જૂનાગઢ સિવિલમાં સોમવારથી કિમોથેરાપીની સારવાર શરૂ

ઉજૈન ખાતેથી તાલીમ મેળવનાર મેડિકલ ઓફિસર રોજના ૧૦ થી વધુ દર્દીઓને સારવાર આપશે

કિમોથેરાપીમાં ૧૦ હજારથી લઇને ૨ લાખ રૂપિયા સુધીમાં અપાતું ઇન્જેક્શન સિવિલમાં વિના મુલ્યે અપાશે

ખાનગી હોસ્પિટલોમાં કિમોથેરાપીમાં ૧૦ હજારથી લઇને ૨ લાખ રૂપિયા સુધીમાં અપાતું ઇન્જેક્શન સિવીલમાં વિના મુલ્યે અપાશે ૨૫ જૂનાગઢ સિવીલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.અજય પરમાર થોડા સમય પહેલા ઉજૈન ખાતે કિમોથેરાપીની તાલીમ લઇ આવ્યા છે અને હવે તા.૨૮-૧૨-૨૦૨૦ને સોમવારથી જૂનાગઢ સિવીલના ૫ માળે સવારે ૯ થી ૫ વાગ્યા સુધી પીડીયાટ્રીક વોર્ડમાં સારવાર આપવામાં આવશે. જેના માટે પુરતા સાધનો સાથે તાલીમબધ્ધ સ્ટાફ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ સિવીલમાં છેલ્લા ૬ વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.અજય પરમારે આ કિમોથેરાપીની સારવાર મેળવી છે. ઉજૈન ખાતે ૧ માસની કિમોથેરાપીની તાલીમ મેળવી છે. ત્યારે હવે જૂનાગઢ સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જન અને આરએમઓ ડો. તનસુખ સોલંકીના માર્ગદર્શન હેઠળ તા.૨૮-૧૨-૨૦૨૦ને સોમવારથી સિવીલમાં કિમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવશે. મંગળવાર અને શુક્રવારે થેલેસેમિયાની સારવાર ચાલતી હોવાથી આ બે દિવસ કિમોથેરાપીની સારવાર બંધ રહેશે.

જૂનાગઢ સિવીલમાં કિમોથેરાપીની સારવાર શરૂ થતા દર્દીઓને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાં ધક્કા નહીં ખાવા પડે અને નજીકમાં જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કિમોથેરાપીની સારવાર વિનામૂલ્યે મળી રહેશે. તે ઉપરાંત ટ્રાન્સપોર્ટશનના ખર્ચમાં પણ બચત થશે.

અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ જિલ્લા અને આસપાસ સહિતના વિસ્તારમાંથી કેન્સરના અંદાજીત ૫૦૦૦ જેટલા દર્દીઓ નોંધાયેલા છે. જેમાં ખાસ કરીને મોઢા અને બ્રેસ્ટ કેન્સર વધુ જોવા મળે છે. જેમાં અત્યાર સુધીમાં ૧૦૦ જેટલા દર્દીઓનું કાઉન્સેલીંગ પણ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ સિવીલમાં કિમોથેરાપીની સારવાર શરૂ થતા દીવ, ગીર સોમનાથ, અમરેલી સહિતના દર્દીઓને સારવાર મળી રહેશે અને અમદાવાદ, રાજકોટ શહેરોમાં સારવાર લેવા જવું નહીં પડે તે ઉપરાંત અહીંયા વિના મુલ્યે સારવાર મળતા ખર્ચમાં પણ બચત થશે. કારણ કે, ખાનગી હોસ્પિટલોમાં કિમોથેરાપીનું એક ઇન્જેક્શન ૧૦ હજારથી લઇને ૨ લાખ રૂપિયા સુધીનું આપવામાં આવે છે. જ્યારે જૂનાગઢ સિવીલમાં આ ઇન્જેક્શન વિના મુલ્યે આપવામાં આવશે.        સોમવારથી જૂનાગઢ સિવીલના ૫ માળે સવારે ૯ થી ૫ વાગ્યા સુધી પીડીયાટ્રીશન વોર્ડમાં સારવાર આપવામાં આવશે. જેના માટે પુરતા સાધનો સાથે તાલીમબધ્ધ સ્ટાફ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.