Abtak Media Google News

રાજકોટમાં એઇમ્સ, રેલવે ડબલિંગ અને હીરાસર એરપોર્ટ તથા તેને લગતા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટની કેન્દ્ર સરકાર દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી છે. પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ અન્વયે આ મામલે આજે સાંજે વિડીયો કોંફરન્સ યોજાઇ હતી.

પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ અન્વયે ચાલુ પ્રોજેક્ટની કામગીરીનો તાગ મેળવવા કલેકટર સાથે ઉચ્ચ અધિકારીઓની વીડિયો કોન્ફરન્સ

આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ બપોરના સમયે જણાવ્યું કે પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટની આજે સાંજે ચાર વાગ્યે વિડીયો કોંફરન્સ છે. જેમાં રાજકોટ નજીક નિર્માણ પામી રહેલ એઇમ્સ, કાનાલુસ રાજકોટ રેલવે ડબલ લાઈન અને હીરાસર એરપોર્ટને લગતા પ્રોજેક્ટની સમીક્ષા હાથ ધરવામાં આવશે.

વધુમાં તેઓએ વિગતો આપતા જણાવ્યું કે રાજકોટ કાનાલુસ ડબલ લાઈન પ્રોજેક્ટ માટે આખરી જાહેરનામાની પ્રસિદ્ધિ બાદ 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાનું હતું. પણ જિલ્લા વહીવટી તંત્રએ આ કામ 6 જ મહિનામાં પૂર્ણ કરી દીધું છે. 13 ગામોની જમીનનો કબજો રેલવેને સોંપી દેવામાં આવ્યો છે. 21 કેસો એવા છે જેમાં ખાતેદારોએ પોતાના વારસાઈ સહિતના આંતરિક વિવાદોને કારણે એવોર્ડ સ્વીકાર્યા નથી. તેઓ ત્રીજી નોટિસ પણ અપાઈ ગઈ છે.

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ વધુમાં જણાવ્યું કે રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક એઇમ્સનું નિર્માણ થઈ ગયું છે. અહીં 250 બેડની આઇપીડી સેવા ડિસેમ્બર અંત સુધીમાં ચાલુ થઈ જશે. ત્યાં મોરબી રોડ તરફનો જે બ્રિજ છે તે પણ આ મહિનાના અંતે તૈયાર થઈ જવાનો છે. વધુમાં જામનગર રોડ તરફના બ્રિજ માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા ચાલી રહી છે.

જિલ્લા કલેકટરે વધુમાં ઉમેર્યું કે હીરાસર એરપોર્ટ નજીક ફ્લાયઓવરનું નિર્માણ કરવાનું છે. જેના માટે ફોરેસ્ટ ક્લિયરન્સ એડવાન્સ સ્ટેજમાં છે. આમ આ ત્રણ મહત્વના પ્રોજેક્ટને લઈને પીએમ ગતિ શક્તિ યોજના અન્વયે સમીક્ષા હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.