Abtak Media Google News

અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી શેરમેને સોમવારે લગભગ ૪૦ દૂતાવાસોના અધિકારીઓને માહિતી આપી

ચીન ભારત અને જાપાન સહિત અનેક દેશોને નિશાન બનાવીને જાસૂસી ફુગ્ગાઓનો કાફલો ચલાવી રહ્યું છે.  એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ ચોંકાવનારો અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલા અમેરિકી સેનાએ અમેરિકાના સંવેદનશીલ સ્થાપનો પર ફરતા ચાઈનીઝ સર્વેલન્સ બલૂનને નષ્ટ કરી દીધો હતો. અમેરિકન અધિકારીઓએ આ ચાઈનીઝ બલૂન વિશે ભારત સહિત તેમના મિત્રો અને સહયોગીઓને જાણ કરી છે. દક્ષિણ કેરોલિનાના કિનારે એટલાન્ટિક મહાસાગરમાં શનિવારે એક ફાઈટર જેટ દ્વારા બલૂનને નષ્ટ કરવામાં આવ્યો હતો.

અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી શેરમેને સોમવારે લગભગ ૪૦ દૂતાવાસોના અધિકારીઓને આ અંગેની માહિતી આપી છે. વોશિંગ્ટન પોસ્ટે મંગળવારે જણાવ્યું હતું કે બલૂન-સર્વેલન્સ પ્રયાસે જાપાન, ભારત, વિયેતનામ, તાઇવાન અને ફિલિપાઇન્સ સહિત અનેક દેશોમાં અને ચીન માટે ઉભરતા વ્યૂહાત્મક હિતના ક્ષેત્રોમાં લશ્કરી અસ્કયામતોની માહિતી એકત્ર કરી હતી.

રિપોર્ટ અનુસાર અધિકારીઓએ કહ્યું છે કે, ચીનની પીએલએ એરફોર્સ દ્વારા સંચાલિત આ સર્વેલન્સ વાહનો ૫ ખંડોમાં જોવામાં આવ્યા છે. એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ફુગ્ગાઓ પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) ફુગ્ગાના કાફલાનો એક ભાગ છે, જેને સર્વેલન્સ ઓપરેશન કરવા માટે વિકસાવવામાં આવ્યા છે અને અન્ય દેશોની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે.

અમેરિકન અખબાર અનુસાર તાજેતરના વર્ષોમાં, હવાઈ, ફ્લોરિડા, ટેક્સાસ અને ગુઆમમાં ઓછામાં ઓછા ૪ બલૂન જોવા મળ્યા છે અને આ ઉપરાંત ગયા અઠવાડિયે એક મોટો બલૂન જોવા મળ્યો હતો. આ ચારમાંથી ત્રણ ઘટનાઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દરમિયાન બની હતી, પરંતુ તે તાજેતરમાં ચીની જાસૂસ બલૂન તરીકે ઓળખાઈ હતી.

પેન્ટાગોને મંગળવારે બલૂનની ​​તસવીરો જાહેર કરી હતી. બુધવારે પેન્ટાગોને જણાવ્યું હતું કે, ચીને જણાવવું જોઈએ કે શું તેઓ અમારા સૈન્ય ઠેકાણાઓ પરથી પસાર થયા છે કે કેમ? તે જ સમયે મંત્રી એન્ટોની બ્લિંકને પણ કહ્યું કે વોશિંગ્ટનના વોર રૂમમાં હાજર લોકો યુએસ ઈસ્ટ કોસ્ટથી ચાઈનીઝ જાસૂસી બલૂનને ઠાર મારવામાં આવ્યાની ઘટનાઓ વિશે કલાકો સુધી અપડેટ લઈ રહ્યા હતા.

ચીને યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને તેમના ચીની સમકક્ષ જનરલ વેઇ ફેંગે વચ્ચે ટેલિફોનિક વાતચીતની વિનંતીને ફગાવી દીધી છે, યુએસ સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય પેન્ટાગોને જણાવ્યું હતું. તે જ સમયે આ સંપૂર્ણ અહેવાલ હવે યુએસ કોંગ્રેસમાં મૂકવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.