પાઠવું છું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવનારા પ્રત્યેક વીર શહીદ તથા અન્ય તમામ નામીઅનામી ક્રાંતિકારીઓને નતમસ્તક વંદન કરૂ છું.

રાજકોટ મહાનગરપાલિકાએ  નાગરિકોના સહયોગ સાથે આ આપત્તિનો મુકાબલો કરવા સરકારના માર્ગદર્શન અને સહયોગની મદદી પોતાની પુરી તાકાત કામે લગાડી દીધી છે. આ કપરા કાળમાંથી સૌ ઝડપથી બહાર આવે અને જનજીવન સામાન્ય બને તે માટે સરકાર સતત પ્રયાસ કરે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના ફેરિયા ભાઈ-બહેનો એક જ જગ્યા પર સમુહમાં વેપાર કરી શકે તેવા ઉમદા હેતુથી જુદા જુદા વિસ્તારોમાં હોકર્સ ઝોન બનાવવામાં આવેલ છે. હયાત હોકર્સ ઝોનને પણ વિવિધ સુવિધા સાથે તબક્કાવાર આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. વિશેષમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન દરમ્યાન હોકર્સ ઝોનના ફેરિયાઓના ધંધા રોજગાર બંધ હોવાથી આવા નાના વર્ગના ફેરિયાઓને લોકડાઉન દરમ્યાનનું એટલે કે ૦૩ માસનું ભાડું માફ કરેલ છે.

મુખ્યમંત્રીએ રાજકોટ શહેરને વિવિધ ક્ષેત્રોમાં અનેક પ્રોજેક્ટની ભેંટ આપી છે. એક સમયે જળકટોકટીને કારણે યાદ કરાતું રાજકોટ આજે પીવાના પાણીની સમસ્યામાંથી મુક્ત થઇ ચૂક્યું છે. એવી જ રીતે શહેરનો લગભગ હિસ્સો ભૂગર્ભ ગટર પ્રોજેક્ટમાં આવરી લેવાયો છે અને નવા વિસ્તારોમાં આવશ્યકતા અનુસાર આ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી રહયો છે.

રાજકોટ શહેર સૌના સહયોગથી સ્વચ્છતાની દિશામાં પણ આગળ વધી રહી છે. ત્યારે આ પાવન રાષ્ટ્રીયપર્વ પ્રસંગે સૌ નગરજનોને હું અપીલ કરું છું કે, શહેર કાયમ માટે સ્વચ્છ રહે અને આ પ્રકૃતિને આપણી જીવનશૈલીનો એક અભિન્ન હિસ્સો બનાવીએ. વિશેષમાં આપણું શહેર સ્માર્ટ સીટી બને તે માટે સૌના સહિયારા પ્રયાસી શહેર અનેક સિદ્ધિ, અનેક ઊંચાઈ પ્રાપ્ત કરશે તેવી મને શ્રધ્ધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.