સૌરાષ્ટ્રના સાવજ પુજારા અને જાડેજાનો ટેસ્ટ રેન્કિંગમાં ડંકો: એસસીએએ શુભેચ્છા પાઠવી

ઓસ્ટ્રેલિયા સિરિઝ દરમિયાન પુજારા અને જાડેજાની સિઘ્ધી: આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જાડેજા નંબર-૧ બોલર અને પુજારા બીજા નંબરનો બેટસમેન બન્યો.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને સૌરાષ્ટ્રના બંને સાવજ રવિન્દ્ર જાડેજા આઈસીસીની રેન્કિંગમાં પ્રથમ સ્થાન અને પુજારાને ટોચના બેટસમેનોમાં બીજુ સ્થાન મેળવવા બદલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને અભિનંદન પાઠવ્યા છે અને ભારતીય ક્રિકેટ ટીમના મજબુત પાયા તરીકે બંને ખેલાડીઓ ઉભરી આવ્યાનો આનંદ પણ વ્યકત કર્યો છે.

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ દરમિયાન આ બંને ખેલાડીઓએ મહત્વનો રોલ અદા કર્યો હતો. બેંગલુરુ ટેસ્ટ જીતવામાં પણ રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્ર્વર પુજારાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. રાંચી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ઈનિંગમાં ૫ વિકેટ અને બીજી ઈનિંગમાં ૪ વિકેટ ઝડપી હતી. રાંચી ટેસ્ટમાં કુલ ૯ વિકેટ રવિન્દ્ર જાડેજાના નામે રહી હતી. આ ઉપરાંત જાડેજાએ ૫૫ બોલમાં ૫૪ રનની વિસ્ફોટક ઈનિંગ પણ રમી હતી. બેંગ્લુરુ ટેસ્ટમાં પણ જાડેજાએ પ્રથમ ઈનિંગમાં ૬ અને બીજી ઈનિંગમાં એક વિકેટ લઈ ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી.

ભારતીય ટીમના બીજા મહત્વના ખેલાડી, સૌરાષ્ટ્રના સાવજ અને રાજકોટના રન મશીન અને રાહુલ દ્રવિડ બાદ જેને ભારતીય ટીમની દિવાલ માનવામાં આવે છે. એવા ચેતેશ્ર્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સિરિઝ દરમિયાન મહત્વનો રોલ અદા કરી ટેસ્ટ રેન્કિંગમાં બીજો ક્રમ મેળવી મહત્વની સિઘ્ધી હાંસલ કરી છે. રાંચી ટેસ્ટમાં બેવડી સદી ફટકારી ચેતેશ્ર્વરે માત્ર ભારતને મુશ્કેલીમાંથી ઉગારવા ઉપરાંત મહત્વની લીડ પણ અપાવી હતી. બેંગ્લોર ટેસ્ટમાં પણ પુજારાની ૯૨ રનની ઈનિંગે ભારત માટે જીતનો પાયો નાખ્યો હતો.

ચેતેશ્ર્વરની આ પ્રકારની ઈનિંગના કારણે જ તેને મી.ડીપેન્ડેબલ, મી.વોલ અને મી.રન મશીનના ઉપનામ અપાયા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ ગર્વ અનુભવતા આ બંને ખેલાડીઓના ક્રિકેટમાં યોગદાનની પ્રશંસા કરી હતી. તેમ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના મીડિયા મેનેજર હિમાંશુ શાહે જણાવ્યું છે.