Abtak Media Google News

રાજકોટના મહેશભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગરના અનિરુધ્ધસિંહ પઢિયાર, અમરેલીના પાર્થિવ જોષી અને જામનગરના વિમલ પરમારને નિયુક્ત કરાયા

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના હોમટાઉનની યુનિવર્સિટીને સમરસ કરી નાખી છે.છેલ્લા અઢી વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક વાદ-વિવાદો સામે આવ્યા છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યની જુદી જુદી બેઠક પર એકપણ બેઠક ઉપર ચૂંટણી કર્યા વિના ભાજપ-કોંગ્રેસની આપસી સમજૂતીથી બિનહરીફ થઇ છે. અનેકવાર યુનિવર્સિટીમાં સત્તાધીશોને વાદ-વિવાદ ઊપરાંત એકબીજા પર માછલાં ધોવાની વાત હોય જેને છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન યુનિવર્સિટીની આવા ગંદા રાજકારણની નીતિના પડઘા ગાંધીનગર સુધી પણ પહોંચ્યા છે.

ત્યારે મુખ્યમંત્રીના હોમટાઉનની યુનિવર્સિટી હવે વધુ વિવાદમાં ના આવે તે માટે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સમરસ કરી નાખી છે. આમ તો સિન્ડિકેટની તમામ બેઠકો બિનહરીફ થવા પામી છે ત્યારે સરકાર નિયુક્ત ચાર સભ્યની બાકી રહેલી નિમણૂક પર મંગળવારે નવા ચાર સિન્ડિકેટ સભ્યની વરણી કરવામાં આવી છે જેમાં રાજકોટના મહેશભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગરના અનિરુધ્ધસિંહ પઢિયાર, અમરેલીના પાર્થિવ જોષી અને જામનગરના વિમલ પરમારને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની જનરલ, આચાર્ય, ટીચર્સની બેઠક ઉપર મોટાભાગના સભ્યોને રિપીટ કર્યા છે ત્યારે સરકાર નિયુક્ત સભ્યોમાં પણ બે સભ્યને સિન્ડિકેટ તરીકે રિપીટ કરાયા છે જ્યારે નવા બે સભ્યને પ્રથમ વખત સિન્ડિકેટ સભ્ય તરીકે મોકો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાજેતરમાં જ નેકના દ્વારા બી ગ્રેડ આપવામાં આવ્યો છે. રાજ્યની એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જેની પાસે એ ગ્રેડ હતો. પરંતુ ભાજપ-કોંગ્રેસનું અંદરોઅંદરનું રાજકારણ, વિવાદોને કારણે યુનિવર્સિટીએ એ ગ્રેડ પણ ગુમાવો પડયો છે.

નેકની ટિમ જ્યારે મુલ્યાંકનમાં આવી ત્યારે પણ યુનિવર્સિટીના અનેક વાદ વિવાદો સામે આવ્યા હતા. કેટલાક સત્તાધીશોની કરતૂતો પણ સામે આવી હોવાનું ચર્ચાયુ હતું. આવા અનેક પાસાઓને પગલે અને વહીવટી કામોમાં પણ બેજવાબદાર કેટલાક અધિકારીઓને લીધે યુનિવર્સિટીએ પોતાનો એ ગ્રેડ ગુમાવવાનો વારો આવ્યો હતો. છેલ્લા વર્ષની ઘણી એવી બાબતો જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. અને હવે યુનિવર્સિટીમાં બધું સમુનમુ રહે  તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યુનિવર્સિટીને સમરસ બનાવી દીધી છે.

ભાજપ-કોંગ્રેસના તમામને ડીન-અધરધેન ડીન તેમજ એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટમાં જગ્યા આપી દેવામાં આવી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની જનરલની પાંચ બેઠકમાં ડો. નેહલભાઈ શુક્લ, ડો. ગિરીશભાઈ ભીમાણી, ડો. ભાવિનભાઈ કોઠારી તથા ડો. ભરતભાઈ રામાનુજ, હરદેવસિંહ જાડેજા ચૂંટાયા છે. સિન્ડિકેટની શિક્ષકની એક સીટ પર ડો. મેહુલભાઈ રૂપાણી બિનહરીફ તેમજ ભવનના વડાની એક સીટ પર ડો. દક્ષાબેન ચૌહાણ બિનહરીફ ચૂંટાયા છે.

જ્યારે આચાર્યની બે બેઠકમાંથી ડો. રાજેશભાઈ કાલરિયા અને ડો. ધરમ કાંબલિયા બિનહરીફ ચૂંટાયા છે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક દશકાથી વધુના સમયમાં જે શિક્ષણવિદો હોદા પર હતા તેઓને ફરી સત્તા અપાઈ છે. થોડા ચહેરાઓ નવા પણ છે જો કે અગાઉથી જ ચોકઠાં ગોઠવાઈ ગયા હોય તેમ યુનિવર્સિટી હવે સમરસ બની ગઈ છે. જો કે હવે આ બાદ યુનિવર્સિટીને ફરી એ ગ્રેડ મળશે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.