Abtak Media Google News

સારા રસ્તા,સારી આરોગ્ય સેવા, પૂરતી વીજળી સહિતની સુવિધાઓ સાથે અનેક વિકાસ કામો કર્યા: ભુપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે પાલનપુરમાં  29700 ચોરસ મીટર વિસ્તારમાં  37.82 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને 118 કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા 220 કે.વી. સબસ્ટેશનનું ઇ-ભૂમિપૂજન કર્યું હતું. રૂ. 118 કરોડના ખર્ચ બનનારુ સીસરાણા સબ સ્ટેશન બનાસકાંઠા જિલ્લાના 24 હજાર ખેડૂતો સહિત કુલ 1 લાખ 20 હજાર ગ્રાહકોને  સતત વીજ પૂરવઠો પુરો પાડવામા ઉપયોગી બનશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી દ્વારા રાજ્યમાં આવા અદ્યતન સુવિધા સભર  7 આઈકોનિક બસપોર્ટ પી.પી.પી. ધોરણે નિર્માણ થઈને પેસેન્જર સેવામા કાર્યરત છે અને 10 સેટેલાઈટ બસ પોર્ટ નિર્માણાધીન છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકહિત, જનકલ્યાણ અને અંત્યોદયના કાર્યોને પ્રાધાન્ય આપે  છે. વિકાસના પાયામાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા એ ત્રણ બાબત મુખ્ય છે અને તે સૌને મળી રહે તેવું આયોજન સરકારે કર્યું છે.

Img 20220604 Wa0131

ગામડામાં સારા રસ્તા,સારી આરોગ્ય સેવા,પૂરતી વીજળી આપીને આપણે આ ત્રણેય ક્ષેત્રોમાં  અનેક વિકાસ કામો વડાપ્રધાનના માર્ગદર્શનમા કર્યા છે. મુખ્યમંત્રીએ કોરોના મહામારી દરમિયાન એસ.ટી નિગમના કર્મચારીઓએ આપેલી સેવાઓની સરાહના કરતાં ક્હ્યું કે 23 હજાર બસ દ્વારા 6.99 લાખ મુસાફરોને લાભ આપનારા એસ ટી ના આ સેવકો અભિનંદનને પાત્ર છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન  ઘરે-ઘરે વીજળી પહોંચાડવાના રાજ્ય સરકારની સફળતાની  વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી. 1960માં ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી 2002 સુધીમાં 702  વીજ સબ સ્ટેશન બન્યા હતા. બે દાયકામાં રાજ્યમાં 1549 નવા  વીજ સબ-સ્ટેશન બન્યા છે એટલે કે દર વર્ષે એવરેજ 78 વીજ સબ સ્ટેશન નિર્માણ થાય છે.

Img 20220604 Wa0132

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતને પરિવહન અને ઊર્જા એમ બંને ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રી એ આ પ્રસંગે વ્યક્ત કરી હતી. આ અવસરે  રાજ્ય સરકારના  વરિષ્ઠ સચિવો અને પદાધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજય સરકારના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, કિર્તીસિંહ, ધારાસભ્ય દિનેશભાઈ અનાવાડીયા, ભરતસિંહ ડાભી સહિતના ભાજપના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.