Abtak Media Google News

તબીબો દ્વારા ખોડખાંપણમાંથી મુકિત અપાવવા ભગીરથ પ્રયાસ: હાલ 100 બાળકો સારવાર  હેઠળ: નિયમીત પ્લાસ્ટર તથા યોગ્ય કાળજીથી વાંકા પગ પણ સીધા થઈ શકે

નાના બાળકોમાં આવેલ જન્મજાત ખોડખાપણ જિંદગીભર રહી ન જાય તે માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ક્લબ ફૂટની નિશુલ્ક સારવાર “સુપર ડુપર” રીતે આપવામાં આવી રહી છે, અને 7 વર્ષમાં ખોડંગાતા 555 માંથી 450 થી વધુ બાળકોને ચાલતા કરવામાં આવ્યા છે. તે સાથે હાલમાં 100 જેટલા બાળકો સારવાર હેઠળ છે, જેને પણ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ખોડખાપણ માંથી મુક્તિ અપાવવા ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જન્મજાત ખોડખાપણ વાળા બાળકો માટેની ક્લબ ફૂટની નિશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે વર્ષ 2016 થી છેલ્લા 7 વર્ષ દરમિયાન જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શનમાં જુનાગઢ ક્લબ ફૂટ ક્લિનિક કાઉન્સેલર ડો. શોભના દેસાઇ, ઓર્થોપેડિક સર્જન ડો. પ્રતીક ટાંક, સી. ડી.એમ. ઓ. ડો. પાલા લાખોત્રાણા, , ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના એચઓડી ડો.  હિમાંશુ લાડાણી દ્વારા સારવાર આપી 555 જેટલા ક્લબ ફૂટના બાળ દર્દીઓમાંથી 450 બાળકોને ચાલતા કરવામાં આવ્યા છે, તથા હોસ્પિટલના સી. ડી.એમ. ઓ. ડો. પાલા લાખોત્રાણાના જણાવ્યા અનુસાર હાલમાં 100 જેટલા આવા જન્મજાત ખોડખાપણ ભરી જિંદગી જીવી રહેલ બાળકોની સારવાર જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે અને જૂનાગઢના તબીબો દ્વારા આ બાળકોને ચાલતા કરવા માટે ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના ડો. શોભના દેસાઇના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે ક્લબ ફૂટની સારવાર માટે 6 સીટિંગ કરવામાં આવે છેે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામના ડાયાભાઈ ચુડાસમાના પુત્રની જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અને માત્ર 3 સેટિંગમાં જ આ બાળક સારું થઈ જતા ચાલવા લાગી ગયો હતો. આવી તો અનેક સિદ્ધિ અને સફળતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલે મેળવી છેે. અને બાળકોમાં જોવા મળતી ખોડ ખાપણ જિંદગીી ભર ન રહી જાય તે માટે યોગ્ય અને ચોકસાઈથી સારવાર આપી અનેક બાળકોને  તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર ગુરૂવારે સવારે 11 થી 1:30 વાગ્યા સુધી આ માટેની ફ્રીમાં સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત આવા દર્દીઓને પહેરાવવામાં આવતા બુટ માર્કેટમાં રૂ. 3 હજારથી વધુ કિંમતના વેચાતા હોય છે તે પણ હોસ્પિટલમાંથી ફ્રીમાં આપવામાં આવતું હોવાની અને આવા કોઈ બાળકો હોય તો તેમની સારવાર જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લેવા માટે જૂનાગઢના હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ ડો. સુશીલ કુમાર દ્વારા જણાવાયુ છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. સુશીલ કુમારના જણાવ્યા અનુસાર મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભની આજુબાજુમાં ઍમનિઑટિક પ્રવાહીની ઉણપ હોય અથવા તો જે કુટુંબમાં ઘરના કોઈ વ્યક્તિને વાંકા પગ હોય તો ક્લબ ફુટ એટલે કે વાંકા પગની બીમારી બાળકોને થઈ શકે છે, આની શરૂઆતના તબક્કામાં પૂર્ણ ઈલાજ શક્ય છે. જો યોગ્ય સમયે ઉપચાર ન મળે તો તેના કારણે બાળકોમાં આજીવન ખોડખાપણ રહી જાય છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર પ્રવિણ ટાંકના જણાવ્યા અનુસાર, ક્લબ ફુટની સારવાર સામાન્ય પરંતુ ચોકસાઈ પૂર્વકની હોય છેે, તેમાં ઓપરેશન કરવામાં આવતું નથી પરંતુ એક વર્ષનું સુધીના બાળકો માટે પોનસેટી મેેેેથડ એટલે કે ઓપરેશન વગર દોઢથી બે માસ માટે પ્લાસ્ટર રાખવામાં આવે છે, અને દર અઠવાડિયે પગ પર નવું પ્લાસ્ટર મારવામાં આવે છે, છેલ્લા પ્લાસ્ટર લગાવતી વખતે એડી પાસે નાનો ચીરો લગાવવામાં આવે છે અને ત્યારબાદ બાળકોને ખાસ પ્રકારનું બુટ પહેરવામાં પહેરવામાં આવે છે, અને પગને ફરી વાંકા થતા રોકવા માટેેેે 4     વર્ષ  સુધી આવા બાળકને સતત બુટ પહેરાવવામાં આવે છે અને નિયમિત પ્લાસ્ટર તથા યોગ્ય કાળજી રાખવાથી વાંકા પગ સીધા થઇ શકે છે.

સરાહનીય સારવાર કરનાર તબીબોનું સન્માન

વર્લ્ડ ક્લબ ફુટ ડે અંતર્ગત ગઇકાલે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ક્લબ ફુટની સરાહનીય સારવાર અને કામગીરી કરનાર તબીબો, સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા જે બાળકોને સારવાર આપવામાં આવી હતી તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ તકે બાળકોના વાલીઓએ પોતાનું બાળક જન્મજાત ખોડખાપણ વગર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મેળવેલ સારવારથી ચાલતું થયું તે બદલ ખુશી વ્યક્ત કરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. તો હોસ્પિટલના ક્લબ ફુટ વિભાગમાં ફરજ બજાવતા તબીબો અને નર્સિંગ સ્ટાફએ તેમને સોંપવામાં આવેલ ફરજ તેમણે નિષ્ઠાપૂર્વક બજાવી કોઈના જીવનમાં રાજીપો અને ખુશી અપાવી છે તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.