Abtak Media Google News

વિક્રમા સર્જાઈ સિંઘેએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

શ્રીલંકામાં અંધાધૂંધી ફેલાઈ છે. દેશ હાલ ભયાનક આર્થિક કટોકટીની સાથે રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજાપક્સે ધરપકડના ભયે ચૂપચાપ દેશ છોડીને ભાગી જતાં દેશભરમાં દેખાવકારોમાં આક્રોશ ફેલાયો હતો. છેલ્લા ચાર દિવસથી રાષ્ટ્રપતિ આવાસ પર કબજો જમાવનારા દેખાવકારોએ વડાપ્રધાન ઓફિસ પર કબજો કરતા દેખાવો હિંસક બન્યા હતા. બીજીબાજુ વિક્રમા સર્જાઈ સિંઘેએ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળતા કટોકટી જાહેર કરી અને દેખાવો દબાવી દેવા સૈન્ય-પોલીસને ખુલ્લી છૂટ આપી છે.

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માલદીવ છોડીને સિંગાપોર જવાની ફિરાક છે.  ગુરુવારે મોડી રાત્રે સમાચાર આવ્યા કે તે માલદીવથી સિંગાપોર જવા માટે ખાનગી જેટની રાહ જોઈ રહ્યા છે.  માલદીવના સૂત્રોએ જણાવ્યું કે રાજપક્ષેને માલદીવની સંસદના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે દેશ છોડવામાં મદદ કરી હતી. નશીદ તેમના દેશનિકાલ દરમિયાન શ્રીલંકામાં રહ્યા હતા.  શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અને સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ વચ્ચે દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

દેશમાંથી કર્ફ્યુ હટ્યો

શ્રીલંકાના સત્તાવાળાઓએ ગુરુવારે રાજધાનીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ પશ્ચિમ પ્રાંતમાં લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લીધો હતો. જો કે બીજી તરફ પોલીસ અને સેનાને છૂટો દોર પણ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ હજુ રાજીનામું આપ્યું નથી

શ્રીલંકાની સંસદના સ્પીકરને હજુ સુધી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે તરફથી રાજીનામાનો પત્ર મળ્યો નથી.  સ્પીકરના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે હાલ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નેતાએ ચાર્જ સંભાળી લઈ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

વિપક્ષી નેતાએ ચીનની ટીકા કરી, ભારતના વખાણ કર્યા

રાષ્ટ્રપતિ પદની રેસમાં આગળ ચાલી રહેલા વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ કહ્યું કે ચીને શ્રીલંકાને કોઈ આર્થિક મદદ કરી નથી પરંતુ ભારતે આપણા સંકટ સમયે મદદ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા છે.  ભારતે અનાજ અને દવાઓ આપીને આપણા લોકોને ઘણી મદદ કરી છે.  આ દરમિયાન પ્રેમદાસાએ પીએમ મોદી, નાણામંત્રી અને ભારતની જનતાનો આભાર માન્યો હતો.

શાંતિ સ્થાપવા યુએન સેક્રેટરી જનરલની શ્રીલંકાને અપીલ

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે સંઘર્ષના મૂળ કારણો અને વિરોધીઓની ફરિયાદો પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.  હું તમામ પક્ષના નેતાઓને શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક પરિવર્તન માટે સમાધાનની ભાવના અપનાવવા વિનંતી કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.