Abtak Media Google News

અમદાવાદમાં સી.એમ.ની અધ્યક્ષતામાં રાજ્યભરના મહાવિદ્યાલયના કુલપતિ-ઉપકુલપતિની બેઠક મળી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી તથા રજિસ્ટ્રાર ડો.રમેશ પરમાર હાજર રહ્યાં

અમદાવાદમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યભરની યુનિવર્સિટીઓના વડાઓની બેઠક મળી હતી. સવારે 11 કલાકે આ બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શરૂ થઈ હતી. જેમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ-ઉપકુલપતિ અને રજિસ્ટ્રાર હાજર રહ્યાં હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી અને રજિસ્ટાર ડો.રમેશ પરમાર ખાસ હાજર રહ્યાં હતા. તમામ સરકારી યુનિવર્સિટીનો એકશન પ્લાન ઘડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજની બેઠકમાં તાકીદ કરી હતી. આ ઉપરાંત તમામ યુનિવર્સિટીના આગામી વર્ષના વિઝન અને મિશનની જાણકારી મેળવવા તેમજ સૌરાષ્ટ્રની મહાવિદ્યાલયના નવા આયોમોનું વર્ણન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે તમામ સરકારી યુનિવર્સિટીઓના વી.સી., પી.વી.સી. અને રજિસ્ટ્રારની બેઠક મળી હતી. જેમાં રાજ્યની તમામ મહાવિદ્યાલયમાં શિક્ષણનું સ્તર સુધરે અને યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોનો ખરા અર્થમાં સાર્થક થાય અને કોલેજીયનોને પણ રોજગારીની તક મળે તેવા પગલા ભરવા વિશેષ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીન પેથાણી સી.એમ.સમક્ષ યુનિવર્સિટીનું આગામી વર્ષનું વિઝન અને મિશન રજૂ કર્યું હતું.

જેમાં કાયમી કર્મચારીઓની ભરતીનો પ્રશ્ર્ન, યુનિવર્સિટીમાં આઈએએસ/આઈપીએસ માટેના ટ્રેનીંગ સેન્ટર સ્વરૂપ લાઈબ્રેરી, લોકસાંસ્કૃતિક કેન્દ્ર, વિદ્યાર્થીઓ માટે રૂા.1 લાખનો વિમો, વ્યસન મુક્તિ માટેની થીમ, ગ્રીન કેમ્પસ અને યુનિવર્સિટીના કર્મચારીઓ માટે કવાર્ટર માટેની પ્રપોઝલ પણ મુકવામાં આવી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સી.એમ.વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની તમામ વિશ્ર્વ વિદ્યાલયનો દર મહિનાનો એકશન પ્લાન તૈયાર કરવો તેમજ યુનિવર્સિટીઓમાં પ્રોફેસરોની હાજરી તેમજ વિદ્યાર્થીઓની હાજરી પણ વધુ થાય તેવા પ્રયત્નો હાથ ધરવા તેમજ સમગ્ર દેશમાં ગુજરાતની યુનિવર્સિટી 1 થી 100માં સ્થાન પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો હાથ ધરવા માટે તાકીદ કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક આગવું સ્થાન ધરાવે છે તેના પર પણ સી.એમ. રૂપાણીએ ચર્ચા કરી હતી અને આગામી નેકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ પ્લસ ગ્રેડ મેળવે તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવશે અને તેના માટે આ બેઠક ખૂબજ મહત્વપૂર્ણ સાબીત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.