Abtak Media Google News

ચીન ચારે બાજુ સરહદને લઈને અન્ય દેશોને શીંગડા ભરાવી રહ્યું છે. હવે ફિલિપાઈન્સ સાથે તેનો વિવાદ ઘેરો બની રહ્યો છે. અગાઉ ભારત સરહદે પણ ખોટી રીતે ચકલી ચાળો કરવામાં પણ ચીને કઈ બાકી રાખ્યું નથી.

સાઉથ ચાઈના સીમાં હવે ચીન અને ફિલિપાઈન્સ વચ્ચેનો ગજગ્રાહ ઉગ્ર બની રહ્યો છે. ચીનના કોસ્ટ ગાર્ડના જહાજો ફિલિપાઈન્સની નૌકાઓને તેના એક ટાપુ પર સપ્લાય લઈ જતા રોકી રહ્યા છે. આ માટે ચીનના જહાજોએ વોટર કેનન વડે નૌકાઓ પર હુમલો પણ કર્યો છે. એવુ મનાઈ રહ્યુ છે કે, બંને દેશો વચ્ચે શરુ થયેલા ટકરાવનુ કારણ બીજા વિશ્વ યુધ્ધ સમયનુ એક જહાજ છે. જે બે દાયકાઓ સુધી વિવાદિત દરિયાઈ વિસ્તારમાં ફસાયેલુ રહ્યા બાદ કાટ ખાઈ ગયુ છે. આ જહાજનુ નામ બીઆરપી સિએરા માદ્રે છે. જેને ફિલિપાઈન્સની નૌસેનામાં સામેલ કરવામાં આવ્યુ હતુ. આ પહેલા તે અમેરિકાની સેનામાં ટેન્ક લેન્ડિંગ જહાજ તરીકે કામ કરી રહ્યુ હતુ. તેણે બીજા વિશ્વ યુધ્ધમાં પણ ભાગ લીધો હતો. એ પછી તેનુ નામ બદલીને યુએસએસ હોર્નેટ કાઉન્ટી કરાયુ હતુ. વિયેતનામ યુધ્ધમાં પણ તેને અમેરિકાએ તૈનાત કર્યુ હતુ. જે હેલિકોપ્ટરો માટે બેઝ તરીકે કામ કરી રહ્યુ હતુ.

વિયેતનામ યુધ્ધ પૂરુ થયા બાદ અમેરિકાએ આ જહાજ ફિલિપાઈન્સને આપી દીધુ હતુ. ફિલિપાઈન્સે તેનુ નામ બદલીને સિએરા માદ્રે કર્યુ હતુ. ફિલિપિની સેનાએ 1990ના દાયકાના અંતમાં સાઉથ ચાઈના સીમાં ચીનના વ્યાપને રોકવા માટે જાણી જોઈને આ જહાજને સેકેન્ડ થોમલ શોલ નામના ટાપુ પર રોકી દીધુ હતુ. કારણકે ચીને આ પહેલા જ રીતે નિર્જન પડેલા ટાપુ મિસચીફ રીફ પર કબ્જો જમાવ્યો હતો. તેના પર ફિલિપાઈન્સ દાવો કરી રહ્યુ હતુ.

સાઉથ ચાઈના સીમાં ચીને ઘણા ટાપુઓને પોતાના મિલિટરી બેઝમાં ફેરવી નાંખ્યા છે. ફિલિપાઈન્સે સિએરા માદ્રે જહાજ થકી જે ટાપુ પર કબ્જો જમાવ્યો છે તેના પર પણ ચીન પોતાનો દાવો કરી રહ્યુ છે. આ ટાપુ પશ્ચિમ ફિલિપાઈન્સના ટાપુ પાલાવાનથી લગભગ 200 કિલોમીટર દુર અને ચીનના હૈનાન ટાપુથી 1000 કિલોમીટર દુર છે. ચીન હજી પણ આ ટાપુ પર કબ્જો જમાવવાનો પ્રયાસ કરી રહ્યુ છે પણ ફિલિપાઈન્સ પણ લડી લેવાના મૂડમાં છે. બંને દેશોની સેના ઘણી વખત આ ટાપુ માટે આમને સામને આવી ચુકી છે.

ફિલિપાઈન્સ જ્યારે પણ આ ટાપુ પર જવાનો પ્રયાસ કરે છે ત્યારે ચીનના જહાજો તેનો રસ્તો રોકી લે છે. ચીને આ વિસ્તારમા પેટ્રોલિંગ માટે સેંકડો જહાજો તૈનાત કર્યા છે. આ ટાપુ પર ચીનનો કોઈ અધિકાર નથી તેવો ચુકાદો આંતરરાષ્ટ્રીય કોર્ટ આપી ચુકી છે પણ ચીન આવો ચુકાદો માનવા માટે તૈયાર નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.