Abtak Media Google News

એક તરફ દુનિયાના ઘણા દેશો વધતી વસતીના કારણે પરેશાન છે તો બીજી તરફ ચીન હવે ઘટી રહેલી વસતીના કારણે ટેન્શનમાં છે. ચીનમાં કોવિડના પ્રતિબંધો હટાવાયા બાદ જન્મદર ઘટી રહ્યો છે અને મોતનો આંકડો વધી રહ્યો છે. જેના કારણે 2023માં ચીનની વસતીમાં 20 લાખનો ઘટાડો નોંધાયો છે. સતત બીજા વર્ષે ચીનની વસતી ઓછી થઈ હતી. અને તેના કારણે ચીનની સરકારના માથા પર પરેશાનીના વળ પડી રહ્યા છે. ચીનની સરકારને ટેન્શન છે કે, વસતી ઘટવાના કારણે કામ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી થશે અને લાંબા ગાળે તેની અસર આર્થિક વિકાસ પર પડશે. બીજી તરફ વૃધ્ધોની સંખ્યામાં પણ વધારો થવાથી દેશની ઈકોનોમી સામે નવો પડકાર સર્જાશે.

વર્ષો સુધી એક જ બાળકની નીતિ લાગુ કરીને વસતી ઘટાડનાર ચીનની સરકાર હવે બરાબર ભેરવાઈ છે. ચીનની વસતી ઘટી રહી છે અને બીજી તરફ વૃધ્ધોની સંખ્યા વધી રહી છે. આ પ્રકારની સ્થિતિ દેશમાં ઉત્પાદકતા પર અસર પાડી શકે તેમ હોવાથી છેલ્લા કેટલાક સમયથી ચીનની સરકારે લોકોને વધારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવાનુ શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે માત્ર એક જ બાળકનો કાયદો પણ દૂર કરી દેવાયો છે.

જોકે હવે ચીનમાં માતા પિતા વધારે બાળકોને જન્મ આપવા માટે તૈયાર નથી અને તેના કારણે ચીનની સરકાર દંપતીઓને અલગ અલગ પ્રકારના પ્રલોભન આપવા માંડી છે. ચીનની સરકારના લેટેસ્ટ રિપોર્ટમાં આ વાત પર ફોકસ કરવામાં આવ્યુ છે.

જેના ભાગરુપે હવે વધારે બાળકો પેદા કરવા માટે માતા પિતાને નોકરી પર અપાતી રજાઓની સંખ્યામાં વધારો કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે. ઉપરાંત ખાનગી કંપનીઓને પણ તેમને ત્યાં નોકરી કરતા કર્મચારીઓના બાળકોને ઉછેરવા માટે સપોર્ટ કરવાનો આદેશ સરકાર આપશે. સરકાર બાળકોની સાર સંભાળ રાખવા માટે વિશેષ એલાઉન્સ આપવા માટે પણ હવે વિચારણા કરી રહી છે.

સરકારના અન્ય એક રિપોર્ટમાં વધારે બાળકો પેદા કરવા માટે પ્રસુતિ, ઉછેર તેમજ બાળકોનુ શિક્ષણ સસ્તુ કરવા માટે અને  માતા પિતાનુ પેન્શન વધારવા માટે ભલામણ કરવામાં આવી છે. જે સ્કીમો અત્યારે ચાલી રહી છે તે યથાવત રાખીને નવી સ્કીમો લોન્ચ કરવા માટે પણ સરકાર કવાયત કરશે.

ઉલ્લેખનીય છે કે, 2023માં સતત બીજા વર્ષે ચીનની વસતીમં ઘટાડો થયો છે. ચીનના સ્ટેટેસ્ટિકલ બ્યૂરોના કહેવા પ્રમાણે 2023માં ચીનમાં લોકોની સંખ્યા ઘટીને 1.409 બિલિયન થઈ છે. વસતીમાં એક વર્ષમાં 28 લાખ લોકોનો ઘટાડો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.