Abtak Media Google News

ધોરણ 6થી 12 તેમજ આઈટીઆઈ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાઈ શકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ દેશભરમાં સરકારી વિભાગોમાં ખાલી પડેલી 10 લાખ જગ્યાઓ પર ભરતી કરવા કહ્યું છે, તેમજ ગુજરાતી યુવાનો પણ યુપીએસસી-જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝુકાવવા લાગ્યા છે, ત્યારે બાળકોને શાળામાંથી જ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પેટર્નનો ખ્યાલ આવે તે હેતુસર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ‘ભારત જ્ઞાન પરીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે, જે ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જશે અને જુલાઈમાં પરીક્ષા યોજાશે.

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના માનનીય કુલપતિ હર્ષદ શાહે આપેલી પ્રેરણાથી તથા કુલસચિવ ડો. અશોક પ્રજાપતિના માર્ગદર્શનમાં ‘ભારત જ્ઞાન પરીક્ષા’નું આયોજન કરાયું છે. આ પરીક્ષાના સંયોજક તરીકે ડો. નિમિષ વસોયા તથા સહસંયોજક તરીકે યોગેન્દ્ર પટેલ કાર્ય કરી રહ્યા છે. ડો.વસોયાના જણાવ્યા પ્રમાણે, યુપીએસસી અને જીપીએસસીમાં જેવો સિલેબસ હોય છે, એ પ્રકારનો સિલેબસ વિવિધ ઉંમરના બાળકોના આઈ.ક્યૂ. મુજબ તૈયાર કરવામાં આવ્યો છે.

‘ભારત જ્ઞાન પરીક્ષા’માં ધોરણ 6થી 12 તેમજ આઈટીઆઈ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. આ પરીક્ષાનો હેતુ વિદ્યાર્થીઓ આપણા દેશનો મહાન વારસો, ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ, અર્થવ્યવસ્થા, નાગરિકશાસ્ત્ર, બંધારણ, ખેલકૂદ, સંગીત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વગેરેને જાણતા થાય, તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી-2020 મુજબ આ વિષયો પસંદ કરાયા છે. તેમણે કહ્યું કે, આ પરીક્ષાનો ફાયદો એ છે કે, તેનાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનો મહાવરો અત્યારથી થઈ જશે, તેમજ ઑનલાઈન તથા સ્પર્ધાત્મક પરીક્ષાનો ડર તેમનામાંથી દૂર થશે. જેથી ભવિષ્યમાં તેઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અન્ય વિદ્યાર્થીઓની તુલનામાં વધુ ઝડપથી સફળ થઈ શકશે.

આ પરીક્ષા ઑનલાઈન લેવાશે. વિદ્યાર્થીઓ પોતાના ઘરે કે કોઈપણ સ્થળે બેસીને, મોબાઇલ કે લેપટોપથી આ પરીક્ષા સરળતાથી આપી શકશે. તેમણે કહ્યું કે, આ પરીક્ષાની રજિસ્ટ્રેશન ફી માત્ર રૂપિયા 50 છે અને રાજ્યના તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકે છે. દરેક જિલ્લામાંથી ત્રણ ત્રણ વિજેતા પસંદ કરવામાં આવશે. ઈનામ સ્વરૂપે વિજેતા વિદ્યાર્થીઓ માટે ત્રણ રાત્રિ અને ચાર દિવસની પ્રતિભા-સંવર્ધન અને સ્કીલ ડેવલપમેન્ટ શિબિરનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડાવા માટે તેમણે અપીલ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.