Abtak Media Google News

કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં આધાર કાર્ડ માટે વારો ન આવતા અરજદારોમાં દેકારો: મેયરના પી.એ.ને કરાતી ફરિયાદ: તત્કાલ ટોકન પ્રથા ચાલુ કરવા સુચના

કેન્દ્ર સરકાર દ્વારા મોટાભાગની સેવાઓમાં આધારકાર્ડનું લીકઅપ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આવામાં આધારકાર્ડ કઢાવવા તથા કાર્ડમાં સુધારા-વધારા કરાવવા માટે અરજદારોનો ઘસારો વધુ પ્રમાણમાં રહે છે. તાજેતરમાં કોર્પોરેશનમાં આધારકાર્ડની કામગીરી મંદ પડી જવા પામી હતી. દરમિયાન આધારકાર્ડ માટે ટોકન આપવાની પ્રથા બંધ કરી દેવામાં આવતા અરજદારોમાં ભારે દેકારો મચી ગયો છે. કર્મચારીઓ કે શાસકો સાથે ધરોબો ધરાવતા લાગવગીયાઓનો પહેલો વારો લેવામાં આવતો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. આધારકાર્ડના કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળે છે છતાં નિર્ભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

Advertisement

કોર્પોરેશન દ્વારા હાલ જયાં આધાર કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે ત્યાં સવારથી અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. અગાઉ આધારકાર્ડ કઢાવવા કે કાર્ડમાં સુધારો-વધારો કરાવવા માટે અરજદારોને ટોકન આપવામાં આવતા અને ટોકન પ્રમાણે જ વારા લેવામાં આવતા હતા પણ કોઈ અકળ કારણોસર છેલ્લા કેટલાક દિવસથી ટોકન પ્રથા ઓચિંતી બંધ કરી દેવામાં આવી છે અને ઓપરેટરો પોતાના જાણીતા કે અધિકારીઓના માનીતા લોકોના પહેલા વારા લઈ લે છે. આજે સવારથી લાઈનમાં ઉભેલા લોકો પોતાના વારાની રાહ જોતા હતા. બીજી તરફ ઓપરેટરો લાગવગીયાને પહેલા લઈ લેતા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા કેટલાક અરજદારો આજે રજુઆત કરવા માટે મેયર ચેમ્બરમાં ધસી આવ્યા હતા અને મેયરની ગેરહાજરીમાં તેઓએ મેયરના પી.એ. કે.એસ.હિંડોચાને આ અંગે ફરિયાદ કરી હતી. દરમિયાન મેયરના પી.એ.એ તાત્કાલિક અસરથી આધારકાર્ડની કામગીરી સંભાળતા અધિકારીઓને એવી કડક સુચના આપી હતી કે, આધારકાર્ડમાં કાર્ડ કઢાવવા માટે કે સુધારો કરવા માટે ટોકન પ્રથા બંધ કરી દેવામાં આવી હોવાના કારણે કલાકો સુધી રાહ જોવા છતાં અરજદારોનો વારો આવતો નથી માટે તાત્કાલિક અસરથી ટોકન આપવાની પ્રથા પુન: શરૂ કરી દેવી જેથી ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ઉભી ન થાય.

હાલ આધારકાર્ડમાં સુધારો કરવાની કામગીરી માટે લોકોનો સારો એવો ઘસારો રહે છે પરંતુ મહાપાલિકા તંત્ર પાસે પુરતી કીટ ઉપલબ્ધ ન હોવાના કારણે કેન્દ્રો પર અરજદારોની કતારો જોવા મળે છે. છેલ્લા ત્રણેક માસથી આ સમસ્યાનો સામનો શહેરીજનો કરી રહ્યા છે છતાં કોર્પોરેશનના શાસકો કે અધિકારીઓ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.