Abtak Media Google News

એક તરફ સરહદે વિવાદ ઘટાડવાનો પ્રયાસ બીજી તરફ ચીને ભારતના વિસ્તારોને પોતાનામાં દર્શાવતો નકશો જાહેર કર્યો

ભારતના તકવાદી પાડોશી ચીને ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ચીને સત્તાવાર રીતે તેના “સ્ટાન્ડર્ડ મેપ”નું 2023 વર્ઝન બહાર પાડ્યું છે. આ નકશામાં તેણે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીન પ્રદેશને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે.

અહેવાલ અનુસાર 28 ઓગસ્ટના રોજ ઝેજિયાંગ પ્રાંતમાં મેપિંગ પ્રમોશન ડે અને નેશનલ મેપિંગ અવેરનેસ વીકની ઉજવણીમાં આ નકશો લોન્ચ કરવામાં આવ્યો છે.  ચીનનું આ નાપાક કૃત્ય પણ આશ્ચર્યજનક છે કારણ કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી.

28 ઓગસ્ટે ચીને નવો નકશો જાહેર કરીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે.  તેણે તેના નવા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને તેનો હિસ્સો દર્શાવ્યો છે.  ચીન અરુણાચલ પર દક્ષિણ તિબેટ હોવાનો દાવો કરે છે અને 1962ના યુદ્ધમાં અક્સાઈ ચીન તેના દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.  નવા નકશામાં તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરનો પણ ચીનના વિસ્તારના ભાગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. નકશામાં નાઈન ડેશ લાઈન પર ચીનના દાવાઓનો પણ સમાવેશ થાય છે અને આ રીતે દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર દાવો કરે છે.  તેના નકશામાં, તે દક્ષિણ ચીન સમુદ્રમાં વિયેતનામ, ફિલિપાઇન્સ, મલેશિયા અને બ્રુનેઇનો દાવો કરે છે.

ચીન અક્સાઈ ચીનમાં અન્ડરગ્રાઉન્ડ સુવિધાઓ વિકસાવી રહ્યું છે

ભારતમાં જી-20 પહેલા ચીન યુક્તિઓ રચી રહ્યું છે.  અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને પોતાના નવા નકશામાં દર્શાવ્યા બાદ હવે ચીને નવી ચાલ કરી છે.  ચીન હવે અક્સાઈ ચીનમાં ભૂગર્ભ સુવિધાઓ વધારવામાં વ્યસ્ત છે. આ તે વિસ્તાર છે જેના વિશે ભારત વારંવાર દાવો કરે છે કે ચીને તેના પર ગેરકાયદેસર કબજો કર્યો છે.  અક્સાઈ ચીનમાં બંકરો અને ભૂગર્ભ બનાવવાનો હેતુ લશ્કરી સંસાધનોને કોઈપણ હવાઈ અથવા મિસાઈલ હુમલાથી બચાવવાનો છે. ચીનના નકશાનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.  પરંતુ આ ઘટના પછી, વિવાદ ફરી એકવાર વધશે તે નિશ્ચિત છે.

વાહિયાત દાવાથી બીજાનો વિસ્તાર તમારો ન બની જાય: એસ. જયશંકર

વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે ચીન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ’સ્ટાન્ડર્ડ મેપ’માં અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.  જયશંકરે ચીનની આ રણનીતિ પર કહ્યું કે, ’વાહિયાત દાવા કરવાથી બીજાનો વિસ્તાર તમારો નથી બની જતો.  ચીનની જૂની આદત છે કે તે એવા વિસ્તારો પર દાવો કરે છે જે તેમની માલિકી નથી.  આનાથી કંઈ બદલાશે નહીં.તેમણે કહ્યું કે નકશો બહાર પાડવાનો કોઈ અર્થ નથી. અમારી સરકાર એકદમ સ્પષ્ટ છે કે આ અમારો પ્રદેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.