Abtak Media Google News
  • સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં માવઠા: દાહોદમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો: તોફાની પવનથી છાપરા ઉડ્યા: 16મી બાદ ફરી ગુજરાત તપશે: હાલ તાપમાન સામાન્ય ઘટ્યું છતાં કાળઝાળ ગરમી યથાવત

ગુજરાતમાં આગાહી મુજબ વરસાદ આવી ગયો છે. હીટવેવ શરુ થતા જ વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર માવઠાની મોંકાણ સર્જાઈ છે.અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ આવ્યો હતો. હજુ 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે આગાહી આપી છે. છોટાઉદેપુરમાં કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ વચ્ચે વીજળી પડતાં એક યુવતીનું મોત નિપજ્યું છે. નવા રામપુરામાં નીતા રાઠવા નામની યુવતી કુદરતના પ્રકોપનો ભોગ બની હતી. રાજ્યમાં અચાનક આવી પહેલા વરસાદથી ગરમીથી આંશિક રાહત મળી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. ભુજમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી પણ રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે. દાહોદ જિલ્લાના દાહોદ , ઝાલોદ, ગરબાડા પંથકમાં સાંજના સમયે આકરા તાપ વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભારે પવન ફૂંકાતા દુકાન પાસેના શેડના છાપરા ઉડતા જોવા મળ્યા હતા. પંથકમાં ધોધમાર વરસાદના પગલે વીજળી ડુલ થવા પામી હતી. આ સાથે ખુલ્લામાં મૂકેલું અનાજ પણ પલળી ગયું હતું. દાહોદ શહેરમાં આકરી ગરમી વચ્ચે જ કરા સાથે ધોધમાર વરસાદ શરૂ થતા લોકો આશ્ચર્યમાં મૂકાયા હતા.

ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. દાહોદ શહેર ઉપરાંત જિલ્લાના ઝાલોદ પંથકના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ઝાલોદના લીમડી, વરોડ, મિરાખેડી, કચુંબર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મિરાખેડી આસપાસ કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. દાહોદમાં તોફાની વરસાદમાં માંડવ રોડ સબરાડા ગામમાં બે વ્યક્તિ પર આકાશી વીજળી પડતા બંને વ્યક્તિ લકવાગ્રસ્ત બનવા પામ્યા હતા.

અરવલ્લીના ભિલોડાના મઉં, લીલછા સહિતના વિસ્તારોમાં માવઠું

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. દરમિયાન ભર ઉનાળે ગુરુવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો અને હળવો વરસાદ પડતાં દોડધામ મચી ગઈ હતી. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, ખેરોજ, વડાલી, પોશીના પંથકમાં પવન ફૂંકાવા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભીલોડા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠામાં અમીરગઢ, દાંતા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવન ફૂંકાવા સાથે પડેલા વરસાદના કારણે ઊભા પાકમાં નુકસાન પહોંચવાની દહેશતથી ખેડૂતો ચિંતિત બન્યા હતા.

ત્રણ દિવસ માવઠાની આગાહી

13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, સહીત ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરી છે. 15 એપ્રિલે અરવલ્લી, મહીસાગર અને દાહોદમાંસામાન્ય વરસાદની આગાહી

વીજળી પડતા એકનું મોત, બે લકવાગ્રસ્ત

છોટાઉદેપુરના મોટા રામપુરા ગામમાં વીજળી પડતા એક યુવતીનું મોત નિપજ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. મોટા રામપુરા ગામમાં રહેતા નીતાબેન દેશલાભાઈ રાઠવા ખેતરમાં બળદને લેવા જતા અચાનક વીજળી પડતાં તેમનું મોત નીપજતા આખા ગામમાં ચકચાર મચી ગઇ છે. છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા આ દુર્ઘટના બની હતી.દાહોદમાં તોફાની પવન ફૂંકાયા બાદ કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો, આ દરમિયાન દાહોદના સબરાડા ગામમાં વીજળી પડતા બે વ્યક્તિ લકવાગ્રસ્ત થઇ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.