Abtak Media Google News

ગોળીબારમાં 6 પાકિસ્તાની નાગરિકો અને એક અફઘાની સૈનિકનું મોત: 17થી વધુ ઇજાગ્રસ્ત

અફઘાનિસ્તાનના સૈનિકોએ રવિવારે પાકિસ્તાની સરહદ પર ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં છ પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે અને અન્ય 17 લોકો ઘાયલ થયા હોવાનો પાકિસ્તાન સેનાએ દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે અફઘાન બોર્ડર ફોર્સ દ્વારા ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગોળીબારમાં એક અફઘાની સૈનિકનું પણ મોત થયું હોય તેવા અહેવાલ મળી રહ્યા છે.

અફઘાનિસ્તાનના સૈનિકો દ્વારા પાકિસ્તાન બોર્ડર પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ત્યારપછી પાકિસ્તાની સૈનિકોએ પણ દક્ષિણ પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં ચમન બોર્ડર ક્રોસિંગ પરથી ફાયરિંગ કર્યુ હતુ.

અફઘાનિસ્તાનના અધિકારી નૂર અહમદે રોઇટર્સને જણાવ્યું હતું કે, આ માત્ર એક આકસ્મિક ઘટના છે અને બંને દેશોની સેના તરફથી હાલ સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. જો કે આ ઘટના અંગે તેમણે વધુ વિગતો આપી ન હતી. આ ઘટનામાં એક સૈનિક સહિત 7 લોકોના મોત થયા છે અને 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અફઘાન બોર્ડર ફોર્સે કોઈપણ કારણ વગર તોપ અને મોર્ટાર સહિતના ભારે હથિયારો વડે નાગરિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ પણ જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાને આ ઘટના બાદ કાબુલનો સંપર્ક કર્યો અને પરિસ્થિતિની ગંભીરતા જાણવી હતી. હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી હતી.

રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની સૈનિકોએ અફઘાન બોર્ડર ફોર્સના સૈનિકોને ચોકીઓ બનાવવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ તાલિબાની સૈનિકોએ પાકિસ્તાન સરહદની અંદર રહેણાંક વિસ્તારોમાં હુમલો કરવાનું શરૂ કર્યું. એવું જણવા મળ્યુ છે કે, અફધાની અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે જ્યાં અથડામણ થઈ તે વિસ્તાર કંદહાર પ્રાંતમાં આવેલો છે.

એક અહેવાલ અનુસાર, સ્પિન બોલ્ડકમાં વિવાદાસ્પદ ડ્યુરન્ડ લાઇન પર તાલિબાન સૈનિકો અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આમાં પાકિસ્તાની સૈન્યનો એક જવાન પણ ઘાયલ થયો છે. સ્પિન બોલ્ડક સિક્યોરિટીના કમાન્ડર મૌલવી મુહમ્મદ હાશિમે આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે આ અથડામણ રવિવારે થઈ હતી. બંને બાજુના અધિકારીઓએ જણાવ્યું કે ચમન ખાતેની અફઘાન સરહદનો ઉપયોગ વેપાર અને પરિવહન માટે થાય છે. અહીં આવી જ અથડામણને પગલે ગયા મહિને કેટલાક દિવસો સુધી ક્રોસિંગ બંધ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.