Abtak Media Google News

અમેરિકાનું ગ્રીન કાર્ડ ઈચ્છતા ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને હજુ દાયકાઓ સુધી ગ્રીન કાર્ડ બેકલોગને અંત આવે તેમ લાગતું નથી. પરંતુ આ દિશામાં હવે કેટલાક સારા પગલાં લેવાય તેવી શક્યતા છે. અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલ યુએસ ઈમિગ્રન્ટ વિઝા રિફોર્મ બિલ પર કામ કરી રહ્યા છે જેનાથી ગ્રીન કાર્ડના બેકલોગમાં ઘટાડો થશે. જયપાલ જે સુધારા લાગુ કરવા માંગે છે તેનાથી ભારતીયોને સૌથી વધુ ફાયદો થાય તેવી શક્યતા છે. હાલમાં અમેરિકાએ ગ્રીન કાર્ડ આપવા માટે દરેક દેશ દીઠ એક લિમિટ અથવા કેપ નક્કી કરી છે. તેથી ભારત જેવા મોટા દેશને પણ ચોક્કસ સંખ્યામાં જ ગ્રીન કાર્ડ મળી શકે છે. તેની જગ્યાએ અમેરિકામાં એચઆર6542 એક્ટ લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આ કાયદાથી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડમાં ક્ધટ્રી દીઠ લિમિટ દૂર થશે અને ફેમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડની લિમિટ વધશે.

ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડની લિમિટ 7% વધારીને 15% કરાશે

પ્રમિલા જયપાલ, રિચ મેકકોર્મિક અને રાજા ક્રિષ્નામો સહિતના સાંસદોએ અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં એક ખરડો રજુ કર્યો છે જેથી ફેમિલી બેઝ્ડ ગ્રીન કાર્ડ લિમિટ વધશે અને રોજગારી આધારિત ગ્રીન કાર્ડની લિમિટ દૂર થશે. આ બિલને એચઆર 6542 એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી ભારત અને ચીન જેવા દેશોને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે. શનિવારે જયપાલે ટ્વિટર પર જણાવ્યું કે આપણી ઈમિગ્રન્ટ વિઝા સિસ્ટમમાં સુધારા કરવા માટે કામ કરતા ગૌરવ અનુભવું છું. હવે ઈમિગ્રન્ટ વિઝા બેકલોગમાં સુધારો થશે. આગામી સપ્તાહે અમે હિલની મુલાકાત લેવાના છીએ અને આ ખરડો શા માટે જરૂરી છે તેના અંગે જાગૃતિ લાવીશું.

પ્રમિલા જયપાલે જણાવ્યું છે કે આ બિલથી હાલમાં ક્ધટ્રી દીઠ ગ્રીન કાર્ડની જે કેપ છે તે દૂર થશે. આ કેપના કારણે હજારોની સંખ્યામાં ભારતીયો અને ચાઈનીઝ લોકો અદ્ધરતાલ છે. તેઓ પોતાના પરિવારજનોને મળી શકતા નથી કે ભવિષ્ય માટે કોઈ આયોજન કરી શકતા નથી. આ બિલથી અમેરિકન બિઝનેસને તેમના ટેલેન્ટેડ લોકો જાળવી રાખવામાં અને ગ્લોબલ ઈકોનોમી સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે. અલગ અલગ ઈમિગ્રેશન ગ્રૂપે પણ આ બિલને ટેકો આપ્યો છે. અમેરિકન સંસદમાં બિલ મંજૂર થઈ જશે તો ગ્રીન કાર્ડના બેકલોગમાં ફસાયેલા 1.20 લાખ હાઈ સ્કીલ્ડ ઈમિગ્રન્ટ ફાયદામાં રહેશે. આ ખરડા વગર તેમણે ગ્રીન કાર્ડ મેળવવામાં 34 વર્ષ રાહ જોવી પડે તેમ છે.

અમેરિકાએ ગ્રીન કાર્ડ માટે દરેક દેશની એક લિમિટ નક્કી કરી છે. તેથી ભારત જેવા મોટી વસતી ધરાવતા અને ગ્રીન કાર્ડની સૌથી વધુ અરજીઓ કરતા દેશને માઠી અસર થાય છે. અમેરિકાની કુલ વસતીમાં ભારતીય ઈમિગ્રન્ટની સંખ્યા માત્ર એક ટકા છે, પરંતુ તેઓ અમેરિકન જીડીપીમાં 6 ટકા હિસ્સો આપે છે. આ વર્ષે અમેરિકામાં રોજગારી આધારિત ગ્રીન કાર્ડનો બેકલોગ વધીને 18 લાખ સુધી પહોંચી ગયો હતો.

અમેરિકામાં હાલમાં એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ માટે દરેક દેશ દીઠ 7 ટકાની કેપ નક્કી થયેલી છે. હવે ઈગલ એક્ટ પર કામ ચાલુ છે. આ એક્ટ લાગુ થશે તો આગામી નવ વર્ષમાં આ 7 ટકાની લિમિટ સાવ દૂર કરવામાં આવશે અને ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડની લિમિટ વધારીને 15 ટકા કરવામાં આવશે. હાલની સંસદમાં ઈગલ એક્ટ પસાર થવાની શક્યતા વધારે છે કારણ કે તેને બાઈડેન એડમિનિસ્ટ્રેશનનો સપોર્ટ છે. આ બિલથી ઓછું માઈગ્રેશન ધરાવતા દેશોને 50,000 ગ્રીન કાર્ડ દર વર્ષે આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.